નવી દિલ્હીઃ હરિયાણાનાં ડો. પાયલ છાબરાએ આર્મ્ડ ફોર્સીસ મેડિકલ સર્વીસમાં ડોક્ટર તરીકે સેવા આપવાની સાથે સાથે પેરા કમાન્ડોની આકરી પરીક્ષા પાસ કરીને કમાન્ડો બનવાનું ગૌરવ હાંસલ કર્યું છે. ઉલ્લેખનીય છે કે તેઓ આવી સિદ્ધિ મેળવનાર પહેલા મહિલા સર્જન છે. મેજર પાયલ છાબરા દેશના દુર્ગમ વિસ્તાર કેન્દ્રશાસિત પ્રદેશ લેહ-લદાખની આર્મી હોસ્પિટલમાં વિશેષજ્ઞ સર્જન તરીકે ફરજ બજાવે છે. પેરા કમાન્ડો બનવા માટે અત્યંત કઠિન અને જટિલ ટ્રેનિંગ અને આકરા પરીક્ષણોમાંથી પસાર થવું પડે છે. આગ્રાની એરફોર્સ ટ્રેનિંગ સ્કૂલમાં પેરા કમાન્ડોની ટ્રેનિંગ યોજાય છે. આ તાલીમ મેળવવા માટે વ્યક્તિમાં ઉચ્ચતમ સ્તરની શારીરીક અને માનસિક ફિટનેસ હોવી જરૂરી છે. ડો. પાયલ છાબરાએ જણાવ્યું હતું કે પેરા કમાન્ડો બનવાની સફર જરા પણ આસાન ન હતી. હિંમત અને કશુંક કરી છૂટવાની જિજીવિષા જ આ સફળતાને ખાસ બનાવે છે. આ ટ્રેનિંગ સેશનની શરૂઆત વહેલી સવારે ત્રણથી ચાર વાગ્યાની આસપાસ શરૂ થઇ જાય છે, અને રાત સુધી ચાલે છે.