ભારતની સલેહા અમેરિકી સૈન્યમાં ચેપલીન

Saturday 27th February 2021 00:53 EST
 
 

વોશિંગ્ટન: ભારતીય પ્રતિભા સલેહા જબીન નામની યુવતીએ અમેરિકન સૈન્યમાં અસામાન્ય સિદ્ધિ હાંસલ કરી છે. જબીનનો જન્મ, ઉછેર અને શિક્ષણ ભારતમાં થયાં હતાં. તેને અમેરિકન સેનામાં ચેપલેન એટલે કે ધાર્મિક મામલાના સલાહકાર તરીકેની જવાબદારી સોંપાઈ છે. આ જવાબદારી નિભાવનારી તે પહેલી ભારતીય મુસ્લિમ મહિલા છે. તે અમેરિકાના સંરક્ષણ મંત્રાલયમાં ચેપલેન તરીકે જોડાયેલી પહેલી મુસ્લિમ મહિલા પણ છે.
સલેહા એરફોર્સ ચેપલિન કોર્સમાં સ્નાતક છે. તેને ગયા વર્ષે ડિસેમ્બરમાં શિકાગોમાં કેથલિક થિયોલોજિકલ યુનિયનમાં સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે નિયુક્ત કરાઈ હતી. અમેરિકાની સેના તરફથી તાજેતરમાં જારી કરાયેલા નિવેદન પ્રમાણે તેની ગ્રેજ્યુએશન સેરેમની પાંચમી ફેબ્રુઆરીએ યોજાઈ હતી. આ પ્રસંગે તેણે કહ્યું કે, આ હોદ્દે મારી નિયુક્તિ થઈ તેનો મને ગર્વ છે. હવે હું કહી શકું છું કે, સેના કોઈ પણ માટે સેવાનું ક્ષેત્ર હોઈ શકે છે. મને મારી ધાર્મિક આસ્થા સાથે ક્યારેય કોઈ સમાધાન કરવું પડ્યું નથી.

મહિલા ધર્મગુરુ અને પ્રવાસી

મારી આસપાસ એવા લોકો છે જે મારું સન્માન કરે છે. એક મહિલા ધર્મગુરુ અને પ્રવાસી તરીકે મારી સાથે કામ કરવાની વાતને લઈને તેઓ ઉત્સાહિત છે. મને વ્યક્તિત્વ વિકાસની પણ અનેક તક અપાઈ છે એટલે મને ધાર્મિક મામલામાં સલાહ આપવાની જવાબદારી મળી શકી છે.

વિવિધતાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ

સલેહા જબીન ઉચ્ચ અભ્યાસ માટે ૧૪ વર્ષ પહેલાં અમેરિકા ગઈ હતી. એરફોર્સ કોર્પ્સ કોલેજ સ્ટાફ ચેપલેન કેપ્ટન જોન રિચર્ડસને કહ્યું કે, વાયુસેના ચેપલેન કોર વિવિધતાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરે છે. અમારો હેતુ સ્નાતક સ્તરે ફ્રન્ટલાઈન ચેપલેન તૈયાર કરવાનો છે. તેમને એ રીતે તાલીમ આપવાની છે કે તેઓ પોતાના યુનિટમાં અધ્યાત્મિક સેવા આપી શકે. તેમનું એક જ લક્ષ્ય છે. એક એક એરમેનનું ધ્યાન રાખવાનું. જ્યારે ચેપલેન પ્રોફેશનલ રીતે એરમેનની દેખભાળ કરે છે ત્યારે જવાનોની બીજી ફરિયાદો પાછળ છૂટી જાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter