દરિયામાં જાળ નાખીને નાનીમોટી માછલી પકડતા માછીમારોને સહુ કોઈએ જોયા હશે, પણ માછલી પકડતી મહિલાને જોઈ છે ?
રેખા કાર્તિકેયન... કેરળના ત્રિશૂર ખાતે ચેટ્ટુવામાં સમુદ્રતટે રહેતી ભારતની પ્રથમ ફિશરવુમન. પહેલી માછીમાર મહિલા. ભારત સરકાર તરફથી ૨૦૧૬માં આંતરરાષ્ટ્રીય સીમા પર દરિયાના ઊંડાણમાં જઈને માછલીઓ પકડવાનું લાયસન્સ એને મળ્યું. રેખા કાર્તિકેયન આ પ્રકારનો પરવાનો પ્રાપ્ત કરનાર પહેલી માછીમાર મહિલા છે. સામાન્યપણે માછલી પકડતી માછીમાર મહિલાઓ જોવા મળતી નથી. પણ પિસ્તાળીસ વર્ષની ઉંમરે રેખા દરિયામાં જઈને માછલી પકડનાર અને એ માટે લાયસન્સ પણ મેળવનાર પહેલી મહિલા બની એ ભારતીય સ્ત્રીઓના ઇતિહાસમાં અનોખી સિદ્ધિ છે !
આ રેખા મૂળ કેરળના ત્રિશૂર સ્થિત કૂરકેનચેરીની. પતિ કાર્તિકેયન માછીમારીનો વ્યવસાય કરતો રેખા પતિ સાથે સાથે ચેટ્ટુવામાં સમુદ્રકાંઠે રહેવા આવી. કાર્તિકેયન માછલી પકડતો. રેખા જાળનું સમારકામ કરી આપતી
દરમિયાન, ૨૦૦૪માં સુનામી નામની ભયંકર દરિયાઈ દુર્ઘટના થઈ. કાર્તિકેયનનો માછલી પકડવાનો વ્યવસાય સંપૂર્ણપણે ઠપ થઈ ગયો. આર્થિક અભાવથી ઝઝૂમતા કાર્તિકેયનને માથે દેવું પણ થઈ ગયેલું. રેખા કાર્તિકેયનને માછીમારીમાં મદદ કરવા તૈયાર થઈ ગઈ.
રેખાના આ નિર્ણયથી એના જીવનને જુદો જ વળાંક મળ્યો. રેખાને તો સમુદ્ર કિનારે જવા માત્રથી ઉબકા આવતા. ઊલ્ટીઓ થતી. દરિયાના ડરને કારણે પાણીથી એ દૂર રહેવાનું જ પસંદ કરતી. પણ પારિવારિક જરૂરિયાતને પગલે રેખાએ ડર પર જીત મેળવવાનું નક્કી કર્યું. એણે નૌકા પર સવાર થઈને દરિયામાં સફર ખેડી. પોતાની પહેલી સમુદ્રી યાત્રા અંગે રેખાએ કહેલું કે, ‘એ દિવસ મારા માટે કોઈ ડરામણા ખ્વાબ જેવો હતો. હું ત્રણ કલાક દરિયામાં રહી અને સંપૂર્ણ સમય ઊલ્ટી કરતી રહી. આખરે ઉધરસમાં લોહી પાડવા માંડ્યું. પણ પછી મને નાવમાં બેસવાનું ફાવી ગયું.’
રેખા કાર્તિકેયન સાથે માછીમારી માટે નીકળી પડતી.. સમુદ્રી સફર કરતી વખતે એણે માછીમારી સંબંધિત તમામ બારીકીઓ પર પણ ધ્યાન આપ્યું. એ જાણવા માંડી કે સમુદ્રનો કયો રસ્તો બરાબર છે અને કઈ મોસમમાં ફિશિંગ કરવું ઉચિત છે. પાકો અનુભવ મેળવ્યા પછી રેખાએ સરકારી માન્યતા પ્રાપ્ત માછીમાર મહિલા બનવા પરવાનો મેળવવા માટે અરજી કરી. એ સંદર્ભે રેખાએ કહેલું કે, ‘લાયસન્સધારી માછીમાર બનવા માટે સમુદ્ર સાથે સંબંધિત ઘણીબધી માહિતી હોવી જરૂરી બની જાય છે. ઉદાહરણ તરીકે હવામાનસંબંધી માહિતી અને દરિયાઈ રસ્તાઓની જાણકારી હોવી અગત્યનું બની જાય છે. સાથે જ માછલીની જુદી જુદી પ્રજાતિઓ અંગે જ્ઞાન હોવું જોઈએ. ખતરનાક પરિસ્થિતિઓમાં પણ સમુદ્રમાં નાવ ચલાવવાનો અનુભવ હોવો જોઈએ.’
રેખાએ પરવાનો પ્રાપ્ત કરવાનું સઘળું કૌશલ્ય કેળવેલું. જોકે રેખાની કુશળતા છતાં સીએમએફઆરઆઈ-કેન્દ્રીય સમુદ્રી મત્સ્ય અનુસંધાન સંસ્થાને રેખાને પરવાનો આપવાનો ઇનકાર કરતાં કહ્યું કે, ‘માછલી પકડવી એ મહિલાઓનો વ્યવસાય નથી.’ છતાં રેખા પરવાનો મેળવવા કરોળિયાની માફક પ્રયત્ન કરતી રહી. આખરે ૨૦૧૬માં રેખાને પરવાનો મળ્યો. સીએમએફઆરઆઈના નિદેશક ગોપાલકૃષ્ણને જણાવ્યું કે, ‘દરિયાની ખાડી અને નદીઓમાંથી માછલી પકડનારી ઘણી મહિલાઓ છે. અમે ઘણી શોધખોળ ચલાવી, પણ દરિયામાં જઈને માછીમારી કરતી મહિલા રેખા સિવાય આપણા સમુદ્ર તટે જોવા મળી નથી. એથી અમે રેખાની ઉપલબ્ધિ પારખીને એને પરવાનો આપ્યો.’
રેખાને પરવાનો તો મળ્યો, પણ પતિનું સ્વાસ્થ્ય કથળ્યું. કાર્તિકેયન માછલી ભરેલી જાળ ખેંચવા જતાં નૌકામાં જ પડ્યો. આમ પણ મોટી દીકરી માયાનાં લગ્ન પછી હૃદયની તકલીફથી એ પીડાતો.
ઓપન હાર્ટ સર્જરી કર્યા પછી કાર્તિકેયન અગાઉની માફક માછીમારી કરી શકે એની ઘટેલી સંભાવનાને કારણે રેખાએ સમુદ્ર કાંઠેથી છીપલાં વીણીને ગુજરાન ચલાવવાનું શરૂ કર્યું. જોકે છીપલાં વેચીને દિવસના ત્રણસોચારસો રૂપિયાની આવક માંડ થાય. બે છેડા મેળવવાનું મુશ્કેલ થઈ જાય. છતાં રેખા હિંમત ન હારી. રેખાને વિશ્વાસ છે કે વિપરીત સંજોગોમાં માછીમારોની રક્ષા કરતી સમુદ્રની દેવી કડલમ્મા પોતાના પરિવારનું પણ રક્ષણ કરશે !