ભારતનાં પ્રથમ મહિલા નોબેલ પારિતોષિક વિજેતા : મધર ટેરેસા

પ્રથમ ભારતીય નારી

- ટીના દોશી Wednesday 12th March 2025 07:04 EDT
 
 

એગ્નેસ ગોન્ઝા બોયાજિજૂ .... આ નામ સાંભળ્યું છે ? આ પ્રશ્નના ઉત્તરમાં કોઈ પણ ભાગ્યે જ હકારમાં જવાબ વાળશે. પણ એ જે નામે પ્રખ્યાત થયેલાં એ નામ સાંભળશો તો કોઈ એવું નહીં કહી શકે કે એ નામ અજાણ્યું છે !
એમનું નામ મધર ટેરેસા... સમાજસેવિકા અને ગરીબોનાં બેલી. કરુણામૂર્તિ, દયાની દેવી અને મમતાળુ માતા તરીકે પ્રખ્યાત. ૧૯૪૮માં જ ભારતનું નાગરિકત્વ લઇ લીધેલું એમણે. સમાજસેવાના ક્ષેત્રમાં મધરના અણમોલ પ્રદાનને પગલે ૧૯૬૨માં દેશના ચોથા સર્વોચ્ચ સન્માન પદ્મશ્રીથી પુરસ્કૃત કરાયાં હતાં. આ જ વર્ષમાં રેમન મેગ્સેસે પુરસ્કાર પણ મધરને મળેલો. એ પછી ૧૯૮૦માં દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી પુરસ્કૃત કરાયાં હતાં. આ જ વર્ષમાં, ૨૭ ઓગસ્ટ ૧૯૮૦ના રોજ ભારત સરકારે મધર ટેરેસાની સ્મૃતિમાં ત્રીસ પૈસાની ટપાલ ટિકિટ બહાર પાડેલી. એ પહેલાં ૧૯૭૯માં શાંતિ માટેનો નોબેલ પારિતોષિક મધરને એનાયત કરાયો હતો. જોકે મધર ટેરેસાએ ઇનામની ૧,૯૨૦૦૦ ડોલરની રકમ લેવાનો ઇનકાર કરીને કહેલું કે એ નાણાં ભારતના ગરીબ લોકોને દાનમાં આપવામાં આવે. નોબેલની રકમનો ઉમદા કાર્ય માટે કર્યો. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ નોબેલ પારિતોષિકથી પુરસ્કૃત થનારાં મધર ટેરેસા પ્રથમ ભારતીય મહિલા હતાં !
મધર ટેરેસાનો જન્મ ૨૬ ઓગસ્ટ ૧૯૧૦ના રોજ અત્યારના સ્કોપ્જે મેસિડોનિયામાં થયો હતો. અઢાર વર્ષની ઉંમરે, તેણે 'સિસ્ટર્સ ઑફ લોરેટો'માં જોડાવાનું નક્કી કર્યું. લોરેટોની સિસ્ટરો સાથે જોડાવા અને મિશનરી બનવા માટે એણે ઘર છોડ્યું. પછી તે આયર્લેન્ડ ગઈ. આરંભે એગ્નેસ આર્યલેન્ડના રથફર્નહામમાં આવેલા લોરેટો મઠમાં ગઈ.
૬ જાન્યુઆરી ૧૯૨૯... ગોન્ઝા ભારત આવી. દીક્ષાર્થી તરીકેનો પોતાનો અજમાયશી કાળ હિમાલય પર્વતમાળા નજીકના દાર્જિંલિંગમાં શરૂ કર્યો. મે ૧૯૩૪માં નન તરીકે પ્રથમ ધાર્મિક શપથ લીધા. મિશનરીઓના આશ્રયદાતા અને પ્રોત્સાહક સંત થેરેસે દે લિસિઅકસના નામ પરથી તેણે એ વખતે પોતાના માટે ટેરેસા નામ પસંદ કર્યું. પૂર્વ કલકત્તાની લોરેટો કોન્વેન્ટ શાળામાં શિક્ષિકા તરીકે સેવા આપતાં હતાં ત્યારે ૧૪ મે ૧૯૩૭ના તેમણે વિધિપૂર્વકના શપથ લીધા.
થોડા સમય માટે મધર ટેરેસાએ દાર્જિલિંગની સેન્ટ લોરેટો સ્કૂલમાં અધ્યાપન કાર્ય કર્યું, ત્યાર બાદ કોલકાતાની એક શાળામાં અધ્યાપન કાર્ય શરૂ કર્યું. બેસહારા અને દિવ્યાંગ બાળકોને જોઈને તથા રસ્તાને કિનારે પડેલા અસહાય રોગીઓની દયનીય સ્થિતિ જોઈને એમનું મન દ્રવી ઊઠયું. એમણે ભારતમાં જ રહીને સેવાની સુવાસ પ્રસરાવવાનો સંકલ્પ કર્યો. ૧૦ સપ્ટેમ્બર ૧૯૪૬ના ૧૯૪૮માં તેમણે ગરીબો સાથેનું પોતાનું મિશનરી કાર્ય શરૂ કર્યુ. તેમણે લોરેટોના પરંપરાગત પોશાકના સ્થાને ભૂરી કિનારીવાળી સાદી સફેદ સુતરાઉ સાડી અપનાવી. ભારતીય નાગરિકત્વ સ્વીકાર્યુ અને ઝૂંપડપટ્ટીમાં પોતાનું કાર્ય શરૂ કર્યું. શરૂઆતમાં તેમણે મોતીહિલમાં એક શાળા શરૂ કરી. ઑક્ટોબર ૧૯૫૦માં મિશનરીઝ ઑફ ચેરિટીની સ્થાપના કરી. મધર ટેરેસાના મિશનરીઝ એસોસિએશને ૧૯૯૬ સુધીમાં લગભગ ૧૨૫ દેશોમાં ૭૫૫ નિરાધાર ઘરો ખોલ્યાં. ટેરેસાએ શરૂ કરેલા 'નિર્મળ હૃદય' આશ્રમ રોગથી પીડિત દર્દીઓની સેવા માટે હતો, જ્યારે 'નિર્મલા શિશુ ભવન' આશ્રમ અનાથ અને બેઘર બાળકોને મદદ કરવા માટે સ્થાપવામાં આવ્યો હતો.
આ પ્રકારનાં સેવાકીય કાર્યોને પગલે સિત્તેરના દાયકા સુધીમાં તો માનવતાવાદી અને ગરીબ અને અસહાયોના બેલી તરીકે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાતિ પામી ચૂકયા હતાં. તેમને પ્રથમ વખત ૧૯૮૩માં તોતેર વર્ષની વયે હાર્ટ એટેક આવ્યો હતો. તે સમયે મધર ટેરેસા પોપ જ્હોન પોલ બીજાને મળવા રોમ ગયેલાં. ત્યાર બાદ ૧૯૮૯માં બીજો હાર્ટ એટેક આવ્યો.
૧૩ માર્ચ ૧૯૯૭ના રોજ, તેમણે મિશનરીઝ ઑફ ચેરિટીના વડા પદેથી હોદ્દો છોડ્યો. ૫ સપ્ટેમ્બર ૧૯૯૭ના તેમનું અવસાન થયું.
જોકે મધર ટેરેસાના મૃત્યુ પછી પણ નોબેલ પારિતોષિક મળ્યું ત્યારનો એમનો સંવાદ મશહૂર બની ગયો છે.  
મધર ટેરેસાએ નોબેલ એવોર્ડ સ્વીકાર્યો ત્યારે પ્રશ્ન પૂછાયો, ‘વિશ્વશાંતિ માટે અમે શું કરી શકીએ?’ મધરે પ્રત્યુત્તર આપતાં કહ્યું, ‘ઘેર જાઓ અને તમારા પરિવારને પ્રેમ કરો...!’




to the free, weekly Gujarat Samachar email newsletter