નવી દિલ્હી: પુરુષો માટે સાતથી આઠ કલાકની ઊંઘ પૂરતી છે, પરંતુ મહિલાઓએ પુરુષોની તુલનાએ વધારે ઊંઘ લેવી જોઈએ એવું નિષ્ણાતોનું તારણ છે. અપૂરતી ઊંઘથી પુરુષોની સરખામણીએ મહિલાઓને વધારે થાક લાગે છે. સરખી ઊંઘ કરવાથી શરીરની ઘણી નાની સમસ્યા દૂર થાય છે. હેલ્થ એક્સપર્ટ્સના કહેવા પ્રમાણે ઊંઘ સાથે શારીરિક-માનસિક ફિટનેસને સીધો સંબંધ છે.
નિષ્ણાતો કહે છે કે સારી ઊંઘ સારા સ્વાસ્થ્યની નિશાની છે. દરેક વ્યક્તિએ સરેરાશ સાતથી આઠ કલાકની સરખી, શાંતિપૂર્ણ ઊંઘ કરવી જોઈએ. 10 વર્ષથી નાના બાળકોએ 12 કલાક ઊંઘ લેવી જોઈએ. અત્યાર સુધી એવી માન્યતા છે કે સ્ત્રી-પુરુષ બંનેએ સાતથી આઠ કલાકની ઊંઘ કરવી જોઈએ, પરંતુ નવા રિસર્ચમાં કહેવાયું છે કે મહિલાઓને સાત-આઠ કલાકની ઊંઘ પૂરતી નથી. મહિલાઓના શરીરના બંધારણ અને તેના કામને ધ્યાનમાં રાખીને પુરુષ કરતાં સરેરાશ 20થી 30 મિનિટ વધારે ઊંઘ કરવી જોઈએ.
નિષ્ણાત તબીબોની ભલામણ પ્રમાણે મહિલાઓ આઠ કલાકની ઊંઘ પછી પણ થાકની ફરિયાદ કરતી હોય છે. પણ જે મહિલાઓ આઠ કલાકની પૂરતી, શાંતિપૂર્ણ ઊંઘ કરતી હતી કે આઠ કલાકથી વધારે ઊંઘ લેતી હતી તેમનું સ્વાસ્થ્ય ઘણું સારું રહેતું હતું. સાડા આઠ કલાકની નિયમિત ઊંઘ લેતી મહિલાઓ વધારે ફિટ હતી. તેમને થાક વર્તાતો ન હતો. સારી ઊંઘથી લાંબું અને તંદુરસ્ત આયુષ્ય મળે છે. મોટી ઉંમર સુધી દિમાગ સારી રીતે કામ કરે છે. ત્વચા અને વાળ સારા રહે છે. સારી ઊંઘ લેતી વ્યક્તિ તેની લાગણીઓને સારી રીતે કાબૂ કરી શકે છે. ઊંઘ પૂરતી થાય તો તણાવ ઘટે છે. કામની ગુણવત્તા સુધરે છે. એક્સપર્ટ્સ મહિલાઓને પુરુષની સરખામણીએ 20-30 મિનિટ વધારે ઊંઘ કરવાની ભલામણ કરે છે.