દાસ્તાનગોઈ એટલે મૌખિક ઉર્દૂ કહાણી કહેવાની તેરમી સદીની કળા. ફારસી શબ્દ દાસ્તાન અને ગોઈ મળીને બનેલા દાસ્તાનગોઈમાં દાસ્તાનનો અર્થ કહાણી અને ગોઈનો અર્થ સંભળાવવું કે કહેવું એવો થાય છે. એ રીતે દાસ્તાનગોઈનો અર્થ કહાણી કહેવી કે કહાણી સંભળાવવી એવો થાય છે. મધ્ય એશિયાના દેશોમાં અને ઈરાનમાં તેરમી સદીમાં દાસ્તાનગોઈ મનોરંજનનું લોકપ્રિય માધ્યમ હતું. સોળમી શતાબ્દીમાં દક્ષિણ ભારતના રાજાઓએ દાસ્તાનગોઈની કળાને સંરક્ષણ આપેલું. આ રીતે કહાણી કહેનારને કે કહાણી સંભળાવનારને દાસ્તાનગો કહે છે.મુઘલ કાળ દરમિયાન અકબર બાદશાહ પોતાના દરબારમાં દાસ્તાનગોઈની કળાને લોકપ્રિય બનાવવા માટે અને દાસ્તાનગોની નિયુક્તિ કરવા માટે જાણીતા થયેલા. ઓગણીસમી સદીમાં, ૧૮૫૭ના પહેલા સ્વતંત્રતા સંગ્રામના અરસામાં લખનઉની શેરીઓમાં દાસ્તાનગોઈની કળાનું ઉષ્માભર્યું સ્વાગત થયેલું. જોકે ત્યાર પછી મૌખિક કહાણી કહેવાની આ પરંપરા લુપ્ત થતી ગઈ. ૧૯૨૮માં અંતિમ દાસ્તાનગો મીર બકર અલીના નિધન પછી દાસ્તાનગોઈનો પણ મૃત્યુઘંટ વાગ્યો....
એકવીસમી સદીના આરંભે, ૨૦૦૫માં લેખન મહમૂદ ફારુકીએ કવિ શમ્સુર રહેમાન ફારુકી સાથે દાસ્તાનગોઈની પરંપરાને પુન:જીવિત કરવાનો પ્રયાસ કર્યો. ત્યારથી કહાણીઓના માધ્યમથી રચાયેલી અજાયબકથાઓ, પૌરાણિક કથાઓ અને મહાકાવ્યો અને અન્ય અદભુત કથાઓ કહેતી આ મંત્રમુગ્ધ કરનારી પરંપરા પોતાની ખોવાયેલી ઓળખ પાછી મેળવવામાં કામિયાબ થઈ. સામાન્યપણે દાસ્તાનગોઈ કરતા દાસ્તાનગો પુરુષો જ હોય છે. પણ પુરુષ પ્રધાન દાસ્તાનગોઈના ક્ષેત્રમાં ૨૦૦૬માં એક નારીએ પગરણ કર્યાં અને ધૂમ મચાવી દીધી.... નામ સાંભળ્યું છે આ મહિલા દાસ્તાનગોનું ?
ફૌઝિયાને મળો... ભારતની પહેલી દાસ્તાનગો. કહાણી કહેનાર... ફૌઝિયા સફેદ ગાદીતકિયા પર લગભગ એવા જ રંગના સલવાર કમીજમાં સજ્જ થઈને ફૌઝિયા સામાન્ય વજ્રાસનની અવસ્થામાં બેઠક લઈને ઉર્દૂ ભાષામાં વિશિષ્ટ શૈલીમાં કહાણી સંભળાવે છે ત્યારે દર્શકો ડોલી ઊઠે છે. ફૌઝિયાની દાસ્તાનગોઈમાં રોમાંચ હોય છે, જાદુ હોય છે અને યુદ્ધનાં રોચક વર્ણનો પણ હોય છે. દાસ્તાનગોઈમાં સાધન સરંજામના ભપકાની જરૂર હોતી નથી. ફૌઝિયાનો ઘૂંટાયેલો અવાજ અને કહાણી જ એના હથિયાર છે. ન કોઈ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ, ન સંગીતનો સહારો. થોડું હાસ્ય, થોડું સ્મિત, એકાદ આહ, એક ગડગડાટ... ફૌઝિયાએ બસ્સો જેટલી દાસ્તાનગોઈ કરી છે. ફૌઝિયા ઉર્દૂ ભાષામાં કહાણીઓ સંભળાવે છે. સાથે જ રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યોની સૃષ્ટિની સહેલગાહ પણ ફૌઝિયા કરાવે છે.
આ ફૌઝિયા દિલ્હીના અસોલાની રહેવાસી. પુરાણી દિલ્હીના એક નિમ્ન મધ્યમવર્ગીય પરિવારમાં એનો જન્મ થયો. માતાને મુખેથી ઉર્દૂ ક્લાસિક્સ સાંભળીને અને પરીકથાઓ વાંચીને એની દિલચસ્પી કહાણીઓમાં વધતી ગઈ. એથી જયારે કોઈ નાનકડી રકમ ભેગી થાય ત્યારે એ વાર્તાઓના પુસ્તકો ખરીદવાનું પસંદ કરતી. દરમિયાન, એની જિંદગીને વળાંક મળ્યો. વર્ષ ૨૦૦૬માં ઉર્દૂ કળા સાથે ફૌઝિયાનો પરિચય થયો. બન્યું એવું કે ફૌઝિયાએ મિત્ર પ્રભાતને કહ્યું કે પોતે પરફોર્મિંગ આર્ટસ સાથે જોડાયેલું કાંઈક નવું અને રોમાંચક કરવા માંગે છે. પ્રભાતે તરત જ ચપટી વગાડીને પૂછ્યછયુંઃ ‘શું તેં ક્યારેય દાસ્તાનગોઈ જોઈ છે ?’ પ્રભાતે આમ કહીને ભારતમાં દાસ્તાનગોઈની પરંપરા પુન:જીવિત કરી રહેલા આધુનિક દાસ્તાનગો મહમૂદ ફારુકી અને દાનિશ હુસૈન અંગે જણાવ્યું. ફૌઝિયાને પોતાની મંઝિલ મળી ગઈ. દાસ્તાનગોઈ સાથે પરિચય થતાં જ એ પહેલી નજરે એના પ્રેમમાં પડી ગઈ. સંપૂર્ણપણે પુરુષ પ્રધાન વ્યવસાયમાં એણે પદાર્પણ કર્યું.
મહારથી ગણાતા દાસ્તાનગો મહમૂદ ફારુકી અને દાનિશ હુસૈન પાસેથી ફૌઝિયાએ દાસ્તાનગોઈની તાલીમ લીધી.
૨૦૦૬માં ફૌઝિયાએ દાનિશ હુસૈન સાથે દાસ્તાનગોઈની પહેલી પ્રસ્તુતિ કરી. ફૌઝિયાએ કહેલું કે, મોસમી દાસ્તાનગો બનવાનો કોઈ અર્થ નથી. જયારે આ ક્ષેત્રમાં પગ મૂકો છો ત્યારે જીવનભર માટે દાસ્તાનગો બની જાવ છો.’ ફૌઝિયા પણ આજીવન દાસ્તાનગો બની ગઈ છે. એ માત્ર દાસ્તાનગોઈ કરવા માંગે છે. એવી દાસ્તાનગોઈ જેમાં ન સાજ છે, ન સંગીત છે. છે તો માત્ર સ્વરના આરોહ ને અવરોહ, થોડું હાસ્ય ને થોડું સ્મિત !