વોશિંગ્ટન: અમેરિકાની ટ્રેક એન્ડ ફિલ્ડના ઇતિહાસમાં હાઇએસ્ટ ઓલિમ્પિક મેડલ્સ જીતનાર મહિલા એથ્લીટ એલિસ ફેલિક્સે 2022ની સિઝન બાદ ટ્રેક એન્ડ ફિલ્ડને અલવિદા કરવાનો નિર્ણય કર્યો છે. ફેલિક્સે સોશિયલ મીડિયામાં જાણકારી આપી હતી. તેણે જણાવ્યું હતું કે વર્તમાન સિઝનમાં હવે ટ્રેક એન્ડ ફિલ્ડ ઉપર આનંદ માણવાનો સમય છે. જો તમે ચાલુ વર્ષે એથ્લેટિક ટ્રેક ઉપર મને જોશો તો મને આશા છે કે હું તમારી સાથે એક પળ માટે સંસ્મરણનો હિસ્સો બનવાનો પ્રયાસ કરીશ.
ફેલિક્સે 2021માં યોજાયેલી ઓલિમ્પિકની 400મીટર રિલે રેસમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. આ 11મો ઓલિમ્પિક મેડલ હતો. ફેલિક્સે અમેરિકાની રેકોર્ડ બુકમાં કાર્લ લૂઈસને પણ પાછળ રાખી દીધો છે. તે હવે વિશ્વમાં ફિનલેન્ડના પારવો નુર્મી કરતાં માત્ર એક મેડલ પાછળ છે, જેણે 1920થી 1928ની વચ્ચે 12 મેડલ્સ જીત્યા હતા.
ફેલિક્સે એવું પણ જણાવ્યું હતું કે વર્તમાન સિઝનમાં હું મહિલાઓ તથા મારી પુત્રીના વધારે સારા ભવિષ્ય માટે દોડીશ. ફેલિક્સના નામે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં વિક્રમજનક 13 ગોલ્ડ સહિત કુલ 18 મેડલ્સ નોંધાયેલા છે.