મધ્ય પ્રદેશમાં મહિલાએ સર્જરી વગર છ બાળકોને જન્મ આપ્યોઃ પાંચનાં મોત

Monday 02nd March 2020 06:16 EST
 
 

મધ્ય પ્રદેશના શ્યોપુરમાં ગર્ભવતી મહિલા મૂર્તિ સુમન (ઉં ૨૩) પ્રસવ પીડામાં જિલ્લા હોસ્પિટલ પહોંચી હતી. ડોક્ટરે સોનોગ્રાફી કરી તો મહિલાના ગર્ભમાં ૬ બાળકો હતાં. સોનોગ્રાફીમાં છ બાળકો છે એ જાણીને ડોક્ટરોને ય પરસેવો છૂટી ગયો હતો. તેની સારવાર અને ડિલિવરી કરાવવાનું ખૂબ જ જોખમી હતું. આ સોનોગ્રાફી બાદ મહિલાની નોર્મલ ડિલેવરી થઈ અને મૂર્તિએ ૩૫ મિનિટમાં ૬ બાળકોને જન્મ આપ્યો. મહિલાએ સાતમા મહિને જ બાળકોને જન્મ આપ્યો હતો. બાળકોમાં બે પુત્રી અને ચાર પુત્રો હતાં, પરંતુ ઓછા વજનના કારણે બે દીકરીઓનાં મોત થયાં. એ પછી અન્ય ત્રણ બાળકોનાં પણ મૃત્યુ થયાં હતાં. જોકે, મૂર્તિએ નોર્મલ ડિલિવરી દરમિયાન ૩૫ મિનિટમાં છ બાળકોને જન્મ આપ્યો હતો. તબીબોએ જણાવ્યું કે, બધાં જ બાળકોનું વજન ૪૫૦ ગ્રામથી લઈને ૭૫૦ ગ્રામ જેટલું હતું. જન્મ સમયે ખૂબ જ ઓછું વજન હોવાથી તમામ બાળકોની સ્થિતિ નાજુક હતી. એમાં પણ પ્રથમ બે બાળકીઓનાં મૃત્યુ થયાં તેમનાં વજન માત્ર ૪૫૦ ગ્રામ જ હતાં. મૂર્તિનું નિદાન કરનારા ડોક્ટરોએ અગાઉ જ અધૂરા મહિને ડિલિવરી થઈ શકે છે એવી શક્યતા વ્યક્ત કરી હોવાથી હોસ્પિટલમાં સમયસર સારવાર મળી ગઈ હતી. મૂર્તિ અને તેના પરિવારજનોને ખબર પડી હતી કે ગર્ભમાં છ બાળકો છે. એ જાણ્યા પછી પરિવારજનો અને ડોક્ટરોની ચિંતા વધી ગઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter