ભારતનાં પ્રથમ મહિલા વડાં પ્રધાન : ઇન્દિરા ગાંધી

પ્રથમ ભારતીય નારી

- ટીના દોશી Wednesday 02nd October 2024 08:16 EDT
 
 

ઇન્દિરાનો અર્થ દેવી લક્ષ્મી, કાંતિ, શોભા અને સૃષ્ટિની શરૂઆતમાં ફૂલની પાંખડીઓથી બનેલી દેવી એવો થાય છે. એ જ રીતે પ્રિયદર્શિનીનો અર્થ જેનું દર્શન પ્રિય છે એ અથવા તો પ્રિય જોનારી એવો થાય છે.... આ બન્ને નામના સંગમ સમાં છતાં લોખંડી મહિલા તરીકે જાણીતાં ઇન્દિરા પ્રિયદર્શિની ભારતનાં પ્રથમ મહિલા વડાં પ્રધાન હતાં ! ઇન્દિરા ૨૪ જાન્યુઆરી ૧૯૬૬થી ૨૪ માર્ચ ૧૯૭૭ તથા ૧૪ જાન્યુઆરી ૧૯૮૦થી તેમના અવસાન સુધી ૩૧ ઓક્ટોબર ૧૯૮૪ સુધીના બે સમયગાળા દરમિયાન ભારતના વડાં પ્રધાનપદે રહ્યાં હતાં. ભારતમાં પિતા અને પુત્રી બન્ને વડા પ્રધાન બન્યાં હોય એવું એકમાત્ર ઉદાહરણ એટલે જવાહરલાલ અને ઇન્દિરા. ઇન્દિરાનો પુત્ર રાજીવ પણ વડા પ્રધાન પદે પહોંચ્યો. આમ ત્રણ પેઢીની વ્યક્તિ વડા પ્રધાન બની હોય એવું એકમાત્ર ઉદાહરણ નેહરુ-ગાંધી પરિવારમાં જોવા મળ્યું. ઇન્દિરાએ ૧૯૭૧માં પાકિસ્તાનના બે ટુકડા કરીને બાંગલાદેશની રચના કરવામાં મહત્વની ભૂમિકા ભજવેલી. બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું અને તેમના નેતૃત્વમાં ભારતે ૧૯૭૪માં પહેલું અણુપરીક્ષણ કર્યું. ઇન્દિરાના અણમોલ રાજકીય પ્રદાનને પગલે ભારત સરકાર દ્વારા તેમને ૧૯૭૧માં દેશના સર્વોચ્ચ સન્માન ભારતરત્નથી સન્માનિત કરાયાં હતાં !
ઇન્દિરા ગાંધીનો જન્મ પ્રતિષ્ઠિત ધારાશાસ્ત્રી મોતીલાલ નેહરુના પરિવારમાં ૧૯ નવેમ્બર ૧૯૧૭ના રોજ ઉત્તર પ્રદેશ ખાતે અલાહાબાદમાં થયેલો. માતા કમલા નેહરુ સ્વતંત્રતા સેનાની. આઝાદી આંદોલનમાં ભાગ લેવાની સાથે ઈન્દિરાએ શરૂઆતનું શિક્ષણ અલ્લાહાબાદની અંગ્રેજી માધ્યમની કૉન્વેન્ટ સ્કૂલમાં લીધું. ૨૬ માર્ચ ૧૯૪૨ના રોજ ફિરોઝ ગાંધી સાથે લગ્નગ્રંથિથી જોડાયાં.. ૧૯૪૨ના હિંદ છોડો આંદોલન સમયે જેલવાસ વેઠ્યો. પુત્ર રાજીવનો જન્મ ૧૯૪૪માં અને સંજયનો જન્મ ૧૯૪૬માં થયો. ૮ સપ્ટેમ્બર, ૧૯૬૦ના રોજ ફિરોઝ ગાંધીનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું.
ચાર વર્ષ બાદ, ૧૯૬૪માં નેહરુના અવસાન પછી લાલબહાદુર શાસ્ત્રી વડાપ્રધાન થતાં ઇન્દિરા માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે જોડાયાં. ૧૧ જાન્યુઆરી ૧૯૬૬ના દિવસે લાલબહાદુર શાસ્ત્રીનું અવસાન થતાં ઇન્દિરા ગાંધીએ વચગાળાની ચૂંટણીમાં બહુમતી મેળવી.દેશનાં પ્રથમ મહિલા વડાં પ્રધાન તરીકેનું પદ સંભાળ્યું તેમના સમયનો સૌથી પ્રભાવક બનાવ તે ૧૮ મે ૧૯૭૪ના રોજ રાજસ્થાનમાં પોખરણ મુકામે ભૂગર્ભમાં કરવામાં આવેલો અણુધડાકો હતો. ભારતનો પરમાણુ યુગમાં સમાવેશ કર્યો. ઇન્દિરાની એક રાજકારણી તરીકેની કાબેલિયતની કસોટી ૧૯૭૧માં પૂર્વ પાકિસ્તાનમાંથી ભારત આવેલા શરણાર્થીઓ અંગે થઈ. તેમણે પૂર્વ પાકિસ્તાનના મુજીબુર રહેમાનને ટેકો આપી લશ્કરી હસ્તક્ષેપ કરીને તેને સ્વાતંત્ર્ય બક્ષ્યું. બાંગ્લાદેશનો એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે જન્મ થયો.
ઇન્દિરાના જીવનમાં ચડાવ પછી ઉતાર આવ્યો. ૧૨ જૂન ૧૯૭૫ના દિવસે અલ્લાહાબાદની વડી અદાલતે ઇન્દિરાની રાયબરેલીની ચૂંટણી રદબાતલ કરતાં વડાં પ્રધાન તરીકેના તેમના સ્થાનને મોટો ધક્કો પહોંચ્યો. આ ચુકાદાની સામે તેમણે સર્વોચ્ચ અદાલતમાંથી ‘સ્ટે’ મેળવ્યો પરંતુ સંસદમાં મત આપવાનો અધિકાર તેમને રહ્યો નહીં. ગુજરાતમાં શરૂ થયેલી નવનિર્માણ ચળવળના આધારે જયપ્રકાશના નેતૃત્વ નીચે બિહારમાં અને ત્યાર બાદ સમગ્ર ભારતમાં જૂન મહિનામાં ચળવળ શરૂ કરવાની તૈયારીઓ થઈ રહી હતી. ઇન્દિરાએ દેશમાં કટોકટીની જાહેરાત કરી અને જયપ્રકાશ, મોરારજી વગેરે નેતાઓની ધરપકડ કરી. પ્રેસ ઉપર નિયંત્રણો લાદ્યાં. આકરી સેન્સરશિપ શરૂ કરી. ૧૯૭૭માં કટોકટી ઉઠાવી લેવામાં આવી અને ચૂંટણીઓ યોજાઈ. ઇન્દિરાની હાર થઈ. તેમની ધરપકડ કરવામાં આવી. પરંતુ ઇન્દિરાએ કર્ણાટકમાંથી ચીકમંગલૂરની સંસદીય બેઠકની પેટા-ચૂંટણી જીતી લીધી. ઑગસ્ટ ૧૯૭૯માં સંસદને બરખાસ્ત કરવામાં આવી. ફરીને ચૂંટણી થતાં ઇન્દિરા વડાં પ્રધાન બન્યાં.
દરમિયાન પંજાબમાં હિંસાનો દોર વધતો ચાલ્યો અને આતંકવાદ પ્રસરતો ગયો. ઇન્દિરાએ અમૃતસરના સુવર્ણમંદિર ઉપર ૬ જૂન ૧૯૮૪ના લશ્કર મોકલ્યું જે ઑપરેશન બ્લૂ સ્ટાર તરીકે ઓળખાય છે. ગુપ્તચર સંસ્થાએ તેમને શીખ અંગરક્ષકો ન રાખવાની સલાહ પણ આપેલી. ૩૧ ઓક્ટોબર ૧૯૮૪ના રોજ, ઇન્દિરા ગાંધીના નિવાસ સ્થાને, તેમના અંગરક્ષકો સતવંત સિંહ અને બિયંત સિંહે સુવર્ણ મંદિરમાં થયેલા હત્યાકાંડના બદલામાં કુલ એકત્રીસ ગોળીઓ ચલાવીને ઈન્દિરા ગાંધીની હત્યા કરી દીધી... ઇન્દિરાએ દુનિયામાંથી વિદાય લીધી, પણ એમનું નામ ઈતિહાસનાં પૃષ્ઠોમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગયું !


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter