મણિપુરઃ લિસી પ્રિયા કંગુજુમ પર્યાવરણની રક્ષા બાબતે ૮ વર્ષની નાની ઉંમરથી ખૂબ જ મહેનત કરી રહી છે. તેણે પર્યાવરણની રક્ષા બાબતે ૨૧ દેશોમાં ભાષણ પણ કર્યાં છે. પ્રિયાએ વડા પ્રધાન મોદી પાસે દેશમાં હવામાન પલટા કાયદો લાગુ કરવા માગ કરી હતી. સંસદ સંકુલની પાસે રેલીમાં તેણે વડા પ્રધાન મોદીને હવામાન પલટા માટે કડક પગલાં ભરવા કહ્યું હતું. એ પછી તેણે એએનઆઈ સાથે વાત કરીને કહ્યું કે, હું વડા પ્રધાન તથા તમામ સાંસદોને વિનંતી કરું છું કે હવે હવામાન પરિવર્તન પર પગલાં લેવાય અને આપણું ભવિષ્ય બચાવાય. સમુદ્રનું સ્તર વધે છે અને પૃથ્વી વધુ ગરમ થઈ રહી છે. તેઓએ હવે આના પર કડક પગલાં ભરવા જોઈએ. લિસી ‘ધ ચાઇલ્ડ મૂવમેન્ટ’ની સ્થાપક પણ છે. તે કહે છે, બાળકો દ્વારા વૈશ્વિક મુદ્દાઓ પર પોતાનો અવાજ ઉઠાવવો તે સ્વૈચ્છિક ચળવળ છે.
લિસીએ એક ટ્વિટમાં લખ્યું હતું કે, કૃપા કરીને અમારું ભવિષ્ય બચાવી દો.
હું મારી પ્રેરણા ગ્રેટા થુનબર્ગ સાથે છું જેથી હું તમારા અને વિશ્વના અન્ય નેતાઓ પર થોડું દબાણ લાવી શકું. તમે અમને ઓછા ન આંકો. કૃપા કરીને સંસદમાં હવામાન પલટા અધિનિયમ પસાર કરો. લિસી પ્રિયા કંગુજુમ આ અભિયાનને લઈને લાંબા સમયથી ચર્ચામાં છે. તેણે ઘણી જાગૃતિ ઝૂંબેશ, રેલીઓ અને કુદરતી આફતોનો ભોગ બનેલા લોકોને મદદ કરી છે. લિસીએ સ્પેનના મેડ્રિડમાં હવામાન પરિવર્તન અંગેના એક કાર્યક્રમમાં સ્વીડિશ હવામાન પરિવર્તન કાર્યકર્તા ગ્રેટા થુનબર્ગ સાથે હાજરી પણ આપી હતી. લિસીને તેના કાર્ય માટે માન્યતા આપવામાં આવી છે અને તેને વર્લ્ડ ચાઇલ્ડ પીસ પ્રાઇઝ ૨૦૧૯ એનાયત પણ કરાયો છે.
ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન મોદીએ પણ સપ્ટેમ્બરમાં આયોજિત સંયુક્ત રાષ્ટ્રની હવામાન ક્રિયા સમિટ ૨૦૧૯માં પણ હવામાન પરિવર્તન અંગે અવાજ ઉઠાવ્યો હતો.