ભારતીય સિનેમાની પ્રથમ ખલનાયિકા: કુલદીપ કૌર

પ્રથમ ભારતીય નારી

- ટીના દોશી Wednesday 07th August 2024 07:58 EDT
 
 

ગોરે ગોરે ઓ બાંકે છોરે કભી મેરી ગલી આયા કરો
ગોરી ગોરી ઓ બાંકી છોરી ચાહે રોજ બુલાયા કરો...
લતા મંગેશકર અને અમીરબાઈ કર્ણાટકીને કંઠે ગવાયેલું, રાજેન્દ્ર કૃષ્ણલિખિત આ ગીત ૧૯૫૦માં પ્રદર્શિત થયેલી સમાધિ ફિલ્મમાં નલિની જયવંત તથા કુલદીપ કૌર પર ફિલ્માવાયેલું. નલિની જયવંત રૂપેરી સૃષ્ટિની મનમોહક અભિનેત્રી હતી, પણ કુલદીપ કૌર ભારતીય સિનેમાની પ્રથમ ખલનાયિકા હતી !
અંદાજે સો ફિલ્મોમાં અભિનયનાં અજવાળાં પાથરનાર કુલદીપ કૌરનો જન્મ પંજાબના અટારીમાં એક શીખ પરિવારમાં વર્ષ ૧૯૨૭માં થયેલો. માત્ર ચૌદ વર્ષની ઉંમરે મહારાજા રણજીતસિંહની સેનામાં કમાન્ડર રહેલા શામસિંહ અટારીવાલાના પૌત્ર અને શ્રીમંત પંજાબી જમીનદાર મોહિન્દર સિંહ સંધૂ સાથે કુલદીપનાં લગ્ન થયાં. સોળ વર્ષની ઉંમરે, ૧૯૪૩માં કુલદીપ એક દીકરાની માતા બની ગઈ. મોહિન્દર સિંહ પિતા બન્યા, પણ શ્રીમંત જમીનદાર હોવાને કારણે એમનો વધુ સમય લાહોર અને અમૃતસરની વૈભવી ક્લબોમાં પસાર થતો.
રંગીલા મોહિન્દર સિંહ ક્લબોમાં પત્ની કુલદીપને સાથે લઈ જતા. હાઈફાઈ સોસાયટીની આલીશાન પાર્ટીઓમાં મોહિન્દર સિંહ અને કુલદીપની ઓળખાણ ફિલ્મી હસ્તીઓ સાથે થઈ. રૂપેરી સૃષ્ટિના ચમકતા સિતારાઓના ડિઝાઈનર વસ્ત્રો અને રંગઢંગથી કુલદીપ પ્રભાવિત થઈ. સિનેમાના સિતારાઓ સાથે સંબંધ જોડાયા પછી કુલદીપના અભિનયનાં અરમાનો સળવળી ઊઠ્યા. એ અભિનેત્રી બનવાના ખ્વાબમાં રાચવા લાગી. એક દિવસ લાહોરની એક ક્લબમાં કુલદીપની નજર અભિનેતા પ્રાણ પર પડી. પ્રાણ ૧૯૪૦ની પંજાબી ફિલ્મ યમલા જટમાં નાયકની મુખ્ય ભૂમિકા ભજવીને લોકપ્રિય થઈ ગયેલા. મોકો મળતાં કુલદીપ પ્રાણ પાસે પહોંચી ગઈ. પ્રાણની ફિલ્મોની પ્રશંસા કરવા માંડી. કુલદીપ અને પ્રાણનો પ્રેમસંબંધ આરંભ થઈ ગયો.
દરમિયાન, ૧૯૪૭માં ભારતને આઝાદી મળી. દેશના ભાગલા થયા. એ વખતે પ્રાણ લાહોર છોડીને મુંબઈ આવી ગયા. પણ ઉતાવળમાં એમની ગાડી લાહોરમાં રહી ગઈ. એ વખતે મુંબઈમાં ફિલ્મ લેખનમાં સક્રિય રહેલા મશહૂર ઉર્દૂ લેખક સઆદત હસન મંટોએ લખ્યા મુજબ, ‘પ્રાણમાં લાહોર પાછા જઈને પોતાની ગાડી લઇ આવવાની હિંમત નહોતી. ત્યારે પતિ અને પરિવારના વિરોધ વચ્ચે કુલદીપે ઘર છોડ્યું. રમખાણોની પરવા કર્યા વિના કુલદીપ પ્રાણની ગાડી ચલાવીને લાહોરથી મુંબઈ આવી.’ કુલદીપ કૌરે ગાડીની ચાવી પ્રાણના હાથમાં મૂકી ત્યારે એ આ દબંગ પંજાબી મહિલાના સાહસને જોતા રહી ગયેલા.
પ્રાણ સાથે કુલદીપે નવા જીવનનો આરંભ કર્યો. એક દિવસ પ્રાણ કુલદીપને બોમ્બે ટોકીઝ સ્ટુડિયો લઇ ગયા. સ્ટુડીયોમાં કુલદીપનો પરિચય બોમ્બે ટોકીઝના પ્રોપ્રાયટર સવક વછ સાથે કરાવવામાં આવ્યો. છતાં કુલદીપને ૧૯૪૮ની ફિલ્મ ચમનમાં ભૂમિકા ભજવવાનો મોકો આપ્યો. પરંતુ, નાયિકા તરીકે નહીં, ખલનાયિકા તરીકે! સિનેસૃષ્ટિમાં પગરણ કર્યા પછી કુલદીપ એક એક ડગલું માંડતી ગઈ. ૧૯૫૦માં ગૃહસ્થી ફિલ્મમાં પતિ સામે વિદ્રોહ કરનાર આધુનિક મહિલાની ભૂમિકા ભજવીને કુલદીપે સૌનું ધ્યાન ખેંચ્યું. અફસાનામાં બેવફા પત્ની અને બૈજૂ બાવરામાં ડાકુનું પાત્ર ભજવીને સિનેસિતારાઓમાં ઝળહળી ઊઠી.
દરમિયાન, એક ફિલ્મના શૂટિંગ માટે કુલદીપને શિરડી જવાનું થયું. શિરડીના સાંઈબાબાના મંદિરે દર્શન કરવા પહોંચી. મંદિરમાં ઉઘાડે પગે ચાલતાં એના પગમાં બોરડીનો કાંટો પેસી ગયો. કુલદીપે કાંટો પગમાંથી કાઢી નાખ્યો અને પછી ફરી શૂટિંગમાં વ્યસ્ત થઈ ગઈ. કાંટાવાળી વાત જ એ ભૂલી ગઈ. કેટલાક દિવસો પછી કાંટો વાગ્યો હતો એ જગ્યાએ જખમ પાકવા લાગ્યો. પરિણામે એના શરીરમાં ઝેર ફેલાવા લાગ્યું. જયારે તબિયત એકદમ કથળી ત્યારે એણે ઈલાજ કરાવ્યો, પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ગયેલું. માત્ર તેત્રીસ વર્ષની ઉંમરે ૩ ફેબ્રુઆરી ૧૯૬૦ના ટીટનેસથી એનું મૃત્યુ થઈ ગયું. એ સાથે ભારતીય સિનેમાની પ્રથમ ખલનાયિકા કુલદીપ થોડો સમય ઝગમગી, પણ પછી એના જીવનનો દીપક બુઝાઈ ગયો!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter