નવી દિલ્હીઃ ઉદ્યોગપતિ વિક્રમ કિર્લોસ્કરના નિધન પછી કિર્લોસ્કર ગ્રુપનું સુકાન તેમના પુત્રી માનસી ટાટાને સોંપાયું છે. કિર્લોસ્કર જોઈન્ટ વેન્ચર બોર્ડના ચેરમેનપદે વરણી સાથે માનસી ટાટાને તાત્કાલિક અસરથી કંપનીની જવાબદારી સોંપવામાં આવી છે. વિક્રમ કિર્લોસ્કરનું નવેમ્બરમાં નિધન થયું છે, અને માનસી તેમનું એકમાત્ર સંતાન છે. માનસીની ચેરમેનપદે વરણી થતાં ભારતીય કોર્પોરેટ જગતમાં વધુ એક મહત્ત્વના હોદ્દા પર મહિલાની નિમણૂક થઈ છે.
32 વર્ષીય માનસી કંપનીમાં પહેલેથી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીઈઓ છે. અમેરિકાની રહોડ આઈલેન્ડ સ્કૂલ ઓફ ડિઝાઈનિંગમાંથી ગ્રેજ્યુએશન કરનારાં માનસી અમેરિકાથી પાછાં ફર્યાં અને પછી કંપનીમાં પિતા સાથે કામ કરતાં હતાં. માનસીએ 2019માં નોએલ ટાટાના પુત્ર નેવિલ ટાટા સાથે લગ્ન કર્યા હતા. નોએલ ટાટા રતન ટાટાના ઓરમાન ભાઈ છે.