ભારતીય પરંપરાગત ઘરેલુ નુસખાના વારસાના જોરે વિવિધ પ્રોડક્ટ્સ તૈયાર કરીને ભારતીય મૂળની મહિલાઓ અમેરિકન બ્યૂટી ઈન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવી રહી છે. કુલ્ફી બ્યૂટી, લાઈવ ટિન્ટેડ અને અવર્ણી જેવી બ્રાન્ડ ઊભી કરીને તેમણે અબજો ડોલરના અમેરિકન સ્કિનકેર બજારમાં પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે.
આ મહિલા ઉદ્યોગ સાહસિકોએ પોતાનાં મૂળિયાં અને આયુર્વેદિક પરંપરાના આધારે આ બ્રાન્ડ વિકસાવી છે, અને તેને પ્રોત્સાહક પ્રતિસાદ પણ મળ્યો છે. અમેરિકન બજારમાં ભારતવંશી મહિલાઓ માટે વિવિધ પ્રોડક્ટ્સની અછત હતી. ભારતીય-અમેરિકન મહિલા સાહસિકોએ આ ડિમાન્ડનું મહત્ત્વ જાણ્યું. આ ક્ષેત્રે તેમણે પગરણ માંડ્યા, અને હવે તેમના નવા સ્ટાર્ટઅપ ઝડપથી આગળ વધી રહ્યા છે.
આ યુવા ઉદ્યોગ સાહસિકોની બ્રાન્ડની ઓળખ માત્ર ભારતીય પરિવારો પૂરતી સીમિત નથી. અમેરિકા અને દુનિયાના ફેશન મેગેઝિનો પણ આ મહિલા ઉદ્યોગ સાહસિકોને કોસ્મેટિક્સ ઈન્ડસ્ટ્રીના નેક્સ્ટ જનરેશન લીડર ગણાવી રહ્યા છે.
દીપિકા મુત્યાલા (32)એ સાઉથ એશિયન મહિલાઓ માટે બ્યૂટી પ્રોડક્ટ્સ વિકસાવી છે. ટેક્સાસના શુગરલેન્ડમાં જન્મેલાં અને ઉછરેલાં દીપિકા કહે છે કે સુંદરતાના મોટા ભાગના માપદંડ શ્વેત મહિલાઓ સામે રાખીને ઊભા કરાયા છે. આ ભેદભાવ જોઈને મને નવા પ્રકારની બ્યૂટી પ્રોડક્ટ્સ તૈયાર કરવાની પ્રેરણા મળી. ઉલ્લેખનીય છે કે મુત્યાલાની કંપની લાઈવ ટિન્ટેડે ગયા વર્ષે જ રૂ. 119 કરોડ (1.5 કરોડ ડોલર)નું શરૂઆતનું રોકાણ મેળવ્યું છે. દીપિકાની સફળતાનો અંદાજ તમે એ વાત પરથી મેળવી શકો છો કે બાર્બી ડોલ ઉત્પાદકોએ દીપિકા પર બાર્બી ડોલ બનાવી છે, જે પહેલી ભારતવંશી ડોલ છે. વિખ્યાત ‘ટાઈમ’ મેગેઝિન તેમને ‘નેક્સ્ટ જેન લીડર’ તરીકે ઓળખાવે છે.
દિલ્હીમાં જન્મેલાં પ્રિયંકા ગંજુ (34) કુલ્ફી બ્યૂટિ બ્રાન્ડના નામે પ્રોડક્ટ્સ બનાવે છે. 2021માં તેમણે બિઝનેસ શરૂ કર્યો, જે કહે છે કે મારાં દાદી બદામ, ઘી અને કેસ્ટર ઓઈલથી કાજલ બનાવતા. તેમણે નવી પેઢી માટે ‘કાજલ’ નામે આઈલાઈનર બનાવી છે, જેની કિંમત આશરે રૂ. 1600 (20 ડોલર) છે. તેમની કંપનીએ રૂ. 79 કરોડ (એક કરોડ ડોલર) શરૂઆતનું રોકાણ મેળવી લીધું છે.
મિશિગનનાં ઋષિ રોય (32)નો ઉછેર ભારતીય સંસ્કારો પ્રમાણે થયો છે. તેઓ માતા સાથે હળદર અને બદામના તેલથી ઘરેલુ ક્રીમ બનાવતા, જે હવે તેમના બિઝનેસનો આધાર બની ગયો છે. 2018માં તેમણે અવર્ણી બ્રાન્ડ લોન્ચ કરી. આ બ્રાન્ડે પણ શરૂઆતમાં જ રૂ. 119 કરોડ (1.5 કરોડ ડોલર)નું રોકાણ મેળવ્યું છે. આ બિઝનેસથી તેઓ ભારત સાથે જોડાયેલાં હોવાનું અનુભવે છે.
બ્યૂટી ઈન્ડસ્ટ્રીની હરણફાળ
વર્ષ 2020માં દુનિયાની બ્યૂટિ ઈન્ડસ્ટ્રી રૂ. 38.39 લાખ કરોડ (483 બિલિયન ડોલર)ની હતી. 2025 સુધી તે રૂ. 56.91 લાખ કરોડ (716 બિલિયન ડોલર)ની થઈ શકે છે. વેચાણની પેટર્નમાં પણ ઝડપથી ફેરફાર થઈ રહ્યો છે. 2023 સુધી 48 ટકા ખરીદી પણ ઓનલાઈન થઈ જશે. કોરોનાકાળના કારણે પણ ઓનલાઈન વેચાણ વધ્યું છે.