નીરા નામનો એક અર્થ અમૃત થાય અને બીજો અર્થ શુદ્ધ જળ થાય. એ રીતે જોઈએ તો નીરા આર્ય ભારતની આઝાદીના સંઘર્ષમાં અમૃતજળ સાબિત થયેલી... આ નીરા આર્ય નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજની અને ભારતની પણ પહેલી મહિલા જાસૂસ હતી !
નીરા આર્ય મૂળ ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના ખેકડાની. જન્મતારીખ ૫ માર્ચ ૧૯૦૨. કહેવાય છે કે સાત વર્ષની ઉંમરે નીરાનાં માતાપિતાનું મૃત્યુ થતાં એ અને એનો ભાઈ બસંત અનાથ બની ગયેલા. એટલે શેઠ છજ્જૂમલે બન્ને ભાઈબહેનને દત્તક લીધેલાં. શેઠ છજ્જૂમલ પ્રતિષ્ઠિત વ્યાપારી હતા. શેઠ છજ્જૂમલ પાલક પિતા હતા, પણ હતા તો પિતા જ. ભણીગણીને ઉંમરલાયક થયેલી નીરાનાં એમણે લગ્ન લીધાં. એ સમયે દેશ પર અંગ્રેજોનું રાજ હતું. એટલે શેઠ છજ્જૂમલે અંગ્રેજના વફાદાર એવા બ્રિટિશ ભારતના સીઆઈડી ઇન્સ્પેક્ટર શ્રીકાંત જયરંજન દાસ સાથે નીરાને પરણાવી. શ્રીકાંત જયરંજનને એમ હતું કે લગ્ન પછી નીરા આઝાદીના ખ્યાલને મગજમાંથી ખંખેરી કાઢશે. પણ નીરા જેનું નામ. નીરાએ લગ્ન પછી પતિની મરજી વિરુદ્ધ સ્વતંત્રતાના સોહામણા સ્વપ્નને ખરલમાં ચંદન પીસે એમ ઘૂંટયે રાખ્યું. ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સહભાગી થવા લાગી. દરમિયાન, નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજના સંપર્કમાં આવી અને રાણી ઝાંસી રેજીમેન્ટનો હિસ્સો બની ગઈ. નીરા આઝાદ હિંદ ફોજની પહેલી મહિલા જાસૂસ બની ગઈ.
નીરા જાસૂસી કરતી રહી. અંગ્રેજ સરકારે શ્રીકાંતને સુભાષચંદ્રની જાસૂસી કરવાનું અને મોકો મળ્યે એમનું કાસળ કાઢી નાખવાનું કામ સોંપ્યું. પણ શ્રીકાંતને પોતાના મિશનમાં કામિયાબી ન મળી. એથી એણે વ્યૂહ બદલ્યો.. એક વાર નીરા નેતાજી બોઝને મળવા જઈ રહેલી ત્યારે એનો પીછો પકડ્યો. નેતાજી દેખાયા કે તરત જ શ્રીકાંતે એમના પર ગોળી ચલાવી. ગોળી નેતાજીના ડ્રાઈવરને વાગી. નીરાને ખબર પડી કે એનો પતિ નેતાજીના પ્રાણની પાછળ પડ્યો છે. પોતે જ પતિનો કાળ બની. શ્રીકાંતના પેટમાં છરો ઘોંપીને એનો જીવ લઈ લીધો. નેતાજીએ એને નીરા નાગિની નામથી સંબોધી. અંગ્રેજોનો કાળ બનેલી નીરા નાગિનીને પતિ શ્રીકાંતની હત્યા કરવા બદલ કાળા પાણીની સજા થઈ. નીરા બંદી બની. નીરાએ જણાવેલું કે, ‘મારી ધરપકડ કર્યા પછી લોઢાના બંધનમાં જકડીને પહેલાં મને કોલકાતા જેલમાં રાખવામાં આવી..... જેલરની સાથે એક લુહાર પણ આવ્યો. હાથની સાંકળ કાપવાની સાથે થોડી ત્વચા પણ કાપી. મેં ચિત્કાર કરીને કહ્યું કે, તું પગમાં મારે છે તે દેખાતું નથી કે શું ? ત્યારે લુહારે કહ્યું કે, પગમાં તો શું, દિલમાં પણ મારીશ.’ મેં કહ્યું,. શું કરી લેવાની હતી ? કહીને લુહાર પર હું થૂંકી.’ એ જોઈને જેલરે ગુસ્સે ભરાઈને કહ્યું, ‘જો તું જણાવી દે કે તારા નેતાજી સુભાષ ક્યાં છે તો તને છોડી મૂકવામાં આવશે.’ નીરા બોલી, ‘નેતાજી મારા દિલમાં જીવે છે એ.’ જેલરને ગુસ્સો આવી ગયો. એણે નીરાની છાતી પર હાથ નાખ્યો. એનું ઉપલું વસ્ત્ર ફાડી નાખ્યું અને લુહાર તરફ પિશાચી સંકેત કર્યો. લુહારે બોથડ ઓજાર નીરાની છાતી પર મૂક્યું. જમણું વક્ષ સાણસામાં લીધું. પણ ઓજાર બુઠું હોવાથી વક્ષ કપાયું નહીં. લુહારે વક્ષમાં ઓજાર દબાવીને યાતના આપી. નીરા પીડા જીરવી ગઈ. નીરાએ અસહ્ય યાતના વેઠવી પડી, પણ દેશ ખાતર એણે બધું સહન કર્યું. ભારતને સ્વતંત્રતા મળી ત્યારે નીરાને કેદમાંથી મુક્તિ મળી. નીરા હૈદરાબાદમાં સ્થાયી થઈ.
ફલકનુમા ખાતે એક ઝૂંપડીમાં રહેતી નીરા આર્ય ફૂલ અને ફૂલનો ગુલદસ્તો વેચીને પોતાનું ગુજરાન ચલાવતી. નીરાએ સરકારી સહાય લેવાનો ધરાર ઇનકાર કરી દીધેલો. વૃદ્ધાવસ્થામાં બીમારીને કારણે ચારમિનાર પાસેની ઉસ્માનિયા હોસ્પિટલમાં ૨૬ જુલાઈ ૧૯૯૮ના નીરાએ અંતિમ શ્વાસ લીધા.
નીરાના જન્મસ્થળ ખેકડામાં એક સ્મારકનું નિર્માણ થયું છે. આ સ્મારક પરના લખાણનો અર્થ એવો જ થતો હશે કે, અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં... !