નવી દિલ્હીઃ અત્યાર સુધી આઇક્યુ એટલે કે ઇન્ટેલિજન્સ ક્વોશન્ટની ખૂબ ચર્ચા થતી હતી. હવે એ મુદ્દે ચર્ચા છે કે, શું વધુ આઇક્યુનો અર્થ વધુ બુદ્ધિ છે કે શું વધુ આઇક્યુનો અર્થ વધુ તેજ દિમાગ એવો થાય? આ ચર્ચાનું તો હાલ કોઇ તારણ નીકળ્યું નથી મળ્યું, પરંતુ વિવિધ અભ્યાસના આધારે એવો દાવો જરૂર થઇ શકે કે મહિલાઓમાં ઇક્યુ એટલે કે ઇમોશનલ કવોશન્ટ પુરુષોની તુલનાએ વધુ હોય છે.
તેઓ પોતાની અને બીજાની ભાવનાઓને વધુ સારી રીતે સમજી લે છે અને તે પ્રમાણે વ્યવહાર કરે છે. સ્ત્રીઓની આ ખાસિયત કે બાબત જ તેમના સંબંધોને સફળ બનાવે છે.
ઇમોશનલ ક્વોશન્ટ (ઇક્યુ)ને સમજવા માટે દુનિયાભરમાં સંશોધનો થયાં છે. તમિલનાડુમાં હાથ ધરાયેલા આવા જ એક સંશોધનમાં એ જાણવાનો પ્રયાસ થયો હતો કે શું મહિલાઓ અને પુરુષોમાં આઇક્યુ જુદો જુદો હોય? આ સંશોધનમાં આશરે ૧૦૦૦ મેડિકલ વિદ્યાર્થીઓને પસંદ કરાયા હતા, જેમાં પુરુષ-મહિલા બંને સામેલ હતા. એ સંશોધનમાં જાણવા મળ્યું હતું કે, મહિલાઓ લાગણીઓ સાથે ડીલ કરવામાં પુરુષોથી ઘણી આગળ જોવા મળી હતી. તે ટ્રેનિંગ વખતે દર્દીઓની મુશ્કેલીઓને વધુ સારી રીતે જોઇ શકતી હતી. ભારત સિવાય શ્રીલંકા, ઇરાનમાં પણ આ જ પ્રકારે અભ્યાસ હાથ ધરાયો હતો અને ત્યાં પણ આવા જ પરિણામો જોવા મળ્યા હતા. એક જ કાર્યક્ષેત્રમાં કામ કરનારા પુરષો કરતાં મહિલાઓ - લાગણીશીલ મુદ્દે - વધુ મજબૂત દેખાય છે.
કોઇ પણ ક્ષેત્રે સફળતા માટે આઇક્યુ કરતાં પણ ઇક્યુ વધુ જરૂરી છે. અમેરિકાના વિખ્યાત સાઇકોલોજિસ્ટ ડેનિયલ ગોલમને અનેક સંશોધનો કરીને દાવો કર્યો છે. કે, સફળતામાં આઇક્યુનો હિસ્સો માંડ ૨૦ ટકા છે જ્યારે ઇક્યુનો ૮૦ ટકા ભૂમિકા નિભાવે છે.