દરરોજની ભાગંભાગ અને વ્યસ્ત દિનચર્યાને કારણે મહિલાઓ કાયમ પોતાની ઊંઘના કલાકો સાથે સમાધાન કરે છે. નેશનલ સ્લીપ ફાઉન્ડેશનના અનુસાર મહિલાઓને પુરુષોની સરખામણીએ વધુ ઊંઘની જરૂર હોય છે. કેમ કે તેઓ મલ્ટીટાસ્કિંગને કારણે વધુ માનસિક ઊર્જા વાપરે છે. 2019-20માં કરાયેલા નેશનલ રિપ્રેઝન્ટેટિવ ટાઈમ યુઝ સર્વે અનુસાર, યુવાન ગૃહિણીઓ રોજના લગભગ 8 કલાક ઘરના કામ અને બાળકોની સારસંભાળમાં વાપરે છે. જોકે, વાસ્તવમાં આ સમય તેના કરતાં ઘણો વધુ હોય છે, જેની સીધી અસર તેમના આરામ અને ઊંઘ ૫૨ થાય છે. ઊંઘના અભાવને કારણે તેમના અંદર સ્થૂળતા, ચીડિયાપણું, થાક અને હૃદયરોગનું જોખમ વધે છે. આ ઉપરાંત ઉમરની સાથે હોર્મોનલ પરિવર્તનને કારણે પણ બીજી અનેક શારીરિક સમસ્યાઓ પેદા થાય છે.
ક્યા હોર્મોન્સ પર અસર થાય છે?
• એસ્ટ્રોજનઃ આ હોર્મોન કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા ઉપરાંત હાડકાંને મજબૂતી આપે છે. તેના ઉપરાંત મૂડ, હૃદય, ત્વચા અને શરીરના વિવિધ ટિશ્યુને પ્રભાવિત કરે છે. પ્રજનનમાં પણ આ હોર્મોનની મહત્ત્વની ભૂમિકા હોય છે.
• ટેસ્ટોસ્ટેરોનઃ અંડાશય અને એડ્રોનલ ગ્રંથીઓ આ હોર્મોન રિલીઝ કરે છે, જે રક્તપ્રવાહમાં ભળે છે. તે હાડકાંના ઘનત્વ અને માંસપેશીમાં તાકાત માટે જરૂરી છે.
• પ્રોગેસ્ટેરોનઃ મહિલાઓમાં નિયમિત માસિક માટે આ હોર્મોન જવાબદાર છે. તેના અભાવથી ગર્ભાશયમાંથી રક્તસ્રાવ, અનિયમિત માસિક વગેરે સમસ્યા થાય છે.
વય 35થી વધુ હોય તો જરૂર કરાવો આ ટેસ્ટ
• લિપિડ સ્ક્રીનિંગઃ આ ટેસ્ટ કોલેસ્ટ્રોલના સ્તરની તપાસ માટેનો છે. કોલેસ્ટ્રોલ હૃદયરોગોનું મુખ્ય કારણ છે. 35 વર્ષની વય પછી આ ટેસ્ટ નિયમિત રીતે કરાવવો જોઈએ.
• થાઈરોઈડ સ્ક્રીનિંગઃ અનેક મહિલાને થાક, વજન વધવા અને ડિપ્રેશનની ફરિયાદ હોય છે, જે થાઈરોઈડના સ્તરમાં પરિવર્તનથી થઈ શકે છે. થાઈરોઈડ ટેસ્ટ કરાવીને આ ફરિયાદનો ઉકેલ મેળવી શકાય છે.
• શુગર ટેસ્ટઃ 35ની વય પછી મહિલાઓમાં ડાયાબિટીસનું જોખમ વધુ હોય છે. આથી ફાસ્ટિંગ શુગર ટેસ્ટ દ્વારા પ્રાથમિક તપાસ કરાવી શકાય છે.
• મેમોગ્રામઃ બ્રેસ્ટ કેન્સર મહિલાઓમાં સૌથી વધુ હોય છે. મેમોગ્રામ તેને પ્રારંભિક સ્તરે જ પકડી શકે છે. જો પરિવારમાં કોઇ વ્યક્તિને બ્રેસ્ટ કેન્સર થયાનો ઈતિહાસ હોય તો નિયમિત કરાવવો જોઈએ.
આ ત્રણ બાબતો હંમેશા રાખશે તંદુરસ્ત
• ડાયેટઃ દરરોજ ભોજનમાં તાજા ફળ અને શાકભાજી જરૂર લો. તેમાં રહેલા એન્ટીઓક્સિડેન્ટ્સ અને વિવિધ પોષક તત્વ તમારી તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે. આ સિવાય આખું અનાજ પણ લો. ફાસ્ટફૂડ, શુગરી ડ્રિન્ક વગેરેથી બચો. તે સ્થૂળતા અને માનસિક તંદુરસ્તાને અસર કરે છે.
• પૂરતી ઊંઘઃ સારી ઊંઘ શારીરિક અને માનસિક તંદુરસ્તી સુધારે છે. અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીના રિસર્ચ મુજબ ગુણવત્તાપૂર્ણ ઊંઘથી હૃદયની બીમારીથી થતાં મોત ઘટાડી શકાય છે. પથારીમાં પડીને સોશિયલ મીડિયા સ્ક્રોલિંગ કરવાની ભૂલ ટાળો. તે ઊંઘના સમયને ઘટાડે છે.
• સ્ટ્રેસ મેનેજમેન્ટઃ વધુ પડતા માનસિક તણાવથી માસિક અનિયમિત થઈ શકે છે. તે રોગપ્રતિકારશક્તિ નબળી પાડે છે. માનસિક આરોગ્ય અને હૃદયરોગનું જોખમ વધારે છે. ગેસની સમસ્યા અને પ્રજનન સંબંધિત સમસ્યાઓ પણ આવી શકે છે. માનસિક તણાવને નિયંત્રિત કરવા માટે યોગ અને પ્રાણાયામ કરો.