મહિલાઓની સુરક્ષા માટે ભારતીય રેલવેએ ‘મેરી સહેલી’ અભિયાનની શરૂઆત કરી છે. આ માટે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)એ મહિલા વિંગ તૈયાર કરી છે. RPFની આ ટીમ મહિલા પ્રવાસીઓને જાગૃત કરશે અને એકલા સફર કરી રહેલી મહિલાઓને જરૂરી જાણકારી આપશે. રેલવે સુરક્ષાવિભાગની આ ટીમે જણાવ્યું કે, જો તમે મહિલા છો અને ટ્રેનમાં એકલા સફર કરી રહ્યા છો તો હવે ડરવાની જરૂર નથી. તમે નિર્ભય થઈને રેલવેમાં સફર કરી શકો છો.
‘મેરી સહેલી’માં ફરિયાદ કરો
જો ટ્રેનમાં સફર કરી રહેલી મહિલા યાત્રીને કોઈ હેરાન કરે કે અન્ય કોઈ પણ તકલીફનો તે સામનો કરી રહી હોય તો તેઓ ‘મેરી સહેલી’ને ફરિયાદ કરી શકે છે. તેની મદદ કરવામાં આવશે. રેલવે બોર્ડે જાહેર કરેલી સૂચનાઓ પ્રમાણે આ ટીમ મહિલા પ્રવાસીઓની અવર-જવર પર નજર રાખશે. આ અંગેની કામગીરી દરેક સ્ટેશન પર થશે. તમે રેલવેના હેલ્પલાઈન નંબર 182 પર ફોન કરીને સૂચના આપી શકો છો. રેલવે સુરક્ષા વિભાગે જણાવ્યું કે, આ અભિયાન ઘણા બધા અપરાધને રોકી શકાશે.
‘મેરી સહેલી’ અભિયાનમાં RPF દ્વારા માત્ર મહિલા કર્મચારીઓનો જ સમાવેશ કરાયો છે. આ પહેલ હાલમાં સૌપ્રથમ પશ્ચિમ રેલવેએ મુખ્ય બે ટ્રેન માટે આ અભિયાનની શરૂઆત કરી છે. જેમાં ટ્રેન નંબર 12955 મુંબઈ સેન્ટ્રલ-જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ અને ટ્રેન નંબર 02925 બાંદ્રા ટર્મિનસ-અમૃતસર સ્પેશિયલ ટ્રેન સામેલ છે.