દક્ષિણ દિલ્હીની ભરચક ગલીઓમાં આવેલા એક રૂમમાં શરણાર્થી અફઘાન મહિલાઓ તેમના સિલાઈ મશીનો પર બેસી કાપડના ચીંથરાંમાથી કલાત્મક અને સુંદર ઢીંગલીઓ બનાવવાના કામમાં જોડાઈ છે. તેઓ જે દેશમાંથી નાસી છૂટી છે તેની સમૃદ્ધ એમ્બ્રોઈડરી કળાને પરંપરાગત પેટર્ન્સનો નિખાર આપવા સાથે હસતાં હસતાં વાતો કરે છે અને અફઘાની ગીતો ગણગણે છે. ‘સિલાઈવાલી’ સંસ્થાની દીવાલ પર અફઘાનિસ્તાનનો નકશો પણ લટકે છે જે તેમને સ્વદેશની યાદ અપાવે છે પરંતુ, 2021માં તાલિબાનીઓએ કબજો જમાવ્યો તે દેશમાં તેઓ પરત ફરવાની નથી તે નિશ્ચિત છે.
‘સિલાઈવાલી’ સામાજિક સાહસ છે જે ફેશન હાઉસીસમાંથી મેળવેલાં નકામા કાપડનું રૂપાંતર સુંદર ઢીંગલીઓ અને રમકડાંમાં કરવાની સાથોસાથ શરણાર્થીઓને જીવનનિર્વાહ મેળવવાની તક પૂરી પાડે છે. ફ્રેન્ચ પ્રોડક્ટ ડિઝાઈનર આઈરીસ સ્ટ્રીલ તથા તેના પૂર્વ જર્નાલિસ્ટ અને ગ્રાફિક ડિઝાઈનર પતિ બિશ્વદીપ મોઈત્રાએ 2018માં દિલ્હીમાં ‘સિલાઈવાલી’ની સ્થાપના કરી હતી. તેની શરૂઆત 10 શરણાર્થી અફઘાન મહિલા સાથે કરાઈ હતી અને ગત વર્ષ સુધીમાં 200થી વધુ મહિલાઓને રોજગારી આપી રહી છે. આ સંસ્થાએ 15,500 કિલો નકામા કાપડનો ઉપયોગ કરી તેમાંથી ફ્રેન્ચ ફેશન જાયન્ટ ચોલે (Chlo) અને સ્વીસ વોચમેકર ઓરિસ સહિત વૌશ્વિક બ્રાન્ડ્સ માટે 12,000થી વધુ ઢીંગલી, માસ્કોટ્સ અને લકી ચાર્મ્સ બનાવ્યાં છે. ‘સિલાઈવાલી’ની ઢીંગલીઓ યુરોપ, યુએસ, સાઉથ કોરિયા, જાપાન અને ઓસ્ટ્રેલિયાની મ્યુઝિયમ શોપ્સ, કન્સેપ્ટ સ્ટોર્સ અને આર્ટ ગેલેરીઝમાં વેચાય છે. મોઈત્રા કહે છે કે, ‘અમારો મંત્ર વેસ્ટ વિરુદ્ધ સિલાઈ અને આઝાદી માટે સિલાઈનો છે.’
સર્જનાત્મકતા અને સ્વચ્છ પર્યાવરણનો પ્રેમ
ફ્રેન્ચ પ્રોડક્ટ ડિઝાઈનર આઈરીસ સ્ટ્રીલનાં સર્જનાત્મકતા અને સ્વચ્છ પર્યાવરણ તરફના પ્રેમ અને જોશમાંથી ‘સિલાઈવાલી’નો વિચાર ઉભર્યો હતો. વિશ્વમાં ફેશન એટલી ઝડપે બદલાતી રહે છે કે કાપડનો વેસ્ટ-કચરો વધતો જાય છે જેમાંથી મોટા ભાગનો હિસ્સો જમીનપૂરણી તરીકે ઉપયોગમાં લેવાય છે. યુએસ નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઈન્ફોર્મેશન અનુસાર વિશ્વમાં દર વર્ષે આશરે 100 મિલિયન ટન કાપડનો વેસ્ટ ઉભો થાય છે અને આંકડો 2030 સુધીમાં વધીને 134 મિલિયન ટન સુધી પહોંચવાનો અંદાજ છે. વિશ્વમાં કાપડ અને વસ્ત્રોના સૌથી મોટા ઉત્પાદકોમાં ભારત ત્રીજા સ્થાને છે અને દર વર્ષે આશરે એક મિલિયન ટન કાપડ વેસ્ટ પેદા થાય છે. આમાં અડધાથી વધુ હિસ્સો ફેંકી દેવાયેલા નકામાં વસ્ત્રોનો છે જ્યારે બાકીનો હિસ્સો ગારમેન્ટ્સના ઉત્પાદન દરમિયાન નીકળતા કચરા કે ચીંથરાંનો છે
સ્ટ્રીલ સૌપ્રથમ 1999માં મભારત આવ્યાં હતાં અને દિલ્હીમાં યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજીસ સાથે કામગીરી દરમિયાન તેમને ‘સિલાઈવાલી’નો વિચાર સ્ફૂર્યો હતો. શરણાર્થીઓમાં સફળ થવાના નિર્ધારથી તેઓ પ્રભાવિત થયાં હતાં. દરેક ઘરમાં ઢીંગલી તો હોય જ છે અને કોઈકે નકામા કપડામાંથી ઢીંગલી બનાવી હતી ત્યારે ઢીંગલીનો વિચાર આવ્યો અને શરૂઆતમાં ‘સિલાઈવાલી’ દ્વારા પાંચ ડોલ્સ તૈયાર કરાઈ ત્યારે લાગ્યું કે લોકો તેમને ગંભીરતાથી લેશે નહિ પરંતુ, આ ઢીંગલીઓ શરણાર્થી મહિલાઓ દ્વારા બનાવાઈ હોવાનું જાણતા બધા પ્રભાવિત થયા હતા અને લોકો બુકશેલ્ફ પર રાખવા અને સજાવટ માટે ખરીદવા લાગ્યા હતા.
‘સિલાઈવાલી’માં મોટા ભાગની સ્ત્રીઓ અત્યાચારનો ભોગ બનેલી હાઝરા કોમ્યુનિટીની છે. આ કોમ્યુનિટીમાં ભરત અને ગૂંથણની કળા વંશાનુગત ઉતરી આવેલી છે. તેમણે લગ્નના વસ્ત્રો બનાવેલા હોય પરંતુ, તેમના માટે આ કૌશલ્ય જીવનનિર્વાહ કે આજીવિકા મેળવવાનું ન હતું . આથી આ લોકોની કળા અને કૌશલ્યને આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોંચાડવાનું કાર્ય ‘સિલાઈવાલી’ દ્વારા હાથ ધરાયું હતું.
‘સિલાઈવાલી’એ નિર્વાસિતો માટે દ્વાર ખોલ્યાં
અફઘાનિસ્તાનમાં 1970ના દાયકામાં તાલિબાનીઓએ કબજો જમાવ્યો અને મહિલાઓને સમાન અધિકાર આપતાં બંધારણને રદ કર્યું ત્યારથી ઘણી અફઘાન મહિલાઓ દેશ છોડી નાસી આવી હતી.
તેઓ પોતાના દેશમાં કામ કરી શકતી ન હતી. બીજી તરફ, ભારત યુનાઈટેડ નેશન્સ રેફ્યુજી કન્વેન્શનનું પક્ષકાર ન હોવાથી અહીં રોજગાર માટે તેમનો કોઈ કાનૂની દરજ્જો ન હતો. તેમણે ઈન્ફોર્મલ સેક્ટરમાં બિનસત્તાવાર નોકરી કરવી પડતી હતી અને ગરીબીમાં રહેવું પડતું હતું. આવા સમયે તેમને ભારતમાં આઝાદી, શિક્ષણની સવલત તેમજ ‘સિલાઈવાલી’માં કામ અને રોજગાર મળ્યાં હતાં.