લંડનઃ બ્રિટનની પ્રથમ અંધ અને બધિર ડોક્ટર બનવા જઈ રહેલી ચોથા વર્ષની ૨૫ વર્ષીય તબીબી વિદ્યાર્થિની એલેક્ઝાન્ડ્રા આદમ્સનું કહેવું છે કે માત્ર જોવાં અને સાંભળવાથી જ તમે સારા ડોક્ટર બની શકતા નથી. એલેક્ઝાન્ડ્રા માને છે કે તેણે મક્કમ મનોબળ અને દૃઢ આત્મવિશ્વાસ થકી જ પોતાની અક્ષમતા પર વિજય મેળવ્યો છે. તેને પૂછાયું કે વિશ્વમાં કોઈ સ્થળે અંધ અને બધિર ડોક્ટર વિશે સાંભળ્યું છે? તો પ્રશ્નનો નકારમાં ઉત્તર આપતાં એલેકઝાન્ડ્રા કહે છે ‘તેનો અર્થ એવો નથી કે આમ થઈ ન શકે.’ કાર્ડિફ યુનિવર્સિટીની મેડિકલ કોલેજની સ્ટુડન્ટ એલેકઝાન્ડ્રા કહે છે કે, ‘હું અમેરિકામાં સંપૂર્ણ અંધ એવાં પાંચ ડોક્ટરની સાથે સંપર્કમાં છું અને અત્યાધુનિક ટેકનોલોજી વિશે ઘણું શીખી છું. એક ડોક્ટર તો સંપૂર્ણ બધિર છે અને કાર્ડિયોલોજિસ્ટ છે, જેમણે કદી હૃદયના ધબકારા સાંભળ્યા નથી.’
એવું પણ નથી કે એલેકઝાન્ડ્રા આ બે શારીરિક અક્ષમતા સિવાય સંપૂર્ણ સ્વસ્થ છે. અંધ અને બધિર હોવાં ઉપરાંત, તેને જન્મથી જ એક કિડની છે, અસ્થમા અને શ્વસન સંબંધિત વિવિધ સમસ્યા પણ છે. વર્ષ ૨૦૦૦માં તે ૧૮ મહિના હોસ્પિટલમાં રહી ત્યારે જ તેણે ડોક્ટર બનવાનો નિર્ધાર કર્યો હતો. ૧૬ વર્ષની વયે ગંભીર ગેસ્ટ્રો-ઈન્ટેસ્ટાઈનલ સમસ્યાઓ થતાં તેનાં પર ૨૦ ઓપરેશન કરવાં પડ્યાં હતાં. ગત બે વર્ષમાં તેને ૧૫ વખત ઈન્ટેન્સિવ કેરમાં દાખલ થવું પડ્યું છે. એલેકઝાન્ડ્રાને તેના સ્વજનો કહેતા કે તે ક્યારેય સ્કીઈંગ કરી શકશે નહિ. અંધ અને બધિર લોકો તો ચોક્કસપણે આ ના જ કરી શકે. જોકે, એલેકઝાન્ડ્રાએ તેમને ખોટાં સાબિત કર્યાં છે. તેણે માત્ર ટુંકા ઢોળાવ જ નહિ, જોખમી અને લાંબા ઢોળાવો પર સ્કીઈંગ કર્યું છે. એલેકઝાન્ડ્રાને એક આંખમાં તો દૃષ્ટિ જ નથી અને બીજી આંખમાં માત્ર પાંચ ટકા દૃષ્ટિ છે.
આથી તે સફેદ રંગ સિવાયની બીજી કોઇ ચીજવસ્તુ જોઈ શકતી નથી. તેણે ગ્રેટ બ્રિટન પેરાલિમ્પિક્સ ટીમ સાથે ટ્રેનિંગ લીધી અને આગળ રહેતા ગાઈડ સાથે તે પોતાના હીઅરિંગ એઈડ સાથે જોડાયેલાં બ્લુટ્રુથ હેડફોનથી સંપર્કમાં રહેતી હતી.
કેન્ટમાં ઉછરેલી હવે એલેકઝાન્ડ્રા નવા સાહસ તરફ વળી છે જ્યાં જોખમ ઘણું વધારે છે. જો તે અને તેની સપોર્ટ ટીમ - NHSમાં તેના સાથીઓ જરા પણ ભૂલ કરે તો તેમની નહિ પરંતુ, અન્ય લોકો-દર્દીઓનું જીવન ખતરામાં આવી શકે છે. એલેકઝાન્ડ્રા સમજે છે કે અંધ અને બધિર ડોક્ટરનો માત્ર ઉલ્લેખ કરવાથી જ લોકો ઉભા થઈ જશે. તેની સાથે પ્રત્યક્ષ ટ્રેનિંગમાં સંકળાયેલા લોકો પણ સાચું માની શકતાં નથી.
મેડિકલ કોલેજના પ્રથમ વર્ષમાં તેની જરૂરિયાતો વિશે ચર્ચા કરવા તેને બોલાવાઇ ત્યારે બધાંની નજર તેની સફેદ ટેકણલાકડી અને તેના પર જ મંડાઈ હતી. એક જણે તો કહ્યું કે, ‘જો તમે ડોર હેન્ડલ શોધી ન શકો તો ડોક્ટર બનવાની અપેક્ષા કેવી રીતે રાખી શકો?’ જોકે, એલેકઝાન્ડ્રા કહે છે કે, ‘તેઓ સમજી શકતા નથી કે કોઈ અંધ અને બધિર કેવી રીતે ડોક્ટર બની શકે કારણ કે હજુ સુધી આવું થયું નથી. હું તે બદલવા માગું છું. મારાં ત્રીજા વર્ષમાં એક સીનિયર ડોક્ટરે મારી સારવાર કોઈ અક્ષમ ડોક્ટર દ્વારા કરાય તેમ ઈચ્છીશ તેવો પ્રશ્ન કર્યો હતો.’
એલેકઝાન્ડ્રા માટે સ્માર્ટફોન મહત્ત્વનો છે. તેની પાસે હાઈ ટેક સ્ટેથોસ્કોપ છે જે બ્લુટ્રુથ વડે તેનાં હીઅરિંગ એઈડ સાથે જોડાયેલું છે જેનાથી તે હૃદયના ધબકારા સાંભળી શકે છે. હવે તે ડોક્ટરો કાનની તપાસ માટે ઓટોસ્કોપ સાધન રાખે છે તે પણ મેળવશે. આ નવા સાધનમાં ઈમેજને મોટી કરી શકે તેવા આઈફોનની પણ જગ્યા છે. તે રેસ્ટોરાંમાં મેનુ વાંચી શકતી નથી, પરંતુ તેનો ફોટો લે છે અને તેની પ્રિન્ટ ફોન પર મોટી કરે છે.
એલેકઝાન્ડ્રા બે વર્ષની હતી ત્યારથી હીઅરિંગ એઈડ લગાવે છે. તેના પિતા એન્જિનીઅર અને માતા ફીઝિયોથેરાપિસ્ટ છે. હવે તો તે અત્યાધુનિક હીઅરિંગ એઈડ પહેરે છે. જન્મથી બધિર હોવાં છતાં તે અસ્ખલિત બોલી શકે છે.