ભારતીય માનુનીના પ્રિય બન્યા છે અફઘાની સલવાર સૂટ

Wednesday 14th August 2024 05:33 EDT
 
 

ફેશનની દુનિયા એટલે સતત પરિવર્તનશીલ દુનિયા. ફેશનની દુનિયામાં સમયાંતરે ટ્રેન્ડ બદલાતો રહે છે. હાલમાં ફેશનિસ્ટાઓમાં અફઘાની સલવાર સૂટ બહુ લોકપ્રિય બન્યા છે. વળી, આ સ્ટાઇલનો સુટ પ્રમાણમાં ખુલ્લો હોવાના કારણે ગરમી પણ ઓછી લાગે છે. અફઘાની સુટમાં કુર્તા, સલવાર અને દુપટ્ટાનો આખો સેટ હોય છે. આ સ્ટાઇલના ડ્રેસમાં કુર્તા એ સામાન્ય રીતે ઘૂંટણની લંબાઇ સુધીના અને થોડું લુઝ ફિટિંગ હોય છે. આ કુર્તામાં મોટાભાગે ટ્રેડિશનલ ભરતકામ કરવામાં આવે છે. જોકે હવે આ સ્ટાઇલની કુર્તીમાં આધુનિક સ્ટાઇલનું એથનિક વર્કનું કોમ્બિનેશન પણ જોવા મળે છે. આ ડ્રેસની સલવાર એ સામાન્ય રીતે પાતળા અને ફ્લોઇંગ ફેબ્રિકમાંથી બનેલા ટ્રાઉઝરની જોડી છે. અફઘાની પ્રકારની સલવાર કમરના એરિયામાં થોડી ઢીલી હોય છે પણ પગની ઘૂંટીઓ પાસે ખાસ રીતે સીવેલી હોય છે. આ અફઘાની સલવાર સૂટને સ્ટાઇલિશ લુક આપવામાં એનો દુપટ્ટો મહત્ત્વનો રોલ ભજવે છે. વર્કવાળો અથવા તો કોન્ટ્રાસ્ટ કોમ્બિનેશનવાળો દુપટ્ટો અફઘાની સૂટની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે.
વૈવિધ્યપૂર્ણ સ્ટાઇલિંગ
અફઘાની સલવાર સૂટ તમામ ઉંમરની સ્ત્રીઓ પહેરે છે. તે ફોર્મલ અને ઇન્ફોર્મલ બંને પ્રસંગોમાં પહેરવા માટે યોગ્ય છે. આ ડ્રેસને અલગ અલગ સ્ટાઇલમાં ઘણી રીતે પહેરી શકાય છે. જો તમે પાર્ટીમાં જાઓ છો, તો ભારે ભરતકામ અથવા અન્ય વર્કવાળો અફઘાની સલવાર સૂટ પસંદ કરો. તેને હીલ્સ અને સ્ટેટમેન્ટ જ્વેલરી સાથે પેર કરો. અફઘાની સલવાર સૂટ હળવા ફેબ્રિકથી બનેલો હોવો જોઈએ. જો તમે કમ્ફર્ટેબલ લુક ઇચ્છતા હો તો સોફ્ટ, સ્ટ્રેચી ફેબ્રિકમાંથી બનેલો અફઘાની સલવાર સૂટ પસંદ કરો. તેને સ્નીકર્સ સાથે પેર કરો અને શક્ય એટલી ઓછી જ્વેલરી પહેરો. અફઘાની સલવાર સૂટ એક સ્ટાઇલિશ અને મલ્ટિ ડાઇમેન્શનલ પોશાક છે જે કોઈપણ પ્રસંગ માટે પહેરી શકાય છે. તેને પહેરવાની ઘણી વિવિધ રીતો છે. તમારે તમારા માટે યોગ્ય રીત શોધી લેવી જોઇએ. અફઘાની સલવાર સૂટની નોંધપાત્ર બાબત એ છે કે તે લગભગ દરેક પ્રાઇઝ રેન્જમાં મળે છે. સાદા કોટન મટીરિયલથી માંડીને સિલ્કના વર્કવાળા મટીરિયલના અફઘાન સૂટની રેન્જ માર્કેટમાં ઉપલબ્ધ છે.
અફઘાની સૂટમાં કટની તેમજ સ્લીવ્ઝની અનેક વેરાઇટી ઉપલબ્ધ છે. આ સૂટ સેટ તમે પાર્ટીથી લઈને ઓફિસ સુધી લઈ જઈ શકો છો. અફઘાની સૂટમાં પરંપરાગત ડિઝાઇનની સાથે સાથે ફ્લોરલ પ્રિન્ટની પણ લોકપ્રિય છે.
જો કોઈ પ્રસંગમાં અફઘાની સૂટ પહેરવાનું પ્લાનિંગ હોય તો એ માટે લાઇન એમ્બ્રોઇડરી સિક્વન્સ વર્કની પસંદગી કરવાથી આકર્ષક લુક મેળવી શકાય છે. અફઘાની સ્ટાઇલની લેટેસ્ટ ટ્રેન્ડિંગ ડિઝાઇનમાં બંને બાજુ ખિસ્સા અને મેચિંગ અફઘાની શૈલીના પેન્ટ અને દુપટ્ટાનો સેટ યુવતીઓમાં લોકપ્રિય છે. તેઓ આ સેટ સાથે અલગ અલગ રંગની મેચિંગ કુર્તીનું કોમ્બિનેશનલ પહેરીને દરેક પ્રસંગમાં અલગ અલગ લુક મેળવી શકો છો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter