છેલ્લા થોડાક વર્ષોથી સ્માર્ટ ફોન અને ડિજિટલ કનેક્ટિવિટી ક્ષેત્રે વિવિધ પ્રયોગો થયા પછી ઈન્ટરનેટનો ઉપયોગ ઘણો વધી ગયો છે. છેલ્લા એક દસકામાં દુનિયા ટુGમાંથી 4G સુધીની ઈન્ટરનેટ કનેક્ટિવિટી થઈ. જોકે આ બધા વચ્ચે ભારતમાં ઈન્ટરનેટના વપરાશ મુદ્દે સ્ત્રી - પુરુષ વચ્ચે ભારે અસમાનતા હોવાનું જાણવા મળ્યું છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)ના અહેવાલોના જણાવ્યા પ્રમાણે, ફાઈવG આવ્યા બાદથી કનેક્ટિવિટીમાં શક્યતઃ આ અસામનતા ઘટી જશે. તેના માટે વિર્ઝન અને WEF સંયુક્ત રીતે પહેલ કરવાની તૈયારી કરી રહ્યા છે.
અસમાનતામાં ભારતનો ક્રમ
વિશ્વભરમાં મહિલાઓની સરખામણીએ પુરુષોની ઇન્ટરનેટ સુધી પહોંચ ૨૦ કરોડથી વધારે છે. આ સાથે મહિલાઓ પાસે પુરુષોની સરખામણીએ મોબાઈલ હોવાની સંભાવના ૨૧ ટકા ઓછી છે. ભારતમાં ૫ વર્ષથી વધારે વયના કુલ ૪૫.૧ કરોડ લોકો પાસે ઇન્ટરનેટની સુવિધા છે. તેમાં પુરુષોની સંખ્યા ૨૮.૮ કરોડ છે
જ્યારે મહિલાઓની સંખ્યા પુરુષોની સરખામણીએ અડધી છે.
કનેક્ટિવિટીમાં અસમાનતા ઓછી કરાશે
વિશ્વમાં ડિજિટલ એક્સેસને સપોર્ટ કરી સોશિયલ ઈનઇક્વાલિટી ઓછી કરવાની પહેલ WEF કરી રહ્યું છે. યુનાઈટેડ નેશન (UN)ની સંસ્થા, ઇન્ટરનેશનલ ટેલિ-કમ્યુનિકેશન યુનિયનના જણાવ્યા પ્રમાણે, માત્ર ૧૫ વર્ષમાં દુનિયાની અડધી વસતી કનેક્ટિવિટી સુધી પહોંચી ગઈ છે, પરંતુ તેમાં ભારે અસમાનતા છે. યુરોપમાં ૮૦ ટકા લોકો ઇન્ટરનેટ એક્સેસ કરે છે જ્યારે આફ્રિકામાં ૩૦ ટકાથી પણ ઓછા લોકો. યુરોપમાં આર્થિક રીતે જેટલા લોકો સુખી છે તેટલા જ લોકો આફ્રિકામાં ગરીબ છે એટલે કે દુનિયામાં કુલ કનેક્ટેડ લોકોમાં ગરીબોની સંખ્યા, અભણ લોકોની સંખ્યા અને મહિલાઓની સંખ્યા ઓછી છે. WEF આ અંતરને પૂરું કરવા માગે છે.
WEFની પહેલ શા માટે?
WEFના વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમાણે, દુનિયાના આર્થિક વિકાસને ગતિ આપવા માટે ડિજિટલ પ્લેટફોર્મ હવે સૌથી અગત્યનું બન્યું છે. તેવામાં જો દુનિયાના કોઈ સમાજમાં જો કનેક્ટિવિટીમાં અસમાનતા હોય તો તેની સીધી અસર તે સમાજના લોકોના આર્થિક વિકાસ પર પડશે. ત્યારબાદ આ આર્થિક પછાતપણાંથી દુનિયામાં આર્થિક અસમાનતા વધી જશે, જેનાથી દુનિયા પહેલાંથી જ પીડિત છે. WEF આ વાતનું ધ્યાન રાખી આ પહેલની તૈયારીમાં છે.
ટેકનો ઈન્ડસ્ટ્રીની ભૂમિકા મહત્ત્વની
WEFના જણાવ્યા પ્રમાણે, દુનિયાભરની ટેકનો ઈન્ડસ્ટ્રીની ભૂમિકા મહત્ત્વની રહેશે. ટેક કંપનીઓની મદદથી જ ગરીબ, પછાત, અશિક્ષિત અને મહિલાઓને સસ્તી કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવી શકાશે. આ કામમાં WEF સરકરોની પણ મદદ લેશે.