મલ્ટીવેર આભૂષણો ઇનટ્રેન્ડ

ખુશાલી દવે Friday 22nd April 2016 07:57 EDT
 
 

હાલમાં ઘણી માનીતી અને જાણીતી જ્વેલરી બ્રાન્ડે નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે અને નેકલેસ, બ્રેસલેટ, બુટ્ટી, વીંટી, બ્રોચ અને પેન્ડેન્ટની અદલાબદલી કરીને મલ્ટીવેર જ્વેલરી માર્કેટમાં મૂકી છે. આશ્ચર્ય વચ્ચે આ પ્રકારના આભૂષણો પ્રિય પણ થઈ રહ્યાં છે. યુવતીઓ અને સ્ત્રીઓ શોખથી આ ઘરેણાં વસાવી રહ્યાં છે.

વારંવાર એકના એક ઘરેણાં પહેરીને કંટાળી ગયા હોય તેમનાં માટે આ જ્વેલરી ટ્રેન્ડ ખૂબ જ આવકારદાયક નીવડ્યો છે. વળી, છાશવારે નવા નવા આભૂષણો ખરીદવામાંથી પણ મુક્તિ મળી જાય છે.

વિવિધ રીતે પહેરી શકાય એવા આ આભૂષણો માટે કહી શકાય કે તમે પેન્ડન્ટને બ્રોચ તરીકે, નેકલેસને બ્રેસલેટ તરીકે કે બ્રેસલેટને વીંટી તરીકે પહેરી શકો છો. વળી, મેચિંગના બે સેટમાંથી અનેક જ્વેલરી કોમ્બિનેશન પણ થઈ શકે. કિંમતી જ્વેલરી પાછળ ખર્ચવામાં આવતા નાણાંની પૂરેપૂરી વસૂલાત માટે આનાથી સારો રસ્તો બીજો કયો હોઈ શકે? તેથી જ આધુનિક જ્વેલરી ડિઝાઈનર્સ હવે એવી ડિઝાઈન બનાવે છે કે જેને જુદાં જુદાં ઘરેણાં તરીકે પહેરી શકાય. આવા આભૂષણોને મલ્ટીવેર જ્વેલરી કહેવાય છે.

એક જ્વેલરી ડિઝાઈનર પૂર્વી મહેતા કહે છે કે, મધ્યમ વર્ગીય સ્ત્રીઓ અને યુવતીઓ માટે મલ્ટીવેર જ્વેલરીની ખરીદી એકદમ અનુકૂળ રહે છે. મલ્ટીવેર જ્વેલરી તમે જુદી જુદી રીતે પહેરી શકો છો. મલ્ટીવેર જ્વેલરીનાં જ એક કે બે સેટ વસાવો તો તે સેટમાંથી બીજા ત્રણથી ચાર સેટ બનાવીને તમે પહેરી શકો એ મલ્ટીવેર જ્વેલરીનો સૌથી મોટો ફાયદો છે. અલબત્ત, આ ટ્રેન્ડ હજી સાવ નવો છે, પણ મોટા જ્વેલરી ડિઝાઈનર્સ પણ મલ્ટીવેર જ્વેલરી બનાવવા તરફ વધુ ઉત્સાહ દર્શાવી રહ્યાં છે. ખાસ કરીને બુટ્ટી વીંટી અને પેન્ડેન્ટ સાથે એક કે બે ડિઝાઈનર ચેઈન બનાવવાના ઓર્ડર મારે વધુ રહે છે.

મલ્ટીવેર જ્વેલરીનો સૌથી મોટો ફાયદો એ પણ છે કે, દાગીનાઓમાં ઝીણા ઝીણા ફેરફાર કરવા માટે તમને વારંવાર જ્વેલર પાસે દોડી જવાની જરૂર નથી. આ કામ હવે તમે તમારી જાતે જ કરી શકો છો. આ પ્રકારની જ્વેલરીમાં કડીઓની ગોઠવણ એવી રીતે કરાઈ હોય છે કે વધારાની કડી ઉમેરીને બ્રેસલેટને નેકલેસ અને કડીઓ કાઢીને નેકલેસને બ્રેસલેટ બનાવી શકાય. અલબત્ત, તેને યોગ્ય રીતે ગોઠવતા આવડવું જોઈએ. વીંટીની પાછળના ભાગમાં આવેલા હુકને ઘણી બધી ચેનમાં અટકાવીને અથવા માળામાં પરોવીને તેને બ્રોચ તરીકે લગાવી શકાય.

હાલમાં ધવલભાઈ સોનીએ એક બ્રેસલેટ એવું બનાવ્યું છે કે તે એંકલેટમાં બદલી શકાય. આ સેટના પેન્ડન્ટને વીંટી તરીકે આંગળીમાં પણ પહેરી શકાય છે. ધવલભાઈએ એવી ડિઝાઈનનો બ્રેસલેટ બનાવ્યું છે જેને સંકોચીને વીંટીની જેમ આંગળીમાં પણ પહેરી શકાય છે. જ્યારે બુટ્ટીને લાંબા પેન્ડન્ટ તરીકે પહેરી શકાય.

ધવલભાઈ કહે છે કે, મેં એવા ઘરેણાં બનાવ્યાં છે જેને ફોર્મલ અથવા કેઝ્યુઅલ લુક આપી શકાય. તેમાં લાગેલી કડીઓ વડે આભૂષણોનો ચોક્કસ ભાગ દૂર કરીને અથવા તેમાં કડીઓ નાંખીને નવો ભાગ જોડીને નાના-મોટાં જુદી જુદી જાતના ઘરેણાં બનાવી શકાય.

એક સેટ એવો પણ તૈયાર કર્યો છે કે, સોનાનો ઢોળ ચડાવેલી મોતી તથા નંગ જડેલી જ્વેલરીમાં ખાસ કરીને લાંબી ચેન બનાવી છે. આ ચેનને બેલ્ટ તરીકે કમર પર પહેરી શકાય છે. જ્યારે તેના બનાવેલા બેલ્ટને નેકલેસ બનાવીને ગળામાં પણ પહેરી શકાય છે. વળી, તેમાંની કડીઓ છૂટી પાડતાં એંકલેટ અથવા બાજુબંધ પણ બનાવી શકાય. જ્યારે નેકલેસ બંદી તરીકે માથા પર લગાવી શકાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter