ટુનટુન.... આ નામ સાંભળતાં જ ગોળમટોળ કોઠી જેવી કાયા, એવું જ ગોળમટોળ મોઢું અને હસતો,મુસ્કુરાતો ચહેરો નજર સામે ઉપસી આવે. આંખોમાં ભોળપણ અને સૂરત માસૂમ. ટુનટુનનું સ્મરણ થતાં જ હસવું આવે. અંદાજે બસ્સો જેટલી ફિલ્મોમાં હાસ્ય કલાકાર તરીકે સહુને હસાવનાર ટુનટુન ભારતીય સિનેમાની પહેલી હાસ્ય અભિનેત્રી હતી !
કોમેડી ક્વીન તરીકે જાણીતી થયેલી ટુનટુનનો ચહેરો પણ હસમુખ હતો, પરંતુ એની પોતાની જીવનકથા અત્યંત કરુણ છે. ૧૧ જુલાઈ ૧૯૨૩ના ઉત્તરપ્રદેશના અમરોહા જિલ્લાના અલીપુરમાં પંજાબી પરિવારમાં એનો જન્મ. માતાપિતાએ દીકરીનું નામ ઉમાદેવી રાખ્યું. ટુનટુનના સંબંધીઓએ એનાં માતાપિતાની હત્યા કરી દીધેલી. ઉમાદેવીને કાકાએ પાંખમાં લીધી. ઉમાદેવીની હાલત એક નોકરાણી જેવી જ હતી કાકાના ઘરમાં. રેડિયો પરથી પ્રસારિત થતાં ગીત એ તન્મયતાથી સાંભળતી. ઉમાદેવીને ગાવાનો શોખ જાગ્યો. નરક જેવી જિંદગીમાં ટકી રહેવાનો એકમાત્ર સહારો ગીત જ હતું. ઉમાદેવી વિષપાન કરીને અમૃત જેવું વિચારતી કે, હું પણ એક દિવસ ગાયિકા બનીશ !
સ્વપ્નને સથવારે દિવસો ખેંચી કાઢતી. ઉમાદેવીએ ઘરેલુ કામ કરવા માટે એક સંબંધીને ઘેર અવારનવાર જવાનું થતું. ત્યાં એની મુલાકાત એક વાર અખ્તર અબ્બાસ કાઝી સાથે થઈ. અખ્તર અબ્બાસ દિલ્હીના જકાત વિભાગમાં નિરીક્ષક હતા. કાઝીએ ઉમાદેવીને આગળ વધવા પ્રોત્સાહન પૂરું પાડ્યું. કેટલીક મુલાકાતોમાં બન્ને એકમેકને પસંદ કરવા લાગ્યા. પણ ભારત અને પાકિસ્તાનના ભાગલા થતાં પહેલાં કાઝી લાહોર ચાલ્યા ગયા.
ગાયિકા બનવાનું સ્વપ્ન પૂરું કરવા ઉમાદેવીએ મુંબઈ જવાનું વિચાર્યું. ગામ,ઘર છોડીને ભાગી. વર્ષ ૧૯૪૬ અને ઉમાદેવીની ઉંમર હતી ૨૩ વર્ષ ! ઉમાદેવી મુંબઈ જવ્વાદ હુસૈનને ઘેર પહોંચી. હુસૈને ઉમાદેવીને પોતાને ઘેર આશરો આપ્યો. એનો પરિચય અભિનેતા અને દિગ્દર્શક અરુણ આહુજા તથા એની ગાયિકા પત્ની નિર્મલાદેવી સાથે થઈ. દરમિયાન ઉમાદેવીને ખબર પડી કે ફિલ્મ દિગ્દર્શક અબ્દુલ રશીદ કરદાર ‘દર્દ’ નામની ફિલ્મ બનાવી રહ્યા છે.
ઉમાદેવી કરદારના સ્ટુડિયો પહોંચી ગઈ. કરદારે સંગીતકાર નૌશાદના સહાયક ગુલામ મોહમ્મદને બોલાવીને ઉમાદેવીનો ટેસ્ટ લેવા કહ્યું. એ ટેસ્ટમાં ઉમાદેવીએ ‘ઝીનત’ ફિલ્મમાં નૂરજહાંએ ગાયેલું આંધિયાં ગમ કી યૂં ચલી... ગીત ગાયું. ઉમાદેવીએ ગાયનનું પ્રશિક્ષણ લીધું નહોતું, છતાં એનો સૂરીલો કંઠ સહુને ગમી ગયો. એને મહિને પાંચસો રૂપિયાના પગારે નોકરીએ રાખી લેવાઈ. નૌશાદે ‘દર્દ’ ફિલ્મમાં ઉમાદેવી પાસે અફસાના લિખ રહી હૂં દિલે બેકરાર કા... ગીત ગવડાવ્યું. ૧૯૪૭માં ‘દર્દ’ ફિલ્મ પ્રદર્શિત થઈ ત્યારે આ ગીતે ધૂમ મચાવી.
આ ગીતથી ઇંતઝારની ઘડીઓ પણ પૂરી થઈ. ઉમાદેવીનો ખોવાયેલો પ્રેમ પાછો મળ્યો. બન્યું એવું કે ગીત સાંભળીને અખ્તર અબ્બાસ કાઝી પાકિસ્તાનથી ભારત પાછા ફર્યા. ઉમાદેવી અને કાઝી લગ્નગ્રંથિથી જોડાયાં. ઉમાદેવીનું ગાવાનું કામ મળવાનું ઓછું થતાં થતાં બંધ થઈ ગયું. પણ પરિવારમાં ઉમાદેવી અને એનાં ચાર બાળકો સહિત પાંચના પેટનો ખાડો પૂરવાનો હતો. એટલે ઉમાદેવીએ ફરી કામ કરવાનો નિર્ણય કર્યો. એ નૌશાદ પાસે ગઈ. એટલે નૌશાદે ઉમાદેવીને સલાહ આપતાં કહ્યું, ‘તું અભિનયમાં હાથ કેમ અજમાવતી નથી ?’
ઉમાદેવીએ અભિનય કરવાનું વિચાર્યું નહોતું, પણ પરિવારને ખાતર કાંઈક તો કરવું જ પડે એમ હતું. એ બેફિકરાઈથી બોલી : ‘હું અભિનય કરીશ, પણ માત્ર દિલીપકુમાર સાથે.’ એ સમયે દિલીપકુમાર સુપરસ્ટાર હતા. એથી ઉમાદેવીની વાત સાંભળીને નૌશાદ હસી પડ્યા. પણ યોગાનુયોગ એવો થયો કે ઉમાદેવીને ૧૯૫૦માં પહેલી ફિલ્મ દિલીપકુમાર સાથે જ મળી. ફિલ્મનું નામ બાબુલ, નાયક દિલીપકુમાર અને નાયિકા નરગીસ. આ ગાળા સુધીમાં ઉમાદેવીનું વજન ખાસ્સું વધી ગયેલું.
ફિલ્મમાં એનું પાત્ર પણ હાસ્યપ્રધાન હતું. ફિલ્મના એક દ્રશ્યમાં ઉમાદેવી દિલીપકુમાર સાથે અથડાય છે અને બન્ને પલંગ પર પડે છે. ત્યારે દિલીપકુમાર બોલી ઊઠે છે, કોઈ ઉઠાઓ ઈસ ટુનટુન કો.. ત્યારથી ઉમાદેવી ટુનટુન તરીકે પ્રચલિત થઈ ગઈ.
ભારતીય સિનેમાની પહેલી હાસ્ય કલાકાર તરીકેની ઓળખ એણે મેળવી. અંદાજે બસ્સો ફિલ્મમાં કામ કર્યા પછી ૨૪ નવેમ્બર ૨૦૦૩ના એનું મૃત્યુ થયું... ખુદનું જીવન કરુણરસથી ભરપૂર હતું, છતાં લાખ્ખો લોકોને હોઠે હાસ્ય રમતું મૂક્યું એ ટુનટુનની સિદ્ધિ જ ગણાશે !