વોશિંગ્ટનઃ પોતાના નવજાત શિશુને માતાનું દૂધ નહિ પીવડાવી શકતા વિશ્વભરના લાખો માતા-પિતા માટે ઉત્સાહપ્રેરક સમાચાર છે. અમેરિકી મહિલા વૈજ્ઞાનિકોની જોડીએ દુનિયામાં પહેલી વાર પ્રયોગશાળામાં માનું દૂધ તૈયાર કરવામાં સફળતા મેળવી છે. આ દૂધને બાયોમિલ્ક નામ અપાયું છે. આ દૂધ બનાવનાર વૈજ્ઞાનિકોએ કહ્યું, કે એમણે આ દૂધની પોષક તત્વોની પૂરતી તપાસ કરી છે. તેમાં માતાના અસલ દૂધની જેમ જ એમાં સેંકડો પ્રોટિન, ફેરી એસિડ અને અન્ય પોષક તત્ત્વો ભરપૂર માત્રામાં મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
બાયોમિલ્ક બનાવનારી કંપનીએ જણાવ્યું કે આ ઉત્પાદન માના દૂધમાં જોવા મળતા તત્ત્વોથી પણ ચઢિયાતું છે એમ કહેવામાં જરાય અતિશ્યોક્તિ નથી. કંપનીનાં સહ સંસ્થાપક અને મુખ્ય વિજ્ઞાન અધિકારી લૈલા સ્ટ્રિકલૈંડે જણાવ્યું કે અમારી આ કામગીરીએ બતાવી આપ્યું છે કે એને બનાવનારી કોશિકાઓની વચ્ચેના મુશ્કેલ સંબંધોને દોહરાવીને અને દૂધ પીવડાવતી વેળા શરીરમાં થતા અનુભવોને ભેગા કરીને દૂધની વધારે જટિલતાને હાંસલ કરી શકાય છે.
લેબોરેટરીમાં માતાનું દૂધ બનાવવાનો વિચાર એ વખતે આવ્યો જ્યારે લૈલા સ્ટ્રિકલૈંડના સંતાનનો પ્રિમેચ્યોર જન્મ થયો અને લૈલાને બાળકને દૂધ પીવડાવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડયો. લૈલા સ્ટ્રિકલૈંડ એક કોશિકા જીવવિજ્ઞાની છે. એમના પોતાના શરીરમાં બાળકને સ્તનપાન કરાવવા માટે દૂધ બનતું નહોતું. એમણે આ માટે ઘણા ઉપચાર કર્યા પરંતુ સફળતા ના જ મળી. આ પછી એમણે ૨૦૧૩માં પ્રયોગશાળામાં મેમરી કોશિકાઓને વિકસાવવાનું શરૂ કર્યું. આમાં સફળતા મળ્યા બાદ ૨૦૧૯માં તેમણે ફૂડ વૈજ્ઞાનિક મિશેલ ઇગ્ગેરની સાથે ભાગીદારી કરી.
લૈલા અને મિશેલની જોડીએ સાથે મળીને પોતાના સ્ટાર્ટ-અપ બાયોમિલ્કનો પ્રારંભ કર્યો, અને હવે તેમની મહેનત રંગ લાવી છે. ફેબ્રુઆરી ૨૦૨૦માં આ મહિલા વૈજ્ઞાનિકોએ ઘોષણા કરી હતી કે લેબોરેટરીમાં પેદા થયેલી મેમરી કોશિકાઓએ દૂધમાં જોવા મળતા બે મુખ્ય પદાર્થો શર્કરા અને કૈસિનને તૈયાર કર્યા છે. આ પછી લેબોરેટરીમાં માતાનું દૂધ બનાવવાનો રસ્તો આસાન થઇ ગયો હતો. પોતાના સંશોધનની સફળતાથી ઉત્સાહિત લૈલા અને મિશેલ કહે છે કે આગામી ત્રણેક વર્ષમાં આ દૂધ બજારમાં આવી પહોંચશે.