વોશિન્ગટનઃ ભારતીય અમેરિકન મેધા રાજની ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બિડેનનાં ચૂંટણી કેમ્પેનમાં ડિજિટલ પ્રચારના ચીફ તરીકે નિમણૂક કરાઈ છે. આ જવાબદારી એટલા માટે અગત્યની છે કારણ કે કોરોના વાઈરસ મહામારીના કારણે આ વખતે પ્રચાર સંપૂર્ણ રીતે વર્ચ્યુઅલ થવાનો છે.
બિડેનના ચૂંટણી પ્રચાર અભિયાનના અને બિડેનના ડિજિટલ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, મેધા રાજ ડિજિટલ વિભાગના તમામ મુદ્દે કામ કરશે. તેમનું કામ પ્રચારના પરિણામો વધુને વધુ મજબૂત મળે તે દિશામાં હશે. આ જવાબદારી મળ્યા પછી મેધા રાજે કહ્યું કે, ચૂંટણીના પ્રચાર માટે જુલાઈ બીજા સપ્તાહથી ગણીએ તો હવેનો ચારેક મહિનાનો સમય ખૂબ મહત્ત્વનો રહેશે. વળી જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ એક મિનિટ સુદ્વાં બરબાદ કરવી પોષાશે નહીં.
અગાઉ પીટ બુટિગિગના કેમ્પનમાં
આ પહેલાં મેધા રાજ પીટ બુટિગિગના ચૂંટણી પ્રચાર અભિયાન સાથે જોડાયેલાં હતાં. બુટિગિગે પણ બિડને સમર્થન આપ્યું છે. સીએનએન ચેનલે આ સમાચાર સૌથી પહેલાં પ્રદર્શિત કર્યાં હતા.
જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન
મેધા રાજે ઇન્ટરનેશનલ પોલિટિક્સમાં જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ બિઝનેસ મેનેજમેન્ટની ડિગ્રી મેળવી છે. અમેરિકામાં ૩જી નવેમ્બરે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાવાની જાહેરાત થઈ છે. ૭૭ વર્ષનાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ બિડેન રિપબ્લિક ઉમેદવાર અને વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રતિસ્પર્ધી રહેશે. કેટલાક ઓપિનિયન પોલમાં બિડેનની ટ્રમ્પ પર ૮ ટકાથી વધુ મતોથી જીત થશે તેવું હાલમાં કહેવામાં આવી રહ્યું છે.