સિડનીઃ ઓસ્ટ્રેલિયાનાં એક મહિલા સારિના રૂસોને એક વખત તો એક સપ્તાહમાં બે વાર નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યાં હતાં. એક વખત લંચમાંથી આવવામાં પાંચ મિનિટ મોડું થયું તો બોસે તેમને પાણીચું પકડાવી દીધું. આમને આમ સારિનાએ પોતાની ભૂતકાળની કારકિર્દીમાં લગભગ ડઝન જોબ ગુમાવી હશે, પરંતુ તેણે હાર ન સ્વીકારી. સારિનાએ પોતાનું જ નાનકડું કોઈ કામ શરૂ કરવાનું વિચાર્યું અને પોતાની ટાઇપિંગ સ્કૂલ શરૂ કરી. આજે સારિનાની કંપની યુવાઓને જોબ શોધવામાં મદદ કરે છે. તેઓ ઓસ્ટ્રેલિયાનાં ધનિક મહિલાઓમાંથી એક છે. કંપનીનો કુલ બિઝનેસ હવે ૬.૬૭ અબજ રૂપિયાથી વધુનો છે. ૬૬ વર્ષનાં સારિના રૂસોને યુવાઓ તેમને પ્રેમથી નોકરી આપનારી રાની કહે છે. તેઓ આ સફળતાઓનો શ્રેય પોતાની નિષ્ફળતાઓને આપે છે. તે આજે જોબમાંથી કાઢી મૂકનારા અને જોબ પર નહીં રાખનારા તેના ભૂતકાળના ઉપરીઓનો આભાર માને છે. તે કહે છે કે, તેમના કારણે તેઓ પોતાની સ્કૂલ શરૂ કરવા માટે મજબૂર થયાં હતાં.
એક હજારથી વધુ કર્મચારીઓ
રૂસોએ પોતાના પુસ્તક ‘મીટ મી એટ ધ ટોપ’માં આ વાતોનો ઉલ્લેખ કર્યો છે. ૯ યુવકો સાથે ૧૯૭૯માં શરૂ થયેલી રૂસોની કંપનીમાં એક હજારથી વધુ કર્મચારીઓ કામ કરે છે. કંપની ભારત, વિયેતનામ, ચીન વગેરે દેશોમાં પણ કામ કરી રહી છે. સારિના રૂસો ગ્રૂપ ઓફ કંપનીઝ સ્કૂલ, જોબ એક્સેસ, રિક્રૂટમેન્ટ, કોર્પોરેટ ટ્રેનિંગ, ઇનવેસ્ટમેન્ટ, હાયર એજ્યુકેશન ક્ષેત્રોમાં કામ કરે છે. ગયા વર્ષે રૂસોએ એક જોબ એક્સેસ કંપનીની સાથે ડીલ કરી હતી.
કામનો સંતોષ
ઉછીના નાણા લઈને અભ્યાસ કરનારાં રૂસો જૂના દિવસોને યાદ કરીને કહે છે કે, આર્થિક સ્થિતિ સારી નહીં હોવાને કારણે નોકરીનું દબાણ હતું. તેથી મેં ઓછી વયે જોબ શરૂ કરી દીધી હતી. મેં નવી-નવી નોકરી શરૂ કરી હતી. હું આખું સપ્તાહ કામ કરતી હતી. ખૂબ મહેનત કરતી. પોતાનું હન્ડ્રેડ પર્સન્ટ આપતી, પરંતુ કામનો સંતોષ મને નહોતો કદાચ એટલા માટે જ બોસ પણ કામ પસંદ કરતા ન હતા. ઘણા બોસ ભૂલ થાય તો નારાજ થઈ જતા.
એકમાંથી બીજી અને બીજીમાંથી ત્રીજી જોબ હું બદલતી રહી. એક સમય એવો હતો કે હું જોબ શોધી રહી હતી, પરંતુ જોબ મળતી ન હતી. છેલ્લી વાર મને લો ફર્મમાં સેક્રેટરીની નોકરી મળી હતી. થોડાક મહિના પછી અહીંથી પણ નોકરી જતી રહી ત્યારે મેં નવી જોબ નહીં શોધવાનો નિર્ણય લીધો. મને પોતાના બિઝનેસનો અભ્યાસ યાદ આવી ગયો, જ્યાં મેં ટાઇપિંગ શીખ્યું હતું. પછી મેં સેવિંગના આશરે રૂ. બે લાખ રૂપિયાથી ટાઈપિંગ સ્કૂલ શરૂ કરી. મને અહીં મારા કામનો સંતોષ થવા લાગ્યો.
લોકોની કારકિર્દીનું ઘડતર
મારું સદભાગ્ય છે કે હું લોકોની મદદ કરી રહી છું. હું હંમેશા પોતાના સ્ટુડન્ટ્સ અને જોબ શોધી રહેલા યુવાઓને એક જ વાત કહું છું કે જો તમને પોતાની જાત પર ભરોસો હોય તો કોઈ તમારી કારકિર્દીને અટકાવી શકતું નથી. જો તમે બોસની સાથે કામ કરવા માગતા નથી તો પોતાનું નાનું મોટું કામ શરૂ કરો. જોબ શરૂ કરો. આ ડિજિટલ યુગ છે. ઓનલાઇન દુનિયા બહુ વિશાળ છે. જે યુવાનોએ આત્મનિર્ભર બનાવી રહી છે. હવે નવથી પાંચ ઓફિસ જવાની જરૂર પણ નથી. તમે કોફી શોપમાં બેસીને પણ કામ કરી શકો છો. આપણે નાપાસ થવા માટે પણ તૈયાર રહેવું જોઈએ. તેનાથી તમને તમારી વાસ્તવિક સ્ટ્રેન્થની ખબર પડે છે. ત્યાર પછી જ આપણે કંઈક નવું કરવા માટે પ્રયાસ કરીએ છીએ અને મહેનતથી કરેલા કામમાં નિષ્ફળતાઓ પછી જરૂર સફળતા મળે જ છે.