ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં હિન્દુઓ પર થતા અત્યાચારના કિસ્સા છાશવારે પ્રકાશમાં આવતા હોય છે. અહીંયા હિન્દુઓ માટે જીવવું મુશ્કેલ છે. આ સંજોગોમાં પણ ૨૬ વર્ષની એક હિન્દુ યુવતીએ રચેલા ઈતિહાસની ચર્ચા થઈ રહી છે.
૨૬ વર્ષની મનીષા રોપેટા પાકિસ્તાનની પહેલી હિન્દુ મહિલા ડિસ્ટ્રીક્ટ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (ડીએસપી) બની ગઈ છે. આમ તો મનીષા સિંધ પ્રાંતના જેકોબાબાદ જિલ્લાની રહેવાસી છે પણ વર્ષો પહેલા તેનો પરિવાર કરાંચી શિફ્ટ થઈ ગયો હતો. અહીંયા તેણે ફિઝિયોથેરપીમાં ડોક્ટરેટની પદવી મેળવી હતી અને એ પછી તેણે તાજેતરમાં સિંધ રાજ્યના પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા આપી હતી. જેમાં તેણે ૧૬મી રેન્ક મેળવી હતી. હવે તેને પોસ્ટીંગ મળ્યું છે. સોશિયલ મીડિયા પર તેની સિદ્ધિની ચર્ચા થઈ રહી છે. તેની નિમણૂંક પોલીસ તંત્રમાં ડીએસપી તરીકે કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર લોકો તેના પર અભિનંદન વરસાવી રહ્યા છે.