ભારતની પ્રથમ મહિલા બસ ડ્રાઈવર : વસંતકુમારી

પ્રથમ ભારતીય નારી

- ટીના દોશી Wednesday 28th August 2024 09:30 EDT
 
 

નામ વસંત હોય એટલે જીવનમાં પણ વસંત હોય તો એવું જરૂરી નથી. વસંતના જીવનમાં પાનખર જ પાનખર હોય એવું પણ બને....પણ વસંત હોય કે પાનખર, કોઈ પણ ઋતુ કાયમ રહેતી નથી. વસંત પછી પાનખર આવે છે અને પાનખર પછી વસંત !
વસંતના જીવનમાં પણ પાનખર પછી વસંત બેઠી. જુવાનીમાં એને પાનખર બેઠેલી. પોતાના નામને સાર્થક કરવા વસંતે કમર કસી. પાનખરને વિદાય આપી અને વસંતની પધરામણી કરાવીને જ જંપી. આ વસંત એટલે વસંતકુમારી. ભારતની જ નહીં, એશિયાની પણ પ્રથમ મહિલા બસ ડ્રાઈવર ! ચોવીસેક વર્ષ સુધી લગાતાર બસ ચલાવીને ૨૦૧૭માં નિવૃત્ત થયેલી વસંતકુમારી દુનિયાભરની સ્ત્રીઓ માટે ઉદાહરણરૂપ છે !
મિસાલરૂપ બની ગયેલી વસંતકુમારીનો જન્મ ૧૭ એપ્રિલ ૧૯૫૯ના કેરળ સ્થિત કન્યાકુમારીમાં નાગરકોઈલમાં થયેલો. એની માતા એના બાળપણમાં જ પ્રભુને પ્યારી થઈ ગઈ. પિતાએ બીજાં લગ્ન કરી લીધાં. વસંતકુમારીની ઓગણીસ વર્ષની વયે એને ચાર બાળકોના વિધુર પિતા સાથે પરણાવી દેવામાં આવી. કાળક્રમે વસંતકુમારી પણ બે બાળકોની માતા બની. ઘરમાં પહેલાં જ છ વ્યક્તિ સાંકડેમાંકડે રહેતાં. એમાં બેનો વધારો થતાં આઠનો પરિવાર થયો. વિષમ આર્થિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે વસંતકુમારીએ નોકરી કરવાનું વિચાર્યું. એણે કન્યાકુમારીના રીઠાપુરમ ચર્ચમાં મહાલિર મંદ્રમ નામની સંસ્થામાં સચિવ તરીકે થોડો સમય કામ કર્યું. દરમિયાન, સંસ્થાની એક બેઠકમાં નોકરીઓમાં મહિલાઓ માટે ત્રીસ ટકા આરક્ષણ અંગે ચર્ચા થઈ. બેઠકમાં ઉપસ્થિત કેટલાંકે વસંતકુમારીને બસ ડ્રાઈવર તરીકે અરજી કરવાનું સૂચન કર્યું.
વસંતકુમારીએ આ સૂચનને વધાવી લીધું. એ ૧૪ વર્ષની ઉંમરે વાહન ચલાવતાં શીખી ગયેલી. એણે ભારે વાહન ચલાવવાનું પ્રશિક્ષણ લીધું અને એનું લાયસન્સ મેળવી લીધું. નોકરી માટે અરજી કરવાની લાયકાત મેળવી લીધી. વસંતકુમારીએ ડ્રાઈવર તરીકે નોકરી મેળવવા અરજી કરી. એ વખતે અધિકારીઓએ વસંતકુમારીને કહ્યું કે, ‘દુનિયામાં કોઈ મહિલા બસ ડ્રાઈવર નથી. શું તમે એવા વ્યવસાયમાં કામ કરવા તૈયાર છો જેમાં પુરુષોએ પણ સંઘર્ષ કરવો પડે છે ? વળી તમે આ પુરુષપ્રધાન ક્ષેત્રમાં પુરુષો સાથે કઈ રીતે કામ પાર પાડશો ?’ પોતે તમામ સંજોગો અને તમામ પરિસ્થિતિને પહોંચી વળશે એવી ખાતરી વસંતકુમારીએ આપી. છતાં અધિકારીઓએ એને નોકરી ન આપી. પણ વસંતકુમારીએ સંકલ્પ કરેલો કે પોતે પોતાના જીવનમાં વસંતનું વાવેતર કરીને જ રહેશે.
એ વખતે તમિળનાડુનાં મુખ્ય મંત્રી જયલલિતા હતાં. વસંતકુમારીએ પોતાની મુશ્કેલીના નિવારણ માટે જયલલિતાને મળવાનું વિચાર્યું. એક સ્ત્રી સ્ત્રીની સમસ્યા જરૂર સમજી શકશે અને એનું નિરાકરણ પણ કરી શકશે એવી વસંતકુમારીને શ્રદ્ધા હતી. આખરે વસંતકુમારી જયલલિતાને મળવામાં સફળ થઈ. એણે જયલલિતાને આખી વાત સંક્ષિપ્તમાં સંભળાવીને કહ્યું કે, પોતે બસચાલક બનવા માંગે છે. જયલલિતા તો આ સાંભળીને ખુશ થઈ ગયાં. એક મહિલા બસ ડ્રાઈવર બનવા માંગે છે એ બાબત જ એમના ઉત્સાહને વધારવા માટે પૂરતી હતી. જયલલિતાએ તત્કાળ પરિવહન મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કર્યું અને વસંતકુમારીની ફાઈલ મંગાવી.
તેજીને ટકોરો. અધિકારીઓ માટે આ ઈશારો પૂરતો હતો. અધિકારીઓએ વસંતકુમારીને ડ્રાઈવિંગ પરીક્ષણ માટે બોલાવી. એક પરીક્ષણ દરમિયાન અધિકારીઓએ વસંતકુમારીની આકરી કસોટી થાય એ રીતે બસ ચલાવવા કહ્યું. અધિકારીઓના આશ્ચર્ય વચ્ચે વસંતકુમારી તમામ પરીક્ષાણોમાંથી પાર ઊતરી. હવે વસંતકુમારીને નોકરી ન આપવાનું કોઈ કારણ નહોતું. તમિળનાડુ પરિવહન મંત્રાલયમાં ૩૦ માર્ચ ૧૯૯૩ના રોજ વસંતકુમારી વિધિસર બસ ચાલક તરીકે જોડાઈ. નાગરકોઈલ તિરુવનંતપુરમ માર્ગ પર વસંતકુમારી બસ દોડાવવા લાગી. વસંતકુમારીએ કહેલું કે, ‘એક મહિલા તરીકે મને નોકરીમાં કોઈ છૂટછાટ મળી નહોતી. હું એ જ માર્ગો પર ગાડી હંકારું છું, જેના પર પુરુષો બસ ચલાવે છે.’ ચેન્નાઈમાં રેનડ્રોપ્સ વુમન અચીવર એવોર્ડ સ્વીકારતી વખતે વસંતકુમારીએ કહેલું કે, ‘મને બધા પૂછતાં હોય છે કે એક મહિલા ડ્રાઈવર તરીકે મારે કેવા પડકારોનો સામનો કરવો પડેલો. એના જવાબમાં હું કહું છું કે દરેક બાબત મુશ્કેલ જણાતી હોય છે પણ તમે માર્ગ કેવી રીતે કાઢો છો એ મહત્વનું હોય છે !’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter