ભારતના મિસાઈલમેન કોણ હતા એ સવાલના જવાબમાં કોઈ પણ પ્રખ્યાત વૈજ્ઞાનિક ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામનું નામ આપશે. પણ ભારતની મિસાઈલ વુમન કોણ છે એ પ્રશ્નનો ઉત્તર જાણો છો ?
ડૉ. ટેસી થોમસને મળો.... સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા-ડીઆરડીઓની મહિલા વૈજ્ઞાનિક. વર્ષ ૨૦૦૮થી અગ્નિ મિસાઈલ પ્રોજેક્ટ સંભાળનાર ભારતની પહેલી મહિલા. ભારતની પ્રથમ મિસાઈલ મહિલા. ભારતની અગ્નિપુત્રી તરીકે પણ જાણીતી. ટેસ્સીએ અગ્નિ મિસાઈલના પરિષ્કૃત સંસ્કરણોના વિકાસ માટે આયખું આખું સમર્પિત કરી દીધું. પૂર્વ અને પશ્ચિમના પાડોશીઓ સાથે યુદ્ધની બાથ ભીડવા માટે ભારત સરકારે શરૂ કરેલાં ‘અગ્નિ’ મિસાઈલ કાર્યક્રમ સાથે વર્ષ ૧૯૮૮માં જોડાયા બાદ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થાની મહિલા વૈજ્ઞાનિક ટેસી થોમસને ‘મિસાઈલવુમન’નું બિરુદ મળ્યું. ટેસ્સી થોમસે લાંબા અંતરની મિસાઈલો માટે તૈયાર કરેલી ગાઇડન્સ સ્કીમનો ઉપયોગ બધી અગ્નિ મિસાઈલોમાં કરાયો. ટેસ્સીની વિશેષતા એ છે કે ગાઈડેડ મિસાઈલ સિસ્ટમથી એ કોઈ પણ રોકેટને મિસાઈલમાં પરિવર્તિત કરે છે અને એને અચૂક નિશાન લેવા માટે તૈયાર કરે છે. ૩૫૦૦ કિલોમીટર સુધી પ્રહાર કરતી અગ્નિ-૪ મિસાઈલના સફળ પરીક્ષણ પછી ખાસ કરીને ટેસી થોમસ દેશવિદેશમાં ‘અગ્નિપુત્રી’ના નામે પ્રખ્યાત થઈ ગઈ.
ડૉ. ટેસી થોમસનો જન્મ ૩ એપ્રિલ ૧૯૬૩ના કેરળના અલપ્પુઝામાં એક કેથોલિક પરિવારમાં થયેલો. એનું નામ શાંતિદૂત કહેવાતાં મધર ટેરેસાના નામ પરથી ટેસી રખાયું. ટેસીનું ઘર થુંબા રોકેટ લોન્ચિંગ સ્ટેશનની નજીક હતું, કદાચ એથી એને બાળપણથી જ મિસાઈલ સાથે મહોબ્બત હતી. એ વિમાનોને જોયા જ કરતી. જાણે અજાણે વિમાનની વૈજ્ઞાનિક બનવાનું બીજ એવી જ કોઈ ક્ષણે એના મનમાં રોપાઈ ગયું.
ટેસીએ ભણવામાં જીવ રેડી દીધો. કેરળના અલપ્પુઝાની સેન્ટ માઈકલ્સ હાયર સેકેન્ડરી સ્કૂલ અને સેન્ટ જોસેફ ગર્લ્સ હાયર સેકેન્ડરી સ્કૂલમાં અભ્યાસ કર્યો. આગળના અભ્યાસ માટે દેવું કર્યું. ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, ત્રિશૂરમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે ટેસીએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાંથી દર મહિને સો મહિના ચૂકવવાને લેખે લોન લીધી. બી.ટેક. કર્યા બાદ ટેસીએ એમ.ટેક. માટે પુણેની ડિફેન્સ ઇન્સ્ટિટયૂટ ઓફ એડવાન્સ ટેકનોલોજીમાં દાખલ થવા માટે પ્રવેશ પરીક્ષા આપી. માત્ર ત્રણ ઉમેદવાર પ્રવેશ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા, એમાં એક ટેસી પણ હતી. પરીક્ષા પાસ કરનારી પહેલી મહિલા. ગાઈડેડ મિસાઈલ એન્ડ વેપન ટેકનોલોજીના વિશેષ અભ્યાસક્રમ માટે એની પસંદગી કરાઈ. ૧૯૮૫માં રાષ્ટ્રીય સ્તરની પરીક્ષામાં પ્રથમ આવીને ટેસ્સી થોમસે એકવીસ વર્ષની ઉંમરે ભારતની સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા-ડીઆરડીઓમાં પગરણ કર્યાં.
પોતાની મહેનત, નિષ્ઠા અને ધગશથી ૧૯૮૮માં ડૉ. ટેસી થોમસ ભારતની મિસાઈલ પરિયોજનામાં સામેલ થઈ. એ સમયે અગ્નિ મિસાઈલ પરિયોજનાનું નેતૃત્વ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ કરી રહેલા. ટેસી ડૉ. કલામને પોતાના ગુરુ માનતી. એણે ડૉ. કલામના નેતૃત્વમાં અગ્નિ મિસાઈલ પરિયોજના સફળ બનાવવા કામગીરી કરી. અગ્નિ-૨થી અગ્નિ-૬ સુધીના તમામ સંસ્કરણોને વિકસિત કરવામાં ડૉ. ટેસ્સીની ભૂમિકા મહત્વપૂર્ણ રહી.
ટેસ્સી અગ્નિ-૫ પરિયોજનાના અંતિમ ચરણ પર કામ કરી રહેલી ત્યારે કેટલાયે મહિનાઓ સુધી એ પોતે અને એની ટુકડીના સભ્યો ઘેર જઈ શક્યા નહોતા. એનું એક કારણ એ હતું કે અગ્નિ-૩નું પહેલું પરીક્ષણ વિફળ થઈ ચૂકેલું. વૈજ્ઞાનિકોની સંપૂર્ણ ટુકડીએ અથાક પ્રયાસો કર્યા. એક એક તકનીકને અનેક વાર તપાસી, પારખી ત્યારે બધામાં આત્મવિશ્વાસનો સંચાર થયો. અગ્નિ-૫ અગ્નિપરીક્ષામાંથી પાર ઊતરી. પણ જે દિવસે પરીક્ષણ કરવાનું હતું એ દિવસે હવામાન પલટાયું. આખરે વૈજ્ઞાનિકોની હઠ સામે મોસમે નમતું તોળ્યું. હવામાન અનુકૂળ થઈ ગયું. એટલે કેટલાક કલાકનો વિલંબ થયો હોવા છતાં અગ્નિ-૫નું સફળ પરીક્ષણ થયું. અગ્નિપુત્રી ટેસી મશહૂર થઈ ગઈ.
મિસાઈલ મહિલા ટેસી વિશે જાણીને યાજ્ઞસેનીનું સ્મરણ થાય છે. એક અગ્નિપુત્રી યજ્ઞવેદીમાંથી પ્રકટેલી દ્રૌપદી હતી, જેની અગનજ્વાળાઓએ કૌરવોને રાખ કરી દીધેલા. બીજી અગ્નિપુત્રી ટેસ્સી થોમસ છે, જેના આગ ઓકતા અગ્નિ પ્રક્ષેપાસ્ત્ર દુશ્મનોનો સંહાર કરશે !