મસ્કરાથી આપો આંખોને મુસ્કુરાહટ

Monday 24th February 2020 05:26 EST
 
 

ક્યારેક એવું બને કે મહિલાઓ કે યુવતીઓને ફુલ મેક અપ કરવાનો સમય ન હોય અથવા તેમણે ફુલ મેક અપ કરવો ન હોય. આ સમયે આંખોને હાઈલાઈટ કરવા માટે તેઓ મસ્કરાનો ઉપયોગ કરી શકે છે. જોકે યોગ્ય રીતે મસ્કરા ન લગાવી હોય તો પાંપણો સુંદર નહીં લાગે અને તે તમારા દેખાવમાં ચાર ચાંદની જગાએ દાગ બની રહેશે. મેક અપ સાથે કે મેક અપ વગર મસ્કરા કેવી રીતે લગાવવી એ માટે અહીં કેટલીક ટિપ્સ આપી છે. જેના અમલથી મસ્કરા લગાવવી સરળ રહેશે અને તમારા લુક અને આંખોથી તમે ક્યાંય પણ છવાઈ જશો.

સાદી મસ્કરા

તમે જ્યારે પાંપણો પર વોટર પ્રૂફ ન હોય તેવી મસ્કરા પાંપણ પર ટ્રાય કરો ત્યારે ખાસ ધ્યાન રાખવું કે આંખો કે પાંપણો ભીની ન થાય. તેનાથી તમારી મસ્કરા ફેલાઈને આખા મેક અપને બગાડી શકે છે. જો સાદી મસ્કરા પાંપણો પર લગાવવાના હો તો આઈ મેક અપ પૂરો થવાનો હોય ત્યારે છેલ્લે મસ્કરા લગાવો અને મસ્કરાને સંપૂર્ણ સુકાઈ જવા દો.

વોટર પ્રૂફ મસ્કરા

પાંપણો પર મસ્કરા ફેલાઈ જવાથી ત્યાંની ત્વચા કાળી થઈ જાય છે. જેનાથી વ્યક્તિ વૃદ્ધ દેખાય છે. વોટર પ્રૂફ મસ્કરા ડાઘ-ધબ્બા અટકાવે છે અને તે મસ્કરાને લાંબો સમય ટકાવી રાખે છે.

આઈ કલર્સ

આઈ લેશ કલર્સ વાપરતાં પહેલાં તેની વાપરવાની યોગ્ય પદ્ધતિ શીખો અને જો કલર્સની ધારી ઘસાઈ ગઈ હોય તો તેને બદલી નાંખો, કારણકે ઘસાયેલી ધારી તમારી નાજુક પાંપણોને નુકસાન પહોંચાડી શકે છે.

વોટર બેઝ આઈ ક્રીમ

ઓઇલી આઈ ક્રીમ આંખો નીચે ડાઘા પાડે છે અને ચીકાશ ફેલાવે છે. તેથી વોટર બેઝ આઈ ક્રીમનો ઉપયોગ કરો. તે મસ્કરાના ડાઘા પડશે નહીં.

મસ્કરા વોન્ડ

જો મસ્કરા વોન્ડના બ્રશનાં વાળ યોગ્ય ન હોય તો તમારી પાંપણ કઢંગી લાગે છે. તમે એવું બ્રશ પસંદ કરો કે પાંપણ પર સરખી રીતે ફેલાઈ તેને છુટ્ટી પાડી શકે. લેશીઝ લગાવતાં પહેલાં ફેસ ટિસ્યૂથી ચહેરો બરાબર સાફ કરવો જોઈએ. જો પાંપણ ચોંટી જાય તો તેને અલગ પાડવા આઈબ્રો બશનો ઉપયોગ કરો અને તેને ફેધરલી ફિનિશ આપો.

મસ્કરાને કાઢવાની રીત

• જો તમે આંખોનો મેક અપ વધારે કરો છો તો તમારે ગુણવત્તા યુક્ત આઈ મેક અપ રિમૂવરનો ઉપયોગ કરવો જોઈએ.

• મસ્કરા દૂર કરતી વખતે પાંપણો હળવેથી હાથે સાફ કરો. પાંપણો ખેંચાય તેમ મસ્કરા કાઢવા પ્રયત્ન કરવો નહીં. નહિતર પાંપણો ઊખડી જશે અને તમારો દેખાવ વૃદ્ધ લાગશે.

• પાંપણ પર કેસ્ટર ઓઇલ લગાવો જેથી તેનો ગ્રોથ વધે અને મસ્કરા તેની પર જચે.

• મસ્કરા કાઢવા માટે તમે કાચા દૂધ કે દૂધની મલાઈનો ઉપયોગ પણ કરી શકો છો. તે કુદરતી ઉપાય છે.

• મોશ્ચરાઈઝર ક્રીમ દાંતિયામાં લગાવીને તે દાંતિયાથી હળવેથી પાંપણ બ્રશ કરો તેનાથી આસાનીથી મસ્કરા નીકળી જશે. તે ફેલાશે પણ નહીં અને પાંપણોને નુક્સાન પણ નહીં થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter