નવી દિલ્હીઃ ભારત સરકારે મહિલાઓને લઈને એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે. સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે ભારતતનાં સશસ્ત્ર દળોમાં પર્મેનન્ટ કમિશન માટે હવે મહિલાઓને નેશનલ ડિફેન્સ એકેડેમી (એનડીએ)માં પ્રવેશ મળશે. સુપ્રીમ કોર્ટે પણ આ નિર્ણય પર સંતોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સૈન્ય દળ સૌથી સન્માનિત ફોર્સ છે. સુપ્રીમ કોર્ટને આ માહિતી ભારત સરકારે આઠમી સપ્ટેમ્બરે એક અરજીની સુનાવણી દરમિયાન આપી હતી, જેમાં મહિલા ઉમેદવારોને એનડીએ અને નેવી એકેડેમીની પરીક્ષામાં બેસવા દેવા અને નેશનલ ડિફેન્સ એકેડેમીમાં પ્રશિક્ષણની મંજૂરી આપવાનો આદેશ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો. સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે નિયમોમાં જરૂરી સુધારાવધારા માટે ૨૪ જૂનની પરીક્ષાને નવેમ્બર સુધી ટાળવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટની બેન્ચે જણાવ્યું હતું કે અમે સંબંધિત અધિકારીઓને પગલાં ભરવા જણાવ્યું હતું. સશસ્ત્ર દળો દેશમાં સૌથી સન્માનિત શાખા છે, પરંતુ લૈંગિક સમાનતા માટે તેને વધુ સુદૃઢ કરવાની આવશ્યકતા છે. અમે સરકાર દ્વારા લેવામાં આવેલાં પગલાંથી ખુશ છીએ. આ મામલે આગામી દિવસોમાં વધારે સુનાવણી કરીશું.