જો ઈજિપ્તની મહિલા ખેલાડીઓની વાત નીકળે તો તાઈક્વાન્ડો હોલ ઓફ ફેમમાં સામેલ કેરોલિન માહેર, સ્વિમર ફરીદા ઓસ્માન અને સ્કવોશ ચેમ્પિયન રનીમ અલ વાલેલીએ લાંબા સમય સુધી પ્રસિદ્ધિ હાંસલ કરી છે. હાલમાં આ કડીમાં એક નામ જોડાઈ ગયું છે યારા શેલ્બી યારાનું. શેલ્બી ઈઝરાયલની એક માત્ર મહિલા ડેઝર્ટ રેલી રેસર છે. તેણે મહિલાઓની એક ટીમ પણ બનાવી છે, જેમાં તમામ ક્રૂ મેમ્બર મહિલાઓ છે. તેમની સાત સભ્યોની ટીમે સિઝનમાં ગાજેલી રેલીમાં ભાગ પણ લીધો હતો. રેલીમાં માત્ર મહિલા રેસર ભાગ લે છે.
બાળપણથી જ સાહસિક
વ્યવસાયે આઈટી પ્રોગ્રામર ૩૪ વર્ષીય શેલ્બી બાળપણમાં પિતાની સાથે સફારી અને કેમ્પ કરવા જતી હતી. તેને બાળપણથી એડવેન્ચરસ સ્પોટર્સ સાથે લગાવ હતો. તેના પિતા શોખમાં તેનો સાથ આપતા હતા, પરંતુ તેણે પોતાના પિતાને રેસ કરવાની વાત કરી તો તેઓ ચિંતિત થઈ ગયા હતા. શેલ્બીએ કહ્યું કે તેઓ બીજા પેરેન્ટસની જેમ મારી સુરક્ષાને લઈને પરેશાન હતા. તેમણે મને રેસર બનવાથી રોકવાનો પ્રયાસ પણ કર્યો. જોકે મારો પહેલો એક્સિડન્ટ થયો પછી તેમણે મારો ઉત્સાહ વધાર્યો હતો.
શેલ્બીએ કહ્યું કે, ૨૦૧૩માં ઈજિપ્તમાં એલ ગોઉના રેલી કપમાં મેં ભાગ લીધો હતો. એ મારી પહેલી રેલી રેસ હતી. હું ખૂબ જ ઉત્સાહિત હતી, પરંતુ તે સમયે પુરુષ રેસરોએ મને કહ્યું કે તું છોકરી છે. તું રેસ કેવી રીતે કરી શકે? છોકરીઓ તો ડામરના રોડ પર પણ બહુ મુશ્કેલીથી કાર ચલાવી શકે છે તો અહીં તો રેતીમાં કાર ચલાવવાની છે. મારી આસપાસ ત્યારે નકારાત્મક લોકો હતા. તેઓ ખૂબ જ ખુશ હતા કેમ કે હું ફિનિશ લાઈન સુધી પહોંચી શકતી ન હતી. મારી સાથેના કેટલાક પુરુષ પ્રતિસ્પર્ધીઓ તો તે વખતે મારી મજાક કરી રહ્યા હતા કે એક મહિલા તેમની સાથે શા માટે ભાગ લઈ રહી છે?
ચીટિંગનો આક્ષેપ
આ ઘટનાના માત્ર એક મહિના પછી અલ રેમાલ ડેઝર્ટ ચેલેન્જ રેસનું આયોજન હતું. તેમાં શેલ્બીએ બીજું સ્થાન હાંસલ કર્યું હતું. આ શેલ્બીની બીજી રેસ હતી. શેલ્બી કહે છે કે, મને આ રેસમાં બીજું સ્થાન મળ્યા પછી કેટલાક રેસરોએ એટલે સુધી કમેન્ટ કરી કે ક્યાંક હું શોર્ટકટ તો નથી લઈ રહીને? કે પછી મને રેસનો રૂટ પહેલેથી જ તો નથી ખબર હોતોને? કેટલાક લોકોએ મારા ઉપર ચીટિંગ કરવાનો આક્ષેપ પણ મૂક્યો હતો. જોકે ત્યારે આ બધી ટિપ્પણીઓનો વિરોધ કરતાં સ્પષ્ટ કહ્યું કે, મેં ક્યારેય કોઈ ચીટિંગ નથી કરી. મારા રેસમાં ભાગ લેવાને કારણે અનેક પુરુષ રેસરોના અહંકારને ઠેસ પહોંચી હતી. તેથી તેઓ મારા અંગે એવું કહેવા લાગ્યા હતા.
રેસનો સિલસિલો
રેમાલ ડેઝર્ટ ચેલેન્જ પછી શેલ્બીએ કતાર અને યુએઈમાં આયોજિત રેસમાં ભાગ લીધો હતો. શેલ્બી ૨૦૧૪માં ઈન્ટરનેશનલ ક્રોસ કન્ટ્રી રેલીમાં પોતાની કેટેગરીમાં ચેમ્પિયન બની હતી. જીતે તેના આલોચકોના મોઢાં બંધ કરી દીધાં. એનાથી તેણે સાબિત કર્યું કે રેલી ડ્રાઈવિંગ માત્ર પુરુષોની રમત નથી. હવે જે રેસર તેની ઇર્ષ્યા કરતા હતા તે શેલ્બીના વખાણ કરવા લાગ્યા હતા.
સ્ત્રીઓની જ ટીમ
છ વર્ષીય પુત્રની માતા શેલ્બીને હવે અનેક મહિલાઓ પૂછે છે કે તે પુરુષો કરી શકે તેવું આ કામ કેવી રીતે કરી શકે છે? તો તેના જવાબમાં શેલ્બી કહે છે કે, હું સ્ત્રી પુરુષના કામમાં ભેદ રાખતી નથી. હવે અનેક મહિલાઓનો પણ રેસિંગમાં રસ વધી રહ્યો છે. તેથી હું તેમને ટ્રેનિંગ પણ આપું છું. મેં મહિલાઓની ટીમ પણ બનાવી છે જેમાં કો-ડ્રાયવર, ટીમ મેનેજર, ટેક્નિકલ મેનેજર અને આસિટન્ટ મહિલાઓ જ છે. મને પૂરી આશા છે કે અમારી ટીમ વર્ષે અનેક આંતરરાષ્ટ્રીય રેલીઓમાં ભાગ લેશે.