પેરિસ ઓલિમ્પિકના શૂટિંગ ઇવેન્ટમાં ભારત માટે બે બ્રોન્ઝ મેડલ જીતનાર મનુ ભાકર અત્યારે મિનિ વેકેશન માણી રહી છે. ત્રણ મહિનાની આ રજાઓ દરમિયાન મનુ ભાકરે પોતાના માટે સમય ફાળવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અલબત્ત, આ ગાળામાં પણ તેણે દિનચર્યા મુજબ સવારે છ વાગ્યે ઉઠવાનું અને યોગ કરવાનું તો ચાલુ રાખ્યું છે. સાથે સાથે જ તે તે શોખ પણ પૂરા કરી રહી છે. ઉલ્લેખનીય છે કે મનુ ભાકરે પેરિસમાં 10 મીટર એર પિસ્તોલ સિંગલ ઇવેન્ટ અને 10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
મનુએ તેના કોચ જસપાલ રાણા સાથે વાતચીતમાં જણાવ્યું કે, ટોક્યોમાં તેની પિસ્તોલમાં ક્ષતિ સર્જાઈ હતી અને જરાક માટે મેડલ ચૂકી ગઇ હતી તે ઘટના હવે તેના માટે વધુ મહત્ત્વ ધરાવતી નથી. આ ઉપરાંત ઓલિમ્પિકના સપનાને સાકાર કરવા માટે જે કંઈ પણ અવરોધરૂપ હતું તે હવે તેના માટે ગૌણ છે. હું હવે થોડો સમય વિરામ લેવા ઈચ્છું છું. ત્રણ મહિનાના સમયગાળામાં હું મારા શોખ પર ધ્યાન આપીશ.
પણ મનુ ભાકરના શોખ ક્યા છે? મનુ કહે છે કે મને ઘણા શોખ છે જેમાં ઘોડેસવારી, સ્કેટિંગ, ફિટનેસ, ભરતનાટયમ્, શાસ્ત્રીય સંગીત શીખવું વગેરેનો સમાવેશ થાય છે. હું ફ્રાન્સમાં ઓલિમ્પિકની તૈયારીમાં વ્યસ્ત હતી ત્યારે ભરતનાટ્યમ્ શીખવા માટે સમય ફાળવી શકતી નહોતી. મારા શિક્ષક તમિલનાડુના છે, હવે હું મારા શોખ પર ધ્યાન આપીશ. મારી પાસે વાયોલિન પણ છે, હું શાસ્ત્રીય સંગીતની પ્રાથમિક તાલીમ લઈ રહી છું.
મનુ કહે છે કે મને સ્કાયડાઈવિંગ કરવું તથા સ્કુબાડાઈવિંગ કરવું પણ પસંદ છે અને હું ઓલિમ્પિક સમાપ્ત થવાની રાહ જોઈ રહી હતી જેથી હું આ બધું જ કરી શકું.
મનુના કોચ જસપાલ રાણા પણ તેના સૂરમાં સૂર પુરાવે છે. જસપાલ રાણા મનુના ઈજા ધરાવતા હાથનો ઉલ્લેખ કરતા કહે છે કે છેલ્લા આઠ મહિનાથી તેને હાથમાં ઈજા છે અને તેમાં હજુ રિકવરી નથી, એટલા માટે જ મનુને આરામ માટે ત્રણ મહિનાનો બ્રેક આપવામાં આવ્યો છે.
શૂટિંગ વર્લ્ડ કપ માટે દિલ્હીની પસંદગી થઈ તે અગાઉ જ મનુ તેમાં ભાગ નહીં લે તેવો નિર્ણય અમે કર્યો હતો. આ ગાળામાં મનુ માત્ર શૂટિંગ નહીં કરે પરંતુ તેના માનસિક સ્વાસ્થ્ય, સવારે વહેલા ઉઠવું અને યોગ તથા શારીરિક વ્યાયામ વગેરેની ટ્રેનિંગ ચાલુ છે તેમ રાણાએ જણાવ્યું હતું.