ભારતીય સિનેમામાં સ્ટંટ કરનાર પ્રથમ : ફિયરલેસ નાદિયા

પ્રથમ ભારતીય નારી

- ટીના દોશી Wednesday 06th December 2023 07:16 EST
 
 

જે દુશ્મનો પર ચાબુકથી વાર કરતી હોય, તીવ્ર ગતિથી સરકતા પાંજરામાં હાથોહાથની લડાઈ કરતી હોય, ચાલતી ટ્રેન પર શત્રુઓ સાથે બાથ ભીડતી હોય, આગ સાથે ખેલતી હોય, પહાડો પરથી છલાંગ લગાવતી હોય, ઘોડેસવારી કરવાની સાથે કરતબ દર્શાવતી હોય અને સિંહની સાથે જીવસટોસટની બાજી લગાવીને લડતી હોય.... આવાં તો કેટકેટલાંયે સાહસ અને પરાક્રમો કરનાર મેરી ઇવાન્સનું નામ સાંભળ્યું છે?
આ સવાલનો જવાબ નકારમાં જ મળશે. પણ મેરી ઇવાન્સને ઠેકાણે ફિયલેસ નાદિયાનું નામ મૂકશો તો સહુ કોઈ આ સાહસિક સ્ત્રીને તરત જ ઓળખશે. ફિયરલેસ નાદિયા એટલે કે નીડર નાદિયા ભારતીય સિનેમામાં ખતરનાક સ્ટંટ એટલે કે કરતબ દાખવનારી કરનારી પ્રથમ અભિનેત્રી હતી !
નાદિયાએ હંટરવાલી ફિલ્મથી કરતબ દાખવવાની શરૂઆત કરી. ફિલ્મમાં પોતાના પિતાનો બદલો લઈ રહેલી નાયિકાના રૂપમાં નાદિયા ચહેરા પર માસ્ક પહેરીને, નકાબપોશ થઈને દુશ્મનો પર હંટરથી વાર કરતી દર્શાવાઈ છે. એ સમયના દર્શકો માટે રૂપેરી પરદે એક સ્ત્રી કરતબ ને કારનામાં દાખવતી હોય એ નવી નવાઈની વાત હતી. સિનેમાના પરદે પુરુષોને લડાઈમાં પછાડતી અને ઘોડેસવારીથી માંડીને તલવારબાજી કરતી નાદિયાને જોઈને પ્રેક્ષકોનાં રુંવાડાં ખડાં થઈ જતાં. નાદિયાની નીડરતા ટ્રેડમાર્ક બની ગઈ અને નાદિયા ફિયરલેસ નાદિયા નામે પ્રચલિત થઈ ગઈ. એની સ્ટંટસફર આગળ વધતી ગઈ. મિસ ફ્રન્ટિયર મેલમાં નાદિયાએ ચાલતી ટ્રેન પર શત્રુઓ સાથે બાથ ભીડેલી અને એક માણસને ઉઠાવીને એ ટ્રેન પર ચાલતી હોય એવા દ્રશ્યનું ફિલ્માંકન થયેલું. ડાયમંડ ક્વીનમાં ઢાળ પરથી ઝડપથી સરકતા પાંજરામાં એ દુશ્મનો સાથે દાવ ખેલતી હતી. બમ્બઈવાલીમાં નાદિયાએ ગાયનું તગડું વાછરડું ઉઠાવી લીધેલું. જંગલ પ્રિન્સેસમાં ચાર ખૂંખાર સિંહ સાથે બાથ ભીડેલી. આ દ્રશ્યના ફિલ્માંકન વખતે સુંદરી નામની સિંહણ નાદિયા પર કૂદી પડેલી.અને બીજા સિંહો પણ આક્રમક થઈ ગયેલા.
આ પ્રકારના જોખમી કરતબ દાખવનારી નાદિયા મૂળ ઓસ્ટ્રેલિયાની. પશ્ચિમી ઓસ્ટ્રેલિયાના પર્થમાં ૮ જાન્યુઆરી ૧૯૦૮ના મેરી એન ઇવાન્સ તરીકે એનો જન્મ થયો. ગ્રીક માતા માર્ગારેટ અને સ્કોટિશ પિતા હર્બર્ટ ઇવાન્સ. હર્બર્ટ બ્રિટિશ સૈન્યમાં સ્વયંસેવક હતા. મેરી એક વર્ષની થઈ ત્યારે હર્બર્ટની રેજીમેન્ટની બદલી મુંબઈમાં થઈ. એટલે ઈવાન્સ પરિવાર મુંબઈ જઈ વસ્યો. પણ દુર્ભાગ્યે ૧૯૧૫માં, પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનોને હાથે હર્બર્ટ મરાયો. પતિના અકાળ અવસાનને પગલે માર્ગારેટ દીકરી મેરી સાથે પેશાવર ચાલી ગઈ.
પેશાવર નિવાસ દરમિયાન મેરી ઘોડેસવારી, શિકાર, માછલી પકડવી અને નિશાનબાજી શીખી. ૧૯૨૮માં મેરી પોતાની માતા માર્ગારેટ સાથે ફરી મુંબઈ આવી. આમ તો ગાયિકા બનવાનું એનું સ્વપ્ન હતું, પણ પારિવારિક સંજોગોને કારણે મુંબઈમાં આર્મી એન્ડ નેવી સ્ટોરમાં સેલ્સગર્લ તરીકે નોકરી સ્વીકારી લીધી. મેરી બહેતર જીવન માટે મેડમ એસ્ટ્રોવાના બેલે ગ્રુપમાં જોડાઈ ગઈ. એક્રોબેટિક સ્ટંટમાં પારંગત થઈ ગઈ. દરમિયાન, એક આર્મેનિયન જ્યોતિષીએ મેરીને કહ્યું કે, એણે સફળ થવા નામ અંગ્રેજી મૂળાક્ષર ‘એન’થી શરૂ થતું કોઈ નામ રાખવું પડશે. મેરીએ નાદિયા નામ રાખ્યું. કારણ કે નાદિયા નામમાં વિદેશી ધ્વનિ સમાયેલો હતો.
આ ગાળામાં વાડિયા મૂવીટોન ફિલ્મનિર્માણ કંપનીના હોમી વાડિયા અને જમશેદ વાડિયાને સાથે નાદિયાની મુલાકાત ગોઠવાઈ. બન્ને ભાઈઓ પ્રભાવિત થતાં નાદિયાને કામ મળી ગયું. નાદિયાને સાઠ રૂપિયાના પગારે વાડિયા મૂવીટોનમાં રાખી લેવામાં આવી. નાદિયા હિંદી શીખી. પછી હંટરવાલી ફિલ્મ આવી જેણે નાદિયાને રાતોરાત પ્રસિદ્ધિ અપાવી. આમ એ ભારતીય સિનેમાની પ્રથમ કરતબબાજ મહિલા ઉપરાંત ફિયરલેસ નાદિયા તરીકે જાણીતી થઈ.
નાદિયાએ ૧૯૫૯માં સર્કસ ક્વીન કર્યાના બે વર્ષ બાદ, ૧૯૬૧માં હોમી વાડિયા સાથે લગ્ન કરી લીધાં. એ પછી હોમી વાડિયાની જ ૧૯૬૮ની ફિલ્મ ખિલાડીમાં કામ કર્યું. નાદિયાની એ અંતિમ ફિલ્મ હતી. ૯ જાન્યુઆરી ૧૯૯૬ના રોજ નાદિયાનું નિધન થયું. પરંતુ જેણે એની ફિલ્મો જોઈ છે એના માનસપટ પર નાદિયાની સ્મૃતિ અકબંધ સચવાયેલી છે : ઊંચાઈએથી ભૂસકો મારતી, હવામાં ગુલાંટ ખાતી, ઝુમ્મર પર ઝૂલતી અને દીવાલો પર ચડતી નાદિયા.... ફિયરલેસ નાદિયા !


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter