લખનૌઃ ઉત્તર પ્રદેશના અલ્લાહાબાદમાં રહેતી ૩૭ વર્ષની સ્મિતા શ્રીવાસ્તવ નામની મહિલાનું નામ ૨૦૧૨માં લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોંધાયું હતું. એ વખતે તેના વાળ છ ફૂટ લાંબા હતા. આજે સ્મિતાના વાળ વધીને સાત ફૂટ થઈ ગયા છે. સ્મિતાના વાળ માત્ર લાંબા જ નથી, જથ્થાદાર, કાળાભમ્મર અને સિલ્કી પણ છે.
સ્મિતાની પોતાની હાઈટ કરતાં હવે વાળ વધી ગયા હોવાથી એની કાળજી રાખવાનું અઘરું પડી રહ્યું છે, પણ તે વાળ કપાવવા તૈયાર નથી. તેની એક જ ઈચ્છા છે, ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામવું. જોકે આ ઈચ્છા એટલી સરળતાથી પૂરી થાય તેમ નથી. હાલમાં ચીનની શી કિપલિંગ નામની મહિલાએ ૧૮ ફૂટ અને ૫.૫૪ ઈંચ લાંબા વાળનો રેકોર્ડ બનાવ્યો છે. ૧૯૭૩ની સાલથી આ મહિલા વાળ વધારતી આવી છે.
સ્મિતા તેના લાંબા વાળને કારણે અલ્લાહાબાદમાં લોકલ સેલિબ્રિટી જેવું માનપાન પામે છે. લોકલ ઓઈલ પ્રોડ્ક્ટસની તે બ્રાન્ડ એમ્બેસેડર છે અને બ્યુટી કોન્ટેસ્ટમાં પણ તે જજ તરીકે જાય છે. વાળની સાચવણી કરવામાં ખૂબ તકલીફ પડતી હોવા છતાં તે કપાવવાની નથી. તેની ગણતરી છે કે બે વર્ષમાં એક ફૂટના હિસાબે જો તેના વાળ વધતા રહેશે તો આગામી ૧૫-૧૭ વર્ષમાં તો તે ગિનેસ બુકના રેકોર્ડને જરૂર આંબી જશે.