બેંગ્લુરુઃ જર્મનીની ૩૨ વર્ષીય લોરા ક્લોટ વ્યવસાયે થિયેટર આર્ટિસ્ટ છે. લોકોને મળવું અને તેમની પરંપરાઓ, વારસો, રીત-રિવાજ જાણવા અને સમજવા તેને ગમે છે. થોડા મહિના પહેલાં તે બેંગ્લુરુ આવી હતી. અહીં અંદાજે એક અઠવાડિયું રહી, પણ ટૂંકા ગાળામાં લોકોને બહુ મળી શકી નહીં, શહેરને પણ સમજી શકી નહીં. લોરા ભારતથી પાછી જર્મની ગઈ તો તેને જર્મનીમાં સારું લાગ્યું નહીં. ભારતમાં જાણે કંઈક છોડીને ગઈ હોય તેવું તેને હંમેશાં લાગતું હતું. તેણે ભારત પાછા આવવાનો નિર્ણય લીધો. હવે લોરા સાત અઠવાડિયા માટે ભારત આવી. લોકોને મળવાની તેણે અનોખી રીત શોધી કાઢી છે. તે રોજ બેંગ્લુરુના મહોલ્લામાં સાઈકલ પર પાંચ રૂપિયામાં જર્મનીની પ્રખ્યાત ‘આલુ ચાટ’ લોકોને ખવડાવી રહી છે. બેંગ્લુરુમાં જર્મન કલાકારો માટે એક ઈન્સ્ટિટ્યૂટ દ્વારા રેસીડન્સી કાર્યક્રમ યોજાયો હતો. લોરા એમાં ભાગ લેવા પહેલી વખત ભારત આવી હતી. આ વખતે પણ લોરા તેના થિયેટરના મિત્રો સાથે ભારત આવી છે. તે ઉલસૂર બજારમાં ચર્ચ સ્ટ્રીટ પર રહે છે. લોરા કહે છે કે, ભારતમાં લોકો સ્ટ્રીટ ફૂડના રસિયા છે. તેથી મારા મગજમાં લોકોને જર્મનીની પ્રખ્યાત આલુ ચાટ ખવડાવવાનો આઈડિયા આવ્યો. બદલામાં અહીં લોકો મને ઘણું બધું આપી રહ્યા છે. બજારમાં જઉં છું તો મહિલાઓ આલુ ચાટના બદલે મને શાકભાજી અને ફૂલ આપી જાય છે. મને તે ગમે છે. તે ઘણું રસપ્રદ છે.
કેટલાક લોકો સ્થાનિક વાતો સંભળાવે છે. મારા એક મિત્ર મને અહીંની સ્થાનિક ભાષા સમજવામાં મદદ કરે છે. તે જુએ કે હું કોઈને સમજાવી શકતી નથી તો તે તરત જ મદદે આવે છે અને સામેવાળી વ્યક્તિ શું કહેવા માગે છે તે સમજાવે છે. જોકે તે હંમેશાં મારી સાથે રહી શકતા નથી એટલે હું લોકોને તેમનાં હાવ-ભાવથી સમજવાનો પ્રયત્ન કરું છું. સામે મારે તેમને જે કહેવું હોય એના માટે પણ એ જ રસ્તો અપનાવું છું. આમ પણ મારા માટે ભાષાથી વધુ લોકોને મળવાનું, તેમને ઓળખવાનું અને શહેરને સમજવાનું મહત્ત્વપૂર્ણ છે. હું ચાટ વેચવાની સાથે લોકો સાથે થોડો સમય પસાર કરવાનું વધુ પસંદ કરું છું. અહીંના લોકો મિલનસાર છે, તે ખૂબ હેતથી મારું સ્વાગત કરે છે. શહેર ઘણું સ્વચ્છ અને સુંદર છે. હું હજી વધુ બે સપ્તાહ અહીં છું. હું કેટલાક દિવસ માટે રેસ્ટોરાં પણ ચલાવવા માગું છું.