ભારતનાં પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી : કિરણ બેદી

પ્રથમ ભારતીય નારી

- ટીના દોશી Wednesday 24th July 2024 01:47 EDT
 
 

આમ તો કિરણ નામનો અર્થ તેજની રેખા કે પ્રકાશરેખા એવો થાય. કિરણ સૂર્યનું પણ હોય અને કિરણ ચંદ્રનું પણ હોય, પરંતુ અહીં આપણે જે કિરણની વાત કરીએ છીએ તે ભારતીય પોલીસ વિભાગની પ્રકાશરેખા કિરણ બેદી છે. ભારતની પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી કિરણ બેદી...
કિરણ પ્રથમ આઈપીએસ તો બની ગઈ, પણ કારકિર્દીના આરંભના દિવસોમાં એણે મહિલાઓ સાથે કામ ન કરવા ટેવાયેલા પોતાના પુરુષ સહયોગીઓ તરફથી ભેદભાવ અને ઉત્પીડનનો સામનો કરવો પડેલો. જોકે કિરણ બેદીએ પ્રત્યેક પડકારનો ધૈર્યથી સામનો કર્યો. આખરે ધીરજનાં મીઠાં ફળ મળ્યાં. કિરણે અત્યંત ઝડપથી પોતાની ઈમાનદારી, અનુશાસન અને સમર્પણ માટે ખ્યાતિ મેળવી. કિરણે જુદા જુદા વિભાગમાં સરાહનીય કામ કર્યું, પણ તિહાડ જેલમાં ઇન્સ્પેક્ટર જનરલ તરીકે જેલ સુધારણા કાર્યક્રમો હાથ ધરવા બદલ એની ખૂબ પ્રશંસા થઈ. પોતાના નામને અનુરૂપ જ કિરણ બેદી પોલીસ વિભાગના આભમાં કિરણ બનીને ઝળહળી !
પ્રત્યેક પડકારનો સામનો કરીને કિરણ બેદી એટલી ઊંચાઈએ પહોંચી કે પગલે પગલે પુરસ્કૃત થતી રહી. ૧૯૮૦માં વીરતા માટેનો પોલીસચંદ્રક મળ્યો, ૧૯૯૧માં માદક દ્રવ્યોના અટકાવ માટેના ક્ષેત્રમાં કરેલી કામગીરી બદલ નોર્વેની સંસ્થા ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ ગૂડ ટેમ્પલર્સ દ્વારા એશિયા ક્ષેત્ર પુરસ્કાર, ૧૯૯૪માં એશિયાના નોબેલ પુરસ્કાર ગણાતા રેમન મેગસેસે પુરસ્કારથી સન્માનિત, ૧૯૯૫માં મહિલા શિરોમણિ પુરસ્કાર, ૧૯૯૭માં સામાજિક ન્યાય અને માનવ અધિકારો માટે કામગીરી કરવા બદલ જોસેફ બેયૂસ એવોર્ડ, ૨૦૦૪માં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનમાં યોગદાન કરવા બદલ સંયુક્ત રાષ્ટ્ર ચંદ્રક, ૨૦૦૫માં ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા વુમન ઓફ ધ યર પુરસ્કાર,૨૦૦૯માં અમેરિકી વિદેશ વિભાગ દ્વારા ઈન્ટરનેશનલ વુમન ઓફ કરેજ એવોર્ડ, ૨૦૧૨માં ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ, ૨૦૧૯માં ભારત સરકાર દ્વારા નારીશક્તિ પુરસ્કાર...દરમિયાન પુડુચેરીના ઉપરાજ્યપાલ તરીકે પણ કામગીરી કરી, પણ કિરણની ઓળખ તો ભારતની પ્રથમ મહિલા આઈપીએસ તરીકેની જ છે !
પડકારોમાંથી પાર ઊતરનાર અને પુરસ્કારોથી વિભૂષિત થનાર કિરણ બેદીનો જન્મ ૯ જૂન ૧૯૪૯ના પંજાબના અમૃતસરમાં મધ્યમવર્ગીય પરિવારમાં થયેલો.
માતા પ્રેમલતા પેશાવરિયા. પિતા પ્રકાશ પેશાવરિયા. એમની ચાર દીકરીઓમાં કિરણ બીજા ક્રમાંકે. કિરણે ૧૯૮૮માં દિલ્હી યુનિવર્સિટીમાંથી એલએલબી કર્યું. ૧૯૯૩માં આઈઆઈટી દિલ્હીના સોશિયલ સાયન્સ વિભાગમાંથી સોશિયલ સાયન્સમાં જ પીએચ.ડી. કર્યું. દરમિયાન, ૧૯૭૦થી ૧૯૭૨ સુધી ખાલસા કોલેજ ફોર વિમેન, અમૃતસર ખાતે રાજનીતિશાસ્ત્રનાં અધ્યાપિકા તરીકે પણ કિરણે કામ કર્યું.. ૯ માર્ચ ૧૯૭૨ના બ્રિજ બેદી સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા
ત્રણ દિવસ બાદ સ્વાગત સમારોહ નિમિત્તે કિરણે પહેલી વાર સાડી પહેરી. દિલ્હી ખાતે આઈપીએસ અધિકારી તરીકેની નિમણૂકના પ્રારંભિક તબક્કાના ત્યારના આઈ.જી. ભવાનીમલે કિરણને નોકરીના સમય દરમિયાન સાડી પહેરવાનું સૂચન કર્યું. ત્યારે લાક્ષણિક ઢબે જવાબ વાળતાં એણે કહેલું, ‘સર, કોઈ એક જ બાબત મને નોકરીમાંથી બહાર ધકેલી શકે એમ હોય તો તે હશે સાડી પહેરવાની મજબૂરી ! પણ સાડી પહેરવાની મજબૂરી નહોતી. એટલે કિરણ નોકરીમાં ટકી ગઈ. પછી ચાર મહિના બાદ ૧૬ જુલાઈ ૧૯૭૨ના રોજ ઈન્ડિયન પોલીસ એકેડેમીમાં કિરણનો પ્રવેશ થયો. સઘન તાલીમ લીધા પછી કિરણ બેદી પોલીસ અધિકારી બનીને એકેડેમીમાંથી બહાર આવી. એ સાથે જ કિરણ બેદી ભારતની પહેલી આઈપીએસ અધિકારી બની.
ફરજપાલન કરતાં કરતાં શૌર્ય દર્શાવવા બદલ કિરણ બેદીને ૧૦ ઓક્ટોબર ૧૯૮૦ના દિવસે પરાક્રમ માટેનો પોલીસચંદ્રક એનાયત કરાયો કિરણ બેદીની હિંમત જોઈને જ કદાચ અનેક સ્ત્રીઓને પોલીસ વિભાગમાં આશાનું કિરણ દેખાયું હશે. કિરણના સાહસમાંથી અનેક કિરણો રેલાયાં અને આજે તો અસંખ્ય કિરણોનું તેજોવલય ભારતીય પોલીસ વિભાગમાં આભા પ્રકટાવી રહ્યું છે !


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter