ઉંમર વધવાની સાથે સાથે શરીરની અમુક જરૂરિયાત વધતી હોય છે. ખાસ કરીને સ્ત્રી ૩૦ની ઉંમર વટાવે એટલે તેના શરીરમાં ઘણાં બદલાવ આવતા હોય છે, ડોક્ટર્સ અને ન્યુટ્રીશિયન્ટ્સના કહેવા પ્રમાણે સ્ત્રીએ ત્રીસી વટાવ્યા બાદ અમુક સપ્લિમેન્ટ્સ ચોક્કસ લેવા જોઇએ. શરીરને સ્વસ્થ અને હેલ્ધી રાખવા માટે એવો ખોરાક લેવો પડે છે જે શરીરને અમુક વિટામિન્સ અને મિનરલ પૂરાં પાડે.
• ફોલિક એસિડઃ શરીરની કોષિકાઓના વિકાસ માટે ફોલિક એસિડ ખૂબ જરૂરી છે. અમુક વય બાદ તેની માત્રા શરીરમાં ઓછી થવા લાગતી હોય છે, તેથી સપ્લિમેન્ટ્સ દ્વારા તમે તમારા શરીરમાં થતી ફોલિક એસિડની ઉણપને ભરપાઈ કરી શકો છો.
• આયર્નઃ ૩૦ વર્ષ બાદ શરીરમાં આયર્નની માત્રા પણ ઘટવા લાગે છે, તેની માત્રા ઘટતાં કોઇ પણ પ્રકારનાં ઇન્ફેક્શન થવાની સંભાવના વધી જાય છે, તેથી આયર્નની ઉણપને પણ સપ્લિમેન્ટ્સ દ્વારા પૂરી કરવી.
• વિટામિન ડીઃ વિટામિન ડીની ઉણપથી હાર્ટની સમસ્યા થઇ શકે છે, તેથી ૩૦ની વય બાદ વિટામિન ડીના સપ્લિમેન્ટ્સનું સેવન પણ ચોક્કસ કરવું.
• મેગ્નેશિયમઃ મેગ્નેશિયમની ઉણપ થાય એટલે માંસપેશીઓનો દુખાવો, થાક, મૂડ ડિસઓર્ડર, હાઈ બીપી, ધબકારાની અનિયમિતતા વગેરે સમસ્યા અનુભવાય છે. મેગ્નેશિયમથી શરીરમાં પ્રોટીન બને છે તેમજ હાડકાં પણ મજબૂત રાખે છે. ૩૦ વર્ષ બાદ તેની ઉણપ સર્જાતી હોય છે, તેથી મેગ્નેશિયમવાળા સપ્લિમેન્ટ્સ તમે લઈ શકો છો.
• પ્રોબાયોટિક્સઃ પ્રોબાયોટિક્સ આંતરડાં માટે જરૂરી છે. આ બધાં જ ગુણોવાળા સપ્લિમેન્ટ્સ મેડિકલ સ્ટોરમાં સરળતાથી પાઉડર અને દવા સ્વરૂપે મળી રહે છે. તે સિવાય આ ગુણો ધરાવતાં ખોરાકનું સેવન પણ કરવું જોઇએ.
અને હા, ખાસ યાદ રાખશો કે આ માહિતી જનરલ છે, કોઇ પણ મહિલાએ આનો અમલ કરતાં પૂર્વે પોતાની તાસીર અને સ્વાસ્થ્યને ધ્યાનમાં લેવા જોઇએ અને જરૂર પડ્યે પોતાના જીપીને પણ કન્સલ્ટ કરવા જોઇએ.