નવી દિલ્હીઃ ભારતીય બોક્સર વિજેન્દરે પ્રોફેશનલ બોક્સિંગમાં લડવાનો નિર્ણય જાહેર કર્યા બાદ હવે દેશની મહિલા રેસલર સોનિકા કાલીરમને પણ પ્રો. રેસલિંગમાં ફાઇટ લડવાનો નિર્ણય કર્યો છે. આ ફાઇટ ૨૭મી ડિસેમ્બરે કેનેડામાં યોજાશે જ્યાં સોનિકાનો સામનો પાકિસ્તાન મૂળની કેનેડાની રેસલર સામે થશે. પ્રસિદ્ધ પહેલવાન ચંદગીરામની પુત્રી સોનિકાએ કહ્યું કે, પાંચ વર્ષ પહેલાં તે રેસલિંગમાંથી સન્યાસ લઈ ચૂકી છે, પણ આ ફાઇટ માટે તેને કેનેડાની આરબીસી બેન્ક દ્વારા છ મહિના પહેલાં પ્રસ્તાવ મળ્યો હતો. તે સમયે તેણીનો પુત્ર ત્રણ મહિનાનો હોવાથી કોન્ટ્રાક્ટ સાઇન કર્યો નહોતો, પરંતુ ફરીથી આ પ્રસ્તાવ અપાયો તો ભારતને વુમન રેસલિંગને નવી ઊંચાઈ આપવા આ ફાઇટમાં લડવાનો નિર્ણય કર્યો હતો.
આ ફાઇટ પાંચ-પાંચ મિનિટના ત્રણ રાઉન્ડમાં રમાશે. ૧૫ મિનિટની ફાઇટ બાદ પણ જો કોઈ નિર્ણય ન આવે તો આ મુકાબલો અડધો કલાક સુધી યોજાય છે. આ અડધા કલાકની ફાઇટમાં કોઈ બ્રેક નથી હોતો. આ સંજોગોમાં બંનેમાંથી કોઈ પણ એક રેસલરના બેભાન થઈ જવાની સ્થિતિમાં જ ફાઇટને રોકવામાં આવે છે અને વિજેતાનો નિર્ણય કરાય છે.
સોનિકાએ ૨૦૧૦માં જ રેસલિંગ છોડી દીધી હતી ત્યારબાદ લગ્ન કરી અમેરિકામાં સેટલ થઈ ગઈ હતી. અત્યારે સોનિકા બે બાળકોની માતા છે. સોનિકા માટે સૌથી મોટો પડકાર તેનું વજન ઘટાડવાનું છે. ઉલ્લેખનીય છે કે, સોનિકા દોહામાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારતીય દળની સભ્ય હતી. સોનિકાએ ૨૦૧૦માં બિગબોસ-૫માં ભાગ લીધો હતો. જોકે પ્રેગન્સી અને મેન્ટલ સ્ટ્રેસને કારણે આઠ દિવસ બાદ શોમાંથી બહાર નીકળી ગઈ હતી.