વોશિંગ્ટન: મિસ ટીન યુએસએ 2023 ઉમા સોફિયા શ્રીવાસ્તવે પોતાનું ટાઇટલ છોડી દીધું છે. તેનું કહેવું છે કે સંસ્થાની દિશા અને તેના અંગત મૂલ્યો વચ્ચે તફાવત હોવાથી તેણે ટાઇટલ પરત કરવા નિર્ણય કર્યો છે. 17 વર્ષની સોફિયા મેક્સિકન અમેરિકન ભારતીય છે.
સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટમાં સોફિયા કહ્યું કે આ નિર્ણય સરળ નહોતો. આ ટાઇટલ મેળવવામાં તેને ઘણા મહિનાઓ લાગ્યા હતા. હવે રનર અપ સ્પર્ધક તેનું સ્થાન લેશે. આ પહેલા તાજેતરમાં મિસ યુએસએ નોએલિયાએ પણ પોતાનો ખિતાબ છોડી દીધો હતો. તેણે કહ્યું કે તેણે આ નિર્ણય તેના માનસિક સ્વાસ્થ્યની સુધારણા માટે લીધો છે. ચોથી મેના રોજ મિસ યુએસએ સંસ્થાના કર્મચારી ક્લાઉડિયા મિશેલે રાજીનામું સુપરત કર્યું હતું. ઈન્સ્ટાગ્રામ પર એક નોટ શેર કરતી વખતે ક્લાઉડિયાએ કહ્યું હતું કે તેને બે મહિનાથી પગાર આપવામાં આવ્યો ન હતો અને ન તો તેને યોગ્ય સ્ટાફ આપવામાં આવ્યો હતો. ક્લાઉડીયાના રાજીનામાના પગલે મિસ યુએસએ સિલેક્ટ થયેલી નોએલિયાએ છઠ્ઠી મેના રોજ સોશિયલ મીડિયા પર પોતાનું ટાઈટલ છોડવાની જાહેરાત પણ શેર કરી હતી. હવે ભારતવંશી સોફિયાએ પણ ટાઇટલ છોડવા નિર્ણય કર્યો છે.