સામાન્ય રીતે સાડી કેવી રીતે પહેરવી કે જેથી તે શોભે એ માટે માનુનીઓને બહુ પ્રશ્નો રહે છે. જોકે એવું કંઈ જરૂરી નથી કે તમે જે સ્ટાઈલની સાડી પહેરી છે તેવી જ રીતે કાયમ સાડી પહેરો. સાડીને પહેરવાની પણ ઘણી સ્ટાઈલ છે. ક્યારેક વર્ષો જૂની ફેશનને પાછી અપનાવવામાં આવે છે તો ક્યારેક આધુનિક ફેશનને પણ લોકો બહુ પસંદ કરે છે. વસ્ત્રોમાં પણ અનેક પ્રકારની ફેશનનું પ્રચલન થતું હોય છે, પણ સાડી સદાબહાર છે. સાડી ગમે તેટલી સસ્તી કેમ ન હોય પરંતુ જો તેને યોગ્ય રીતે પહેરવામાં આવે તો સસ્તી સાડી પણ આપની સુંદરતામાં ચાર ચાંદ લગાવીને આપના વ્યક્તિત્વને નિખારે છે. જો સાડી મોંઘી હોય અને આપને તે સુવ્યવસ્થિત રીતે પહેરતા ન ફાવે તો તે પોતાની સુંદરતા ગુમાવે છે સાથે આપનું વ્યક્તિત્વ પણ ઝાંખુ પડે છે. તેથી જ્યારે પણ સાડી પહેરો સુયોગ્ય રીતે પહેરો.
કઈ સ્ટાઈલમાં સાડી પહેરી શકાય?
• તમારા કદ, ઊંચાઈ અને પ્રસંગને અનુરૂપ સાડી પસંદ કરી શકો છો અને પહેરી શકો છો. સાડી પહેરવાની ઘણી સ્ટાઈલ છે. જેમ કે ગુજરાતી, દક્ષિણી, પૈઠ્ઠણી, પાલવ છૂટ્ટો રાખવો, પિનઅપ સાડી, મુમતાઝ સ્ટાઈલ, બંગાળી વગેરે વગરે સ્ટાઈલથી તમે સાડી પહેરી શકો છો. સાડી પહેરતી વખતે જો અમુક વાતોને ધ્યાનમાં રાખવામાં આવે તો સાડીની સુંદરતા વધશે, સાથે જ આપનું સૌંદર્ય પણ ખીલી ઉઠશે.
• આપનું શરીર વધુ હોય તો આપ ફૂલેલી સાડી ન પહેરો. કારણ કે તેમાં આપ વધુ જાડાં લાગશો. તેથી આપ પાતળી તથા મુલાયમ સાડી જ પહેરો. દુબળી-પાતળી મહિલા માટે ફૂલેલી કડક સાડી ઉત્તમ રહેશે. મેદસ્વી કે બેવડી કાઠીની માનુનીએ બને ત્યાં સુધી ફૂલેલી, આર કરેલી, કડક મટીરિયલની સાડી ન પહેરવી. આ પ્રકારની સાડીઓમાં સાઉથ કોટન, કલકત્તી, નાયલોન સિલ્કનો સમાવેશ થાય છે. બેવડી કાઠીની મહિલાએ જ્યોર્જેટ, શિફોન, સિલ્ક મટીરિયલની સાડી પસંદ કરવી જોઈએ.
• શ્યામ રંગ ધરાવતી સ્ત્રીઓએ વધુ ઘેરા રંગની સાડી ન પહેરવી. સાધારણ સાડી પણ સૂઝસમજથી પહેરશો તો શોભી ઉઠશો. લાઈટ પણ નહીં અને ડાર્ક પણ નહીં તેવા શેડ્ઝ સાડીમાં પસંદ કરવા તે જચશે. શ્યામ રંગની સ્ત્રીઓએ ખૂબ જ ઘાટ-ચમકીલા રંગો પણ પસંદ ન કરવા. ગોરો રંગ ધરાવતી મહિલાઓએ પણ ચમકીલા પણ વધુ ડાર્ક પસંદ ન કરવા. વ્યવસાયી મહિલાઓએ હંમેશા સામાન્ય અને પહેરવામાં હળવી સાડીની પસંદગી કરવી જોઈએ.
• સાડી પહેરતી વખતે મેચિંગનો પેટીકોટ, બ્લાઉઝ હોવું જરૂરી છે. જો કોઈ હેવિ સાડી પહેરવાની હોય તો પહેલાં ચપ્પલ અથવા સેન્ડલ અવશ્ય પહેરીને જ સાડી પહેરવાનું શરૂ કરો સાડી કમર ઉપર બાંધવા માટે જે સાઈડ પર ફોલ લગાવેલો હોય તેને નીચો રાખવો. જો ચંપલ પહેરીને સાડી ન પહેરવી હોય અને હાઈ હિલ પહેરવાના હો તો હિલની સાઈઝથી એકાદ આંગળી ઊંચી સાડી પહેરવી. તેનાથી સાડી ઉપર પહેરાયેલી નહીં લાગે.
• સાડી એવી રીતે પહેરો કે જેથી જમીનને સ્પર્શતી હોય તેવું લાગે. સાડીનાં ઉપરનાં ભાગને પેટીકોટમાં ખોસતાં પહેલાં હંમેશાં પાટલીને પિનઅપ કરી લો. સાડી હંમેશા આગળથી બાંધવાનું શરૂ કરો. હવે ચાર બાજુથી લપેટતી વખતે પાછળની બાજુથી થોડી ખુલ્લી એટલે થોડી ઢીલી રાખો જેથી ખૂબ જ ખેંચાતું હોય તેવું ન લાગે. જ્યાંથી સાડી પહેરવાનું શરૂ કર્યું હોય ત્યાં સુધી વીંટીને છોડી દો. એ પછી પાલવની લગભગ ત્રણથી ચાર ઈંચ પહોળી ત્રણ ચાર કે તેથી વધુ પાટલીવાળી ખભા પર પિનઅપ કરો.
• સાડીનો જે ભાગ કમરમાં ખોસેલો હોય તેને ડાબા હાથથી એ રીતે પકડો કે અંગૂઠો તથા છેલ્લી આંગળી સાડીની અંદર એટલે કે ઉલટી તરફ તથા બાકીની ત્રણ આંગળીઓ સાડીની બહાર સીધી દેખાય હવે બંને હાથ વડે પાટલી વાળવાનું શરૂ કરો. જો ચાર પાંચ પાટલી વળે તો સાડી વધુ સુંદર દેખાય છે.
• આ રીતે તો ઉલ્ટા પાલવવાળી સાડી પહેરાય છે, પરંતુ જો આપને સીધા પાલવવાળી સાડી પહેરવી હોય તો પાટલી ખોલવાની જરૂર નથી, પરંતુ પાલવને પાછળની તરફ લેતાં જઈ સીધા ખભા પર રાખો. એ પછી તેનો ઉપરનો ભાગ કમરની પાછળ લઈ જઈ પિનઅપ કરો અથવા બાકીની સાડી ત્રણથી ચાર ઈંચ પાટલીવાળી ખભા પર પિનઅપ કરો. આપને ફાવે તો ઘૂંટણ સુધી લાંબો પાલવ પણ રાખી શકો છો. ગુજરાતી રીતે પહેરાતી સાડીમાં જો તમારી ઉંચાઈ ઓછી હોય તો પાલવ થોડો ટૂંકો રાખો અને લંબાઈ વધારે હોય તો પાલવ ગોઠણ સુધીનો પણ શોભશે.
• જો આપનું કદ એટલે ઉંચાઈ ઓછી હોય તો આપ માત્ર લાંબી ધારી અથવા ઝીણી પ્રિન્ટની સાડી પહેરો જેથી આપનું કદ લાંબુ દેખાય. જો આપનું કદ સામાન્યથી વધુ ઊંચાઈ ધરાવતું હોય તો આપ મોટી મોટી પ્રિન્ટ ધરાવતી સાડી પહેરો.
• પ્લેન સાડીમાં પ્લેટસ અને પાલવ પર મોટા સ્ટાર લગાવો બાકી સાડીને પ્લેન જ રહેવા દો.
• આજકાલ ઘણા પ્રકારના વર્ક ફેશનમાં છે. તમે પણ તમારી સાડીમાં મનપસંદ વર્ક કરાવી શકો છો. આપીને તેમાં સ્ટોન, કુંદન, મિરર, પાઈપ, ભરતગૂંથણ જચે છે, પણ મટીરિયલ અને વર્કનું કોમ્બિનેશન સારું લાગે છે કે નહીં તે ચકાસી જોવું.
• તમારી સાડીની સુંદરતા વધારવા પ્રિન્ટેડ સાડીમાં ચોટાડવાના સિક્વન્સ અને પેચ પણ મળે છે. તેનાથી સાડી હેવિ બનાવી શકાય.
• તમારી સાડીમાં બંધેજ વર્ક કરીને તમે તેને એક જુદી બનાવી શકો છો.
• નેટની સાડી આજકાલ ખૂબ પ્રચલિત છે. નેટ પર મનપસંદ ડિઝાઈનમાં વર્ક કરીને તેને નવું લુક આપી શકો છો.