દુબઈમાં રહેતી ૧૫ વર્ષની ભારતીય કિશોરી રિવા તુલપુલેએ ઈ-વેસ્ટને રિસાઈકલ કરવાની પદ્ધતિમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. વિશ્વભરમાં યક્ષપ્રશ્ન સમાન ઈ-વેસ્ટના યોગ્ય નિકાલ માટે છેલ્લા ચાર વર્ષથી રિવા સંશોધન કરી રહી હતી. રિવાએ લગભગ ૨૫ ટન ઈ-વેસ્ટ રિસાઈકલ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. પર્યાવરણ માટે સંવેદના ધરાવતા આ પ્રયાસમાં રિવા સાથે ૧૫ સ્કૂલના ૬૦ વિદ્યાર્થીઓ સક્રિય રીતે જોડાઈ ચૂક્યા છે.
વિશ્વભર માટે ઇ-વેસ્ટ માથાનો દુ:ખાવો
ગલ્ફ ન્યૂઝમાં રિવાના અહેવાલમાં રિવાએ જણાવ્યું છે કે, થોડાં વર્ષો પહેલાં અમે ઘર બદલી રહ્યા હતા. એ વખતે ઘરનો સામાન શિફ્ટ થતો હતો ત્યારે માતાને પૂછ્યું કે, આપણને જે ચીજવસ્તુઓની જરૂર નથી એ આપણે એમ જ ફેંકી દઈશું? ત્યારે તેની માતાએ કહ્યું કે, ખરેખર તો બિનજરૂરી ચીજવસ્તુઓનો યોગ્ય રીતે નાશ થવો જરૂરી છે, પરંતુ એ વખતે રિવાને રિસાઈકલ ટેક્નોલોજી વિશે ખાસ કંઈ ખબર ન હતી. બાદમાં તેણે ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર આ દિશામાં અભ્યાસ શરૂ કર્યો અને ઘણી માહિતી ભેગી કરી. માહિતી મેળવતાં રિવાને જણાયું કે, હાલ દુનિયામાં મોબાઈલ, કમ્પ્યુટર વગેરેનો ઈલેક્ટ્રોનિક્સ વેસ્ટ એક મોટી મુશ્કેલી છે એને રિસાઈકલ કરી શકાય. પરંતુ એવું બહુ ઓછું કરાય છે. રિવાએ જણાવ્યું કે, મેં થોડા દોસ્તોની મદદથી ઈ – વેસ્ટના યોગ્ય નિકાલની કામગીરીનું કામ શરૂ કર્યું.
‘વી કેર ડીએક્સબી’ અભિયાન
રિવા દુબઈની જેમ્સ મોડર્ન એકેડેમી સ્કૂલમાં દસમા ધોરણમાં અભ્યાસ કરે છે. તે ‘વી કેર ડીએક્સબી’ નામથી ઈ-વેસ્ટ રિસાઈકલ કરવાનું અભિયાન ચલાવે છે. રિવા કહે છે કે, અભિયાનમાં સોશિયલ મીડિયાની પણ મહત્ત્વની ભૂમિકા છે કારણ કે તેના થકી જ લોકોનો સંપર્ક કરાય છે અને તેમને જાગ્રત કરાય છે. જરૂર પડ્યે રિવા અને તેના મિત્રો લોકોના ઘરે જઈને ઈ-વેસ્ટ ભેગો કરે છે. બાદમાં તેને ઈલેક્ટ્રોનિક રિસાઈકલિંગ કરતી ફર્મ એન્વાયરોસર્વ પાસે લઈ જાય છે. આ રીતે રિવાની ટીમ અત્યાર સુધીમાં ૨૦૦૦થી વધુ તૂટેલાં મોબાઈલ, કમ્પ્યુટર, લેપટોપ, પ્રિન્ટર, કી-બોર્ડ વગેરે રિસાઈકલિંગ કરાવી ચૂકી છે. આ કામ માટે તેને અનેક ઈનામ મળી ચૂક્યાં છે.