દુબઇઃ યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇ)ના ગોલ્ડન વિઝા આ વખતે એક ભારતીય વિદ્યાર્થિનીને પણ અપાયા છે. આ પ્રતિભાશાળી વિદ્યાર્થિનીનું નામ છે તસ્નીમ અસલમ. તે કેરળના અલપ્પુઝા જિલ્લાની રહેવાસી છે. યુએઇના સત્તાધીશો સામાન્ય રીતે વિશ્વની ખ્યાતનામ હસ્તીઓને જ આ વિઝા આપતું હોય છે.
અગ્રણી દૈનિક ‘ખલીજ ટાઇમ્સ’ના અહેવાલ મુજબ, યુએઇ સરકારે તસ્નીમની પ્રતિભા અને તેના ઉત્કૃષ્ટ શૈક્ષણિક સ્તરને ધ્યાનમાં રાખીને જ તેને ૧૦ વર્ષના ગોલ્ડન વિઝા આપ્યા છે. આમ હવે તે ૨૦૩૧માં સુધી યુએઇમાં રહી શકશે. સાથે સાથે જ તેને અન્ય સુવિધાઓ પણ મળશે. તે શારજાહની અલ-કાસ્મિયા યુનિવર્સિટીમાં ઇસ્લામિક શરિયતની સ્ટુડન્ટ છે. વિઝા મળ્યા બાદ તસ્નીમે કહ્યું કે, ‘આ મારા માટે ખૂબ સુખદ પળ છે, જે માટે હું મારા પરિવારની અને યુએઇ સરકારના આભારી છીએ.’
ઉલ્લેખનીય છે કે યુએઇએ સરકારે લાંબા ગાળાના રેસિડેન્ટ વિઝા માટે ૨૦૧૯માં નવા નિયમ ઘડ્યા છે. જે અંતર્ગત ગોલ્ડન વિઝાની જોગવાઇ કરાઇ હતી. આ વિઝા હેઠળ વિદેશીઓને સ્પોન્સર વિના યુએઇમાં રહેવાની, કામ કરવાની કે ભણવાની છુટ મળે છે. આ વિઝા પાંચ કે દસ વર્ષ માટે અપાય છે. સામાન્ય રીતે યુએઇમાં જંગી રોકાણ કરતા ઉદ્યોગપતિઓ-ધનિકો કે પોતાના ક્ષેત્રમાં પ્રશંસનીય પ્રદાન આપનારા લોકોને જ આ વિઝા અપાતા હોય છે. તાજેતરમાં જ બોલિવૂડના જાણીતા સંજય દત્તને ગોલ્ડન વિઝાનું સન્માન મળ્યું હતું. હિન્દી ફિલ્મઉદ્યોગમાંથી તે આવું સન્માન મેળવનાર પ્રથમ કલાકાર છે.