ન્યૂ યોર્કઃ મહિલાઓને પુરુષો કરતાં વધુ ઈમોશનલ માનવામાં આવે છે, પરંતુ મિશિગન યુનિવર્સિટીના રિસર્ચે આ માન્યતાને તોડતા દાવો કર્યો છે કે, મહિલાઓ અને પુરુષો સમાન રીતે ‘ઈમોશનલ’ હોય છે. આ સ્ટડીમાં ૭૫ દિવસ સુધી ૧૪૨ પુરુષો અને મહિલાઓના ડેઈલી રુટિનના સકારાત્મક અને નકારાત્મક બંને પાસાનો અભ્યાસ કરાયો હતો. આ સ્ટડી કોરોના મહામારી ફેલાઇ તે પૂર્વે કરાયો હતો.
મિશિગન યુનિવર્સિટીમાં સાઈકોલોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર એન્ડ્રીન બેલ્ટ્ઝ અને તેમના સહયોગીઓએ દાવો કર્યો કે, પુરુષો પણ મહિલાઓની જેમ ઈમોશનલ હોય છે. આ તારણના સમર્થનમાં સંશોધકોનું કહેવું છે કે કોઈ સ્પોર્ટ ઈવેન્ટ દરમિયાન પુરુષોમાં આવતા ભાવનાત્મક ઉતાર-ચઢાવને ‘પેશનેટ’ કહેવાય છે, પરંતુ આવા જ ઈવેન્ટને કારણે મહિલામાં આવેલા ઈમોશનલ ચેન્જને ‘તર્કહીન’ કહી દેવાય છે.
વિજ્ઞાન કહે છે કે, મહિલાઓમાં પુરુષો કરતાં વધુ હોર્મોનલ પરિવર્તન આવતા હોય છે અને તે લાગણીઓમાં પણ પરિવર્તન લાવે છે, જેના કારણે મહિલાઓ પુરુષો કરતાં વધુ ઈમોશનલ હોય છે. આ સ્ટડીના રિસર્ચરોએ કહ્યું કે, માત્ર હોર્મોનના કારણે મહિલાઓને ઈમોશનલ ટેગ આપી શકાય નહીં. સાચી વાત તો એ છે કે હોર્મોનલ પરિવર્તનને કારણે ઈમોશનલ ચેન્જ આવે છે.
ઈમોશન્સનો સામનો કરવાના મામલે મહિલાઓના પુરુષોથી આગળ રહેવાનાં પરિણામ ભારત સહિત ઈરાન અને શ્રીલંકા જેવા દેશોમાં પણ જોવા મળ્યા છે. જેમાં એકસાથે કામ કરતી મહિલાઓ અને પુરુષોમાં મહિલાઓ ઈમોશનલી સ્ટ્રોન્ગ જોવા મળી હતી.