મુંબઈઃ સૌરાષ્ટ્ર ટ્રસ્ટનાં ટ્રસ્ટી અને જાણીતાં ધારાશાસ્ત્રી પ્રીતિબહેન મહેતાએ કાનૂની સામાયિક ‘ઈન્ડિયા બિઝનેસ લો જર્નલ ૨૦૨૧’ની યાદીમાં ટોચના ૧૦૦ ભારતીય ધારાશાસ્ત્રીઓની યાદીમાં તેમનું સ્થાન જાળવી રાખ્યું છે. જર્નલની આ સાતમી વાર્ષિક યાદીમાં કેટલાંક નામ ઉમેરવામાં આવ્યાં હતાં, જેમાં પ્રીતિબહેને તેમનું સ્થાન જાળવ્યું છે.
પ્રીતિબહેન દેશની ટોચની લો ફર્મ કાંગા એન્ડ કંપનીના પાર્ટનર છે અને તેઓ મર્જર એન્ડ એક્વિઝિશન, પ્રાઈવેટ ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટ, કોર્પોરેટ લો સહિતનાં ક્ષેત્રોમાં પ્રેક્ટિસ કરે છે. પ્રીતિબહેન તેમની સફળતાનો શ્રેય પોતાના પિતા સ્વ. ડી. એમ. પોપટને આપે છે, જેઓ મેસર્સ મુલ્લા એન્ડ મુલ્લા અને ક્રેઈગી બ્લન્ટ એન્ડ કેરોમાં સિનિયર પાર્ટનર હતા. પ્રીતિબહેને પ્રારંભિક ટ્રેનિંગ પિતા પાસે પ્રાપ્ત કરી હતી અને આગળ જતાં પિતાતુલ્ય સિનિયર પાર્ટનર શ્રી એમ.એલ. ભક્તા પાસેથી પણ પ્રશિક્ષણ મેળવ્યું હતું. આ બંને પોતાના વ્યવસાયમાં દિગ્ગજ ગણાય છે.
આ લો જર્નલના એ-લિસ્ટમાં એવા ટોચના ૧૦૦ ધારાશાસ્ત્રીઓનો સમાવેશ છે, જેઓ ભારતમાં અને આંતરરાષ્ટ્રીય ફર્મ સાથે જોડાયેલા હોય અને ભારત કેન્દ્રીત પ્રવૃત્તિ કરતા હોય.