વડાપધાન નરેન્દ્ર મોદીએ 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની પરંપરા નિભાવતા પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર વિવિધ મોરચે નોંધનીય પ્રદાન કરનાર છ ભારતીય મહિલાઓને બિરદાવી છે. વડાપ્રધાનનો આ અભિગમ નારી સશક્તિકરણ પ્રત્યેના તેમના દૃષ્ટિકોણને છતો કરે છે. તેમણે જે છ નારીરત્નોને બિરદાવ્યાં છે તેમાં વૈશાલી રમેશબાબુ (ચેન્નાઈ), ડો. અંજલિ અગ્રવાલ (દિલ્હી), અનિતા દેવી (નાલંદા), એલિના મિશ્રા (ભુવનેશ્વર), અજૈતા શાહ (રાજસ્થાન) અને શિલ્પા સોની (સાગર)નો સમાવેશ થાય છે.
વૈશાલી રમેશબાબુએ માત્ર છ વર્ષની ઉંમરે ચેસ રમવાનું શરૂ કરીને વર્ષ 2023માં ચેસ ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ જીતી ચૂકી છે. તો શિલ્પા સોની અને એલિના મિશ્રા ભાભા એટમિક રિસર્ચ સેન્ટર ખાતે પરમાણુ વિજ્ઞાની તરીકે કાર્યરત છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે તેમના પ્રદાન બદલ વડાપ્રધાન મોદીએ તેમને બિરદાવ્યા હતા. તો અજૈતા શાહ ફ્રન્ટિયર માર્કેટમાં સીઇઓ છે. ગ્રામીણ ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપી તેમને આત્મનિર્ભર બનાવવાની દિશામાં તેમણે નિભાવેલી ભૂમિકાને વડાપ્રધાન મોદીએ બિરદાવી છે. અનિતા દેવીને તો ‘બિહારના મશરૂમ લેડી’ તરીકેની ઓળખ મળી જ ચૂકી છે. વર્ષ 2016માં તેમણે માધોપુર ફાર્મર્સ પ્રોડયુસર કંપનીની સ્થાપના કરીને મશરૂમ ખેતી શરૂ કરીને સંખ્યાબંધ મહિલાને આર્થિક પ્રગતિમાં અને આત્મનિર્ભર બનવામાં મદદ કરી છે. અનીતા દેવી નાલંદા જિલ્લાના અનંતપુર ગામના રહીશ છે.
તો દિલ્હીનાં ડો. અંજલિ અગ્રવાલ યુનિવર્સિલ એક્સેસિબિલિટીની દિશામાં કામ કરે છે. તેમણે સામર્થ્યમ્ સેન્ટરની સ્થાપના કરી છે. તેઓ શાળાઓ ને જાહેર સ્થળે પણ દિવ્યાંગો સરળતાથી અવરજવર કરી શકે તેવી માળખાકીય બાંધકામ રચના કરીને દિવ્યાંગોને મદદરૂપ સહાયરૂપ બન્યા છે. વડાપ્રધાન મોદીએ આ તમામ મહિલાએ વિકસિત ભારતની દિશામાં કરેલા પ્રદાનને બિરદાવ્યું છે.