ભારતનાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ : પ્રતિભા પાટીલ

પ્રથમ ભારતીય નારી

- ટીના દોશી Wednesday 23rd October 2024 06:09 EDT
 
 

ટેબલ ટેનિસના ખેલમાં જે નિપુણ હોય અને જે કોલેજ ક્વીન પણ રહી ચૂકી હોય એ યુવતી આગળ ઉપર પ્રસિદ્ધ ખેલાડી બને અથવા તો ભારતસુંદરી બને તો નવાઈ ન લાગે, પણ આ બે ક્ષેત્રને બદલે એ રાજકારણના ક્ષેત્રમાં કાઠું કાઢીને ભારતનાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવા સુધીની સફર ખેડે...
પ્રતિભા પાટીલને મળો. ભારતીય પ્રજાસત્તાકનાં સર્વપ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ. ભારતનાં પહેલાં મહિલા રાષ્ટ્રપતિ. એ પહેલાં રાજસ્થાનનાં સર્વપ્રથમ મહિલા રાજ્યપાલ રહ્યાં. પ્રાથમિક, માધ્યમિક અને એમ.એ. સુધીનું શિક્ષણ મહારાષ્ટ્રના ખાનદેશ સ્થિત જળગાંવ ખાતે. ત્યારબાદ એલએલ.એમ. પદવી સુધીનું કાયદાશાસ્ત્રનું શિક્ષણ મુંબઈની સરકારી લૉ કૉલેજમાં લીધું અને જન્મસ્થાન જળગાંવ ખાતે વકીલાત શરૂ કરી. મૂળ રાજસ્થાનના પરંતુ જળગાંવ ખાતે લાંબા સમયથી કાયમી ધોરણે સ્થાયી થયેલા દેવીસિંગ રામસિંગ શેખાવત સાથે ૭ જુલાઈ ૧૯૬૫ના રોજ વિવાહબદ્ધ... ભારતીય રાજકારણમાં એમણે વિવિધ પદ શોભાવ્યાં, એમાં ‘પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ’ તરીકેનો હોદ્દો શિરમોર રહ્યો !
પ્તિભાશાળી પ્રતિભા પાટીલ મહારાષ્ટ્રના જળગાંવ જિલાના નંદગાંવમાં ૧૯ ડિસેમ્બર ૧૯૩૪ના રોજ જન્મેલાં. માતા શકુંતલા અને પિતા નારાયણ રાવ પાટીલ આઝાદીના પ્રખર લડવૈયાઓ. દેશપ્રેમના સંસ્કારો વારસામાં મેળવીને પ્રતિભાએ જળગાંવમાં નગરપાલિકાની પ્રાથમિક કન્યાશાળામાંથી ચાર ધોરણ સુધીનું શિક્ષણ લીધું. પછી, અત્યારે આર.આર. વિદ્યાલય તરીકે જાણીતી અંગ્રેજી શાળામાં પાંચમા ધોરણમાં પ્રવેશ મેળવ્યો. ત્યાર બાદ જળગાંવની એમ.જે. કોલેજ તરીકે જાણીતી મૂળજી જેઠા કોલેજમાં દાખલ થઈ. વર્ષ ૧૯૬૨માં સૌંદર્ય સ્પર્ધામાં એમ.જે. કોલેજના કોલેજ ક્વીન પણ બન્યાં. ચીનના આક્રમણ વખતે ૧૯૬૨માં જળગાંવ જિલ્લામાં મહિલા ગૃહરક્ષકદળ સંગઠિત કરવામાં તેમની મોખરાની ભૂમિકા ભજવી. પ્રતિભા સામાજિક કાર્યોમાં આગળ પડતો ભાગ લેતાં. વકીલાત શરૂ કર્યા પછી પણ સામાજિક કાર્યો સાથે જોડાયેલાં રહ્યાં. કોંગ્રેસના નેતા અન્ના સાહેબ કેળકરે પ્રતિભામાં છુપાયેલી રાજનૈતિક પ્રતિભા પારખી.
એમણે પ્રતિભાને કોંગ્રેસમાં જોડાવાનું સૂચન કર્યું. પ્રતિભાનો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં પ્રવેશ થયો. એ પછીના ઘટનાક્રમમાં એદલાબાદ મતદારક્ષેત્ર પરથી પ્રતિભાએ વિધાનસભાની ચૂંટણીમાં વિજય હાંસલ કર્યો. પ્રતિભા રાજકારણમાં સિદ્ધિનાં સોપાનો સર કરતાં રહ્યાં. પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવું તે આ સિદ્ધિનું અંતિમ સોપાન ! રાજકારણી તરીકેનો પ્રતિભા પાટીલનો અનુભવ વિશાળ રહ્યો. એ વિવિધ હોદ્દે કાર્યરત રહ્યાં. વર્ષ ૧૯૬૨-’૮૫ના ગાળામાં મહારાષ્ટ્ર રાજ્ય મંત્રીપરિષદનાં સભ્ય. ઉપર્યુક્ત ગાળા દરમિયાન તેમણે વિવિધ મંત્રીપદે કાર્ય કરેલું. જુલાઈ ૧૯૭૯માં મહારાષ્ટ્રમાં શરદ પવારના નેતૃત્વ હેઠળ પુરોગામી લોકશાહી આઘાડી-પુલોદના નેતૃત્વ હેઠળ રચવામાં આવેલ મંત્રીમંડળના કાર્યકાળ દરમિયાન પ્રતિભા પાટીલ વિરોધ પક્ષના નેતા રહ્યાં. વર્ષ ૧૯૮૫માં મહારાષ્ટ્રમાંથી રાજ્યસભાના સભ્ય બન્યાં. વર્ષ ૧૯૮૮-’૯૦ દરમિયાન મહારાષ્ટ્ર કૉગ્રેસનાં પ્રદેશાધ્યક્ષ.
વર્ષ ૧૯૯૧માં મહારાષ્ટ્રના અમરાવતી મતદાર વિભાગમાંથી પ્રતિભા લોકસભામાં પ્રથમવાર નિર્વાચિત થયાં. વર્ષ ૧૯૯૬થી ૨૦૦૪ના ગાળા દરમિયાન પ્રત્યક્ષ રાજકારણમાંથી સ્વૈચ્છિક રીતે અલગ રહ્યાં. વર્ષ ૨૦૦૪થી ૨૦૦૭ દરમિયાન રાજસ્થાનનાં રાજ્યપાલ રહ્યાં.
પ્રતિભા પાટિલે રાષ્ટ્રપતિપદની ઉમેદવારીને કારણે ૨૧ જૂન ૨૦૦૭ના રોજ રાજસ્થાનનાં રાજ્યપાલ તરીકે રાજીનામું આપ્યું. કેન્દ્રના સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે નામાંકન દાખલ કર્યું.૨૪ જુલાઈ ૨૦૦૭ના રોજ ભારતીય પ્રજાસત્તાકના વિધિવત્ રાષ્ટ્રપતિનું તેમણે પદ ગ્રહણ કર્યું.
રાષ્ટ્રપતિ તરીકે પ્રતિભા પાટીલે ભૂમિદળ અને વાયુસેનાના સંયુક્ત યુદ્ધ અભ્યાસ સુદર્શન શક્તિ દરમિયાન મુખ્ય યુદ્ધ ટેન્ક ટી-૯૦ પર સવારી કરીને લોકોને આશ્ચર્યચકિત કરી દીધેલાં.
ટેન્ક પર સવાર થનારા જવાનોની જેમ સંપૂર્ણ કાળાં કપડામાં સજ્જ થઇને છોતેર વર્ષીય પ્રતિભા પાટીલે મુખ્ય યુદ્ધ ટેન્ક ટી-૯૦માં સેનાધ્યક્ષ વી.કે.સિંહ સાથે સવાર થઇને ટેંકની રજેરજની માહિતી મેળવેલી. એ સાથે જ પ્રતિભા પાટીલ કોઇ યુદ્ધ ટેન્ક પર સવાર થનારાં ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ બની ગયેલાં.... પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાની સાથે યુદ્ધ ટેન્ક પર સવાર થનાર પણ પ્રથમ રાષ્ટ્રપતિ...!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter