ભારતની પ્રથમ મહિલા ટ્રેન ડ્રાઈવર : સુરેખા યાદવ

પ્રથમ ભારતીય નારી

- ટીના દોશી Wednesday 14th August 2024 05:33 EDT
 
 

પાયલટનો અર્થ વિમાનચાલક કે હવાઈ જહાજ ઉડાડનાર થાય એ તો સહુને ખબર છે, પણ લોકો પાયલટ શબ્દનો અર્થ જાણો છો ?
લોકો પાયલટ એટલે ટ્રેન ચાલક કે ટ્રેન ડ્રાઈવર. આ શબ્દ હજુ હમણાં થોડો પ્રચલિત થયો છે. એના મૂળમાં સુરેખા યાદવ છે. ભારતની પ્રથમ ટ્રેન ડ્રાઈવર. સુરેખા યાદવે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સુચારુરૂપે ચલાવી ત્યારે એ ટ્રેન ડ્રાઈવરમાંથી ‘લોકો પાયલટ’ તરીકે સ્થાપિત થઈ ગઈ. સુરેખા યાદવ ભારતની જ નહીં, પરંતુ સમગ્ર એશિયા ખંડમાં પ્રથમ ‘લોકો પાયલટ’ બની છે. જોકે લોકો પાયલટ કહો કે ટ્રેન ડ્રાઈવર, બન્નેનો અર્થ તો એક જ છે : ટ્રેન ચાલક, ટ્રેન ચલાવનાર !
આકાશમાં વિમાન ઉડાડવાનું જેટલું અઘરું છે, એટલું જ અઘરું પાટા ઉપર ટ્રેન દોડાવવાનું છે. એટલે જ પ્રથમ મહિલા ટ્રેન ડ્રાઈવરથી એશિયાની પ્રથમ લોકો પાયલટ સુધીની સફર દરમિયાન સુરેખાને અનેક પુરસ્કારોથી નવાજવામાં આવી છે. ૧૯૯૮માં જિજાઉ પુરસ્કાર, ૨૦૦૧માં મહિલા પ્રાપ્તિ પુરસ્કાર, એ જ વર્ષમાં રાષ્ટ્રીય મહિલા આયોગનો પુરસ્કાર અને કેન્દ્રીય રેલવેનો મહિલા પ્રાપ્તકર્તા પુરસ્કાર તથા ૨૦૧૩માં સર્વશ્રેષ્ઠ મહિલા પુરસ્કાર...
સુરેખાએ વંદે ભારત એક્સપ્રેસનું સફળ સંચાલન કર્યું ત્યારે એની સિદ્ધિમાં એક વધુ કલગીનું ઉમેરણ થયું. મહારાષ્ટ્રના સાતારા જિલ્લાના સોલાપુરથી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ-સીએસએમટી સુધી સુરેખાએ ૧૩ માર્ચ ૨૦૨૩ના રોજ ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેન ચલાવેલી. આ ટ્રેન સમયસર સોલાપુરથી નીકળી હતી અને સમયના પાંચ મિનિટ પહેલાં સીએસએમટી પહોંચી હતી. રસપ્રદ વાત એ છે કે વર્ષ ૨૦૨૧માં મહિલા દિવસ પર સુરેખા યાદવે વંદે ભારત એક્સપ્રેસ ચલાવવાની ઈચ્છા વ્યક્ત કરેલી. ઈશ્વરે એ પળે તથાસ્તુ કહ્યું હશે. એથી બે વર્ષ બાદ તેની એ ઈચ્છા પૂરી થઈ.
સુરેખા યાદવ મહારાષ્ટ્રના સાતારાની નિવાસી. ૨ સપ્ટેમ્બર ૧૯૬૫ના ભોંસલે પરિવારના સોનાબાઈ અને રામચંદ્રને ઘેર જન્મ થયો. રામચંદ્રનો વ્યવસાય ખેતીનો. ખેડૂત હતા, પણ બાળકોને ભણાવવાના આગ્રહી. સુરેખાએ સાતારાની સેન્ટ પોલ કોન્વેન્ટ શાળામાંથી પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું. ત્યાર પછી કરાડની સરકારી પોલિટેકનિકમાંથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા મેળવ્યો.
સુરેખા શિક્ષિકા બનવા ઉત્સુક હતી. એથી ગણિતના વિષય સાથે બી.એસસી. અને બી.એડ.ની ડિગ્રી મેળવવા માંગતી હતી. પણ એના નસીબમાં કાંઈક જુદું જ નિર્માયેલું.
 બન્યું એવું કે એક દિવસ સુરેખાએ ટ્રેનને પસાર થતી જોઈ. ડ્રાઈવર ટ્રેનનું સંચાલન કરી રહેલો. ટ્રેન તો પહેલાં પણ જોયેલી, પણ તે દિવસે ટ્રેનના સંચાલનનું દ્રશ્ય સુરેખાના માનસ પર કોતરાઈ ગયું. એ જ ક્ષણે એણે શિક્ષિકા થવાની ઈચ્છાને તિલાંજલિ આપી અને ટ્રેન ચલાવવાનું નક્કી કર્યું. સુરેખાએ ટ્રેન ચલાવવા શું કરવું પડે એની તપાસ કરી.
જાણવા મળ્યું કે એ માટે પરીક્ષા આપવી પડે છે. સુરેખાએ ટ્રેન ડ્રાઈવર બનવા માટે સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની તૈયારી કરી. સુરેખા પરીક્ષા આપવા ગઈ ત્યારે આખા પરીક્ષાખંડમાં એ એકમાત્ર છોકરી હતી.૧૯૮૬માં રેલવે વિભાગની પરીક્ષામાં સુરેખા ઉત્તીર્ણ થઈ ગઈ. ઇન્ટરવ્યૂમાં પણ પાસ થઈ. ત્યાર બાદ સુરેખાને કલ્યાણ ટ્રેનિંગ સ્કૂલમાં છ મહિનાની તાલીમ આપવામાં આવી.
તમામ કોઠા સફળતાથી વીંધ્યા પછી સુરેખા ભારતની પ્રથમ મહિલા ટ્રેન ડ્રાઈવર બની. એણે ભારતીય રેલવેમાં પ્રથમ આસિસ્ટન્ટ ડ્રાઇવર તરીકે ફરજ બજાવેલી. ત્યાર બાદ વર્ષ ૧૯૯૬માં તેને માલગાડી ટ્રેનો ચલાવવાનું કામ સોંપવામાં આવ્યું. વર્ષ ૨૦૦૦માં મોટરવુમન તરીકે તેમની નિમણૂંક થઇ. આ જ વર્ષે મહારાષ્ટ્ર પોલીસ ખાતામાં કામ કરતા શંકર યાદવ સાથે લગ્ન થયાં. લગ્નને પગલે અજિંકય અને અજિતેશ નામના બે બાળકોની માતા બની. પરિવાર વિસ્તરવાની સાથે સુરેખા યાદવની કારકિર્દી પણ આગળ વધી. યાદવે વર્ષ ૨૦૧૦માં ઘાટવાળા માર્ગ પર ટ્રેન ચલાવવાની તાલીમ લીધા બાદ તેને ડેક્કન ક્વીન એક્સપ્રેસના સારથિ બનવાની તક મળી હતી.
સુરેખા યાદવ મધ્ય રેલવેની સૌથી કુશળ ટ્રેન ડ્રાઈવર છે, પરંતુ અજબ જેવી વાત એ છે કે એણે ક્યારેય ચાર ચક્રી મોટરગાડી કે દ્વિચક્રી સ્કૂટર જેવા વાહનો ચલાવ્યાં નથી કારણ કે એવી જરૂર જ પડી નથી !


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter