ભારતની પ્રથમ મહિલા ગુનાશોધક : રજની પંડિત

પ્રથમ ભારતીય નારી

- ટીના દોશી Wednesday 18th September 2024 07:58 EDT
 
 

ગુનાશોધકો તરીકે અમર થઈ ગયેલા કરમચંદ કે વ્યોમકેશ બક્ષી તો માત્ર પુસ્તક કે ટેલિવિઝન શ્રેણીનાં પાત્રો છે, પરંતુ વાસ્તવિકતામાં ભારતની પ્રથમ મહિલા ગુનાશોધક કોણ છે એ જાણો છો ?
રજની પંડિતને મળો.... ભારતની પહેલી મહિલા ગુનાશોધક. વર્ષ ૧૯૯૧માં રજની ઇન્વેસ્ટિગેટિવ બ્યૂરોની શરૂઆત કરનાર રજનીએ ગુનાશોધન માટે અંધ મહિલા, મૂંગીબહેરી મહિલા, ફૂટપાથ પરની ફેરીવાળી, ઘરનોકરાણી અને માનસિક વિકલાંગ મહિલાની ભૂમિકા ભજવી છે. હાઈપ્રોફાઈલ રાજનેતાઓ, ઉદ્યોગપતિઓ અને બોલિવૂડ કલાકારોના મામલાની તપાસ પણ કરી છે. આ રીતે અનેક વધુ કેસ સોલ્વ કર્યા છે !
મહારાષ્ટ્રના થાણા જિલ્લાના પાલઘરમાં વર્ષ ૧૯૬૨માં રજની પંડિતનો જન્મ મધ્યમવર્ગીય પરિવારમાં થયેલો. પિતા શાંતારામ પંડિત સ્થાનિક પોલીસખાતામાં ગુનાખોરી તપાસ વિભાગમાં ઉપનિરીક્ષક તરીકે કાર્યરત હતા. પિતાને પગલે રજનીને બાળપણથી ગુનાખોરી પકડવા ઉત્સુક હતી. રજનીએ શાળાકીય શિક્ષણ સમાપ્ત કરીને મુંબઈની રૂપારેલ કોલેજમાંથી મરાઠી સાહિત્યનો અભ્યાસ કર્યો. ૧૯૮૩માં એણે પોતાની એક સહાધ્યાયીને શરાબ પીતાં, ધૂમ્રપાન કરતાં અને છોકરાઓ સાથે હોટેલના કમરામાં જતાં જોઈ. રજનીનએ એનો પીછો કર્યો. આ સંદર્ભે રજનીએ એક મુલાકાતમાં કહેલું કે, મેં તપાસ કરી તો ખબર પડી કે એ દેહવિક્રયના વ્યવસાયમાં ફસાઈ ગયેલી. મેં એનો પીછો કરીને તસવીરી પુરાવા એકત્ર કર્યા. પછી મેં એના માતાપિતાને ઘટનાથી વાકેફ કર્યાં. એ લોકો માનવા તૈયાર નહોતાં. આખરે મેં ફોટોગ્રાફિક સબૂત દેખાડ્યા, ત્યારે એ માન્યાં. એમણે મને જાસૂસ બનવાનું સૂચન કર્યું.’
રજની પંડિતને આમેય ગુનાશોધનમાં રસ હતો. એણે સૂચન વધાવી લીધું. દરમિયાન, એનેએક કાર્યાલય ક્લાર્ક તરીકે નોકરી મળી. કાર્યાલયની એક સહકર્મીને એવી શંકા હતી કે પોતાની પુત્રવધૂ ઘરમાંથી રૂપિયાની ચોરી કરે છે. એણે રજની સમક્ષ પોતાની શંકા વ્યક્ત કરીને મદદ માંગી. રજનીએ ધીરજથી એ મહિલાના પરિવારના બધા સદસ્યના દૈનિક કાર્યક્રમ પર નજર રાખી. થોડાક જ સમયમાં એણે ચોરને પકડી પાડ્યો. ચોરી કરનાર મહિલાની પુત્રવધૂ નહીં, પણ એનો નાનો દીકરો હતો. દીકરાએ ગુનો કબૂલી લીધો. પેલી મહિલાએ રજનીની સેવાના બદલામાં એને નાણાં આપ્યાં. ગુનાશોધક તરીકે રજનીને મળેલી પહેલી ફી !
રજનીએ ૧૯૯૧માં મુંબઈના માહિમ ખાતે રજની ઇન્વેસ્ટિગેટિવ બ્યૂરોની સ્થાપના કરી. બે વર્ષમાં રજની સમક્ષ પડકારજનક કેસ આવ્યો. એક પ્રતિષ્ઠિત પરિવારમાં થયેલા હત્યાકાંડ અંગેની તપાસ રજનીને સોંપવામાં આવી. વિગતો મુજબ એક મહિલાએ અંગત કારણોસર પોતાના પતિને ઝેર આપ્યું હોવાની શંકા હતી. અચાનક મહિલાને ખબર પડી કે એના દીકરાને પોતે પતિની હત્યા કરી હોવાની ખબર પડી ગઈ છે. એણે દીકરાની સુપારી આપી. દીકરો બુલેટપ્રૂફ ગાડી ચલાવી રહેલો ત્યારે હત્યારાએ પોતાની બાઈક એની સામે ખડી કરી દીધી. દીકરાએ ગાડીના કાચ નીચે ઉતાર્યા. હત્યારાએ એને ગોળી મારી દીધી. આ ડબલ મર્ડર કેસમાં હત્યારાને પકડવા માટેની તપાસ રજનીને સોંપવામાં આવી.
રજની કેસ સ્વીકારી લઈને કામે વળી. પેલી મહિલાના ઘરમાં ઘરનોકર તરીકે કામ કરવા લાગી. રજનીએ છ મહિના સુધી ઘરનોકર તરીકે કામ કર્યું. દરમિયાન એણે જોયું કે એક માણસ વારંવાર પેલી મહિલાને મળવા આવતો. એ હત્યારો જ હતો. પેલી મહિલાનો પ્રેમી. બન્નેની વચ્ચે ખૂબ દલીલો થતી. રજની પોતાની સાડીમાં છુપાવેલા ટેપ રેકોર્ડરથી એમની વાતચીત રેકોર્ડ કરતી. રેકોર્ડર અડધા કલાકનું રેકોર્ડિંગ કરીને પછી બંધ થઈ જતું. એક દિવસ પ્રેમીએ મહિલા પાસે નાણાં માંગ્યાં.. પેલી મહિલાથી બોલી જવાયું કે, ‘હવે તું વારંવાર નહીં આવતો. પોલીસની નજરમાં શંકાસ્પદ બની જવાશે. આપણે પકડાઈ જઈશું...’ રજનીના રેકોર્ડરે સંવાદ રેકોર્ડ કરી લીધો. પુરાવો લઈને સીધી પોલીસ પાસે પહોંચી. મહિલા અને એનો પ્રેમી, બન્ને પોલીસના પંજામાં સપડાઈ ગયાં.
રજનીની પ્રતિષ્ઠા વધી ગઈ. ૫૭ કરતાં વધુ પુરસ્કાર પ્રાપ્ત કરનાર રજનીની સફળતાનું મુખ્ય કારણ એ છે કે એ બધા ગ્રાહકોને વ્યક્તિગત રીતે મળે છે. રજની દાંપત્યસંબંધી મામલાઓની પૂરેપૂરી નિસબત સાથે તપાસ કરે છે. પણ એણે પોતે લગ્ન કર્યાં નથી. કહે છે, ‘મારે કારકિર્દી અને પરિવારમાંથી એકની પસંદગી કરવી પડે એવી સ્થિતિ ઊભી જ કરવી નહોતી.
હું મારા કામ પ્રત્યે અત્યંત સમર્પિત છું. વળી મને ક્યારેય લગ્ન કરવાની ઈચ્છા જ ન થઈ. કારણ કે મારો પહેલો અને છેલ્લો પ્રેમ ગુનાશોધન જ છે !


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter