સાદી સીધી ગુજરાતી ભાષામાં ચેઈન એટલે સાંકળ. જ્વેલરી સંદર્ભે સાંકળને સેર પણ કહી શકાય. કોઈ પણ પ્રકારના ઘરેણામાં આ પાતળી કે સહેજ ભરાવદાર સાંકળનું ખૂબ જ મહત્ત્વ હોય છે, પણ આજે આપણે માત્ર સાંકળની જ્વેલરીની જ અહીં વાત કરવાના છીએ.
કોઈ પણ ધાતુમાંથી બને
સોના, ચાંદી, ઈમિટેશન, પંચધાતુ, પ્લાસ્ટિક, દોરી, વાંસ, શણ, ઊન, કાપડમાંથી સાંકળ બનાવીને તમે ઘરેણાં બનાવી શકો છો. વળી આ સાંકળમાં પણ તમે ઈચ્છો એવી ડિઝાઈન માર્કેટમાં ઉપલબ્ધ હોય છે. જો મોંઘા સોના ચાંદીના ઘરેણા માટે ચેઈનની જ ડિઝાઈન પસંદ કરવાની હોય તો એ માટે જ્વેલરી એક્સપર્ટનો સંપર્ક કરીને તમને મનગમતી ડિઝાઈન સ્પેશ્યલ તૈયાર કરાવી શકાય છે. બીબાંઢાળ કે મશીન વર્કથી ચેઈન ડિઝાઈનના ઘરેણા તૈયાર થઈ શકે છે તો હાથ બનાવટની ડિઝાઈન પણ તૈયાર થઈ શકે છે.
નીતનવી ડિઝાઈન
સ્ત્રી હોય કે પુરુષ ગળામાં ચેઈન પહેરવાનો શોખ બંનેમાં હોય એવું ઘણે જોવા મળે છે. જોકે સામાન્ય રીતે સ્ત્રીઓમાં નીતનવી ડિઝાઈનના અને દરેક અંગ માટે ઘરેણા વસાવવાનો શોખ પુરુષના પ્રમાણમાં વધુ જોવા મળે છે. નીતનવી ડિઝાઈનના ઘરેણા પહેરવાનો શોખ ધરાવતી મહિલાઓ માટે ચેઈન ડિઝાઈનની જ્વેલરી પરફેક્ટ છે. ફૂલ, પત્તાં, મોર, ટપકાં, કેરી, જેવી ડિઝાઈન તો સાંકળમાં અતિ પસંદગીની હોય જ છે, પણ ભૌમિતિક આકારો ત્રિકોણ, ચોરસ, પંચકોણ, ષષ્ટકોણ પણ સ્ત્રીઓમાં પસંદગીના આકારો છે તેવું જોવા મળે છે. ચેઈન જ્વેલરીમાં પણ હવે તો ડિજિટલ ડિઝાઈન લોકપ્રિય બની રહી છે.
ફ્લેક્સિબલ જ્વેલરીનો ક્રેઝ
ચેઈન ડિઝાઈનની જ્વેલરી મલ્ટીપલ યુઝ કરી શકાય એવી અને ફલેક્સિબલ ડિઝાઈન ધરાવતી હોય એવી પણ મળી રહે છે. જેમ કે ગળાની ચેઈન હોય તેને તોડી કે જોડીને એરિંગ, બંગળી, કંદોરા, બાજુબંધ, બ્રેસલેટ, પાયલ, પોંચી, વીંટી, કાનસેર, નથણી પણ થઈ શકે એવી જ્વેલરી માર્કેટમાં અવેલેબલ છે. બહુ વધુ જ્વેલરી ન વસાવવા માગતી સ્ત્રીઓ કે યુવતીઓ માટે આ શ્રેષ્ઠ ઓપ્શન છે. આ પ્રકારની જ્વેલરી તેઓ પ્રસંગે, રુટિનમાં કે પ્રોફેશનલ લાઈફમાં આસાનીથી કેરી કરી શકે છે.
વળી, જો તમે અતિકિંમતી જ્વેલરી પહેરવા ના માગતા હો તો સસ્તી સુંદર અને ટકાઉ જ્વેલરી ઓપ્શન તરીકે ચેઈન જ્વેલરી શ્રેષ્ઠ છે. દોરી, શણ, વાંસની ચેઈન બનાવીને તમે ચેઈન જ્વેલરી બનાવી શકો છો. ક્યાંય ફરવા જઈએ ત્યારે મોંઘી જ્વેલરી પહેરી હોય તે ખોવાઈ જવાનો ડર રહે છે. આવા સમયે આ પ્રકારની જ્વેલરીમાં ચેઈનની જ્વેલરી બેસ્ટ ઓપ્શન છે. એક જ મોતીની કે ડાયમંડની માળાને સાંકળની જેમ ગૂંથી ગૂંથીને તમે ઇચ્છો એ જ્વેલરી બનાવી શકો છો.
તમે ચેઈન ડિઝાઈનના હળવા ઈયરિંગ્સ પણ પહેરી શકો. ચેઈન હૂપ્સ પણ સુંદર લાગશે. હાથમાં આર્ટિફિશિયલ ચેઈન બ્રેસલેટ ખૂબ સરસ લાગશે. આ ઉપરાંત એવી ચેઈન જ્વેલરી પણ વસાવી શકો કે જરૂર પડે તેનો હેર એસેસરી તરીકે પણ ઉપયોગ થઈ શકે. તમે માથામાં સરસ હેરબેન્ડ તરીકે પણ ચેઈનનો ઉપયોગ કરી શકો અથવા ચેઈન બ્રોચ પણ ઝડપથી બનાવી શકો છો.